પંડાલમાં બાપ્પાની સ્થાપના સાથે ગણેશ મહોત્સવનો શુભારંભ: ભાવિકો આજથી દશ દિવસ ગણેશ ભકિતમાં તરબોળ
ગણપતિ આયો બાપ્પા રિઘ્ધિ સિઘ્ધી લાયોના નાદ સાથે પંડાલો ગુંજી રહ્યા છે. દેશ પરના તમામ વિઘ્નોને હણી લેવા ભકતજનો દ્વારા પ્રાર્થના કરવામાં આવી રહી છે. આજે સવારે શુભ મુહુર્ત ગણેશજીની સ્થાપના સાથે રાજકોટ સહિત દેશભરમાં મંગલ મૂર્તિ મહોત્સવ અર્થાત ગણેશ મહોત્સવનો શુભારંભ થઇ ચૂકયો છે. ભાવિકો સતત દશ દશ દિવસ સુધી વિઘ્નહર્તા દેવની આરાધના કરશે ભારે ભકિતમય માહોલ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં ગામે ગામ દુંદાળા દેવાની ભારે ભકિત ભાવ સાથે ભકિત આરાધના કરવામાં આવી રહી છે.
આજે સવારે ડી.જે., ઢોલ-નગારાની રમઝટ, રાસ-ગરબાના તાલ સાથે ભાવિકો દ્વારા વાજતે ગાજતે વિઘ્ન હર્તા દેવની પંડાલોમાં સ્થાપના કરવામાં આવી હતી. લોકોએ પોતાના ઘર આંગણે પણ ગણપતિજીની સ્થાપના કરી હતી. અમુક ભાવિકો દ્વારા દોઢ દિવસ સુધી, ત્રણ દિવસ સુધી, પાંચ દિવસ અને 11 દિવસ માટે ગણપતિજીનું સ્થાપન કરવામાં આવતું હોય છે. દોઢ દિવસ માટે સ્થાપના કરનાર ભાવિકો આવતીકાલે બાપ્પાને વિદાય આપશે બે વર્ષ બાદ સાર્વજનીક ગણેશ મહોત્સવની છુટછાટ આપવામાં આવી હોય ફરી એક વાર ભકિતનો ઉત્સાહ પરત ફર્યા છે. પંડાલો આજથી ગણેશ વંદના કરવામાં આવી રહી છે. સતત દશ દિવસ સુધી વિવિધ ધાર્મિક, સેવાકીય અને સાંસ્કૃતિક કાર્યક્રમો થકી બાપ્પાને લાડ લડાવવામાં આવશે. આ વર્ષ વરૂણદેવે અનરાધાર કૃપા વરસાવી છે.
આવામાં ભાવિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં ર50 થી વધુ સ્થળોએ સાર્વજનીક ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સવારે અલગ અલગ સમયે સાર્વજનીક ગણેશ મહોત્સવના આયોજકો દ્વારા વિશાળ પ્રોસેસન સાથે બાપ્પાની પંડાલોમાં સ્થાપના કરવામાં આવી હતી. ગણેશ મહોત્સવ દરમિયાન સત્ય નારાયણની કથા, મોદક સ્પર્ધા: રકતદાન કેમ્પ, અન્નકુટ દર્શન, શ્રીનાથજીની ઝાંખી, જેવા કાર્યક્રમો ની ઉજવણી કરવામાં આવશે.