- આવાસ કૌભાંડમાં નામ ખૂલ્યા બાદ સત્તાધારી પક્ષ ભાજપે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી માત્ર પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા: બંને નગરસેવિકાઓને 6 વર્ષ માટે ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી હટાવાયા હોવાની શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીની જાહેરાત
રાજકોટ શહેરના સંતકબીર રોડ પર ગોકુલનગર આવાસ યોજનાના ક્વાર્ટરની ફાળવણીમાં ભાજપના બે નગરસેવિકાના પતિદેવે કૌભાંડ આચર્યું હોવાનું બહાર આવ્યા બાદ આજે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ દેવુબેન જાદવ અને વજીબેન ગોલતરને ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાની જાહેરાત કરી હતી. જો કે, બંનેના કોર્પોરેટર પદેથી રાજીનામા લેવામાં ન આવતા ભારે આશ્ર્ચર્ય વ્યાપી જવા પામ્યું છે.
આવાસ યોજના કૌભાંડમાં વોર્ડ નં.5ના ભાજપના નગરસેવિકા વજીબેન ગોલતરના પતિ કવાભાઇ અને વોર્ડ નં.6ના નગરસેવિકા દેવુબેન જાદવના પતિ મનસુખભાઇએ ખોટા પૂરાવા ઉભા કરી 19 જેટલા ક્વાર્ટરો હડપ કરી લીધા હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. ગત સોમવારે દેવુબેન જાદવનું કાયદો અને નિયમોની સમિતિના ચેરમેન પદેથી રાજીનામું લઇ લેવામાં આવ્યું હતું. બે દિવસ પૂર્વે બંનેને શો-કોઝ નોટિસ ફટકારી 48 કલાકમાં ખૂલાસો રજૂ કરવા તાકીદ કરવામાં આવી હતી. આજે બપોરે આ સમય અવધિ પૂર્ણ થતા શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશીએ દેવુબેન જાદવ અને વજીબેન ગોલતરને ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાની જાહેરાત કરી હતી. ભ્રષ્ટાચાર આચરનારાના શા માટે કોર્પોરેટર પદેથી રાજીનામા લેવામાં આવ્યા ન હોય તેવા સવાલનો શહેર ભાજપ પ્રમુખે ગોળગોળ જવાબ આપ્યો હતો.
આજે બપોરે તેઓએ કોર્પોરેશન ખાતે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ભાજપ ક્યારેય ભ્રષ્ટાચારીઓ અને કૌભાંડીઓને છાવરતું નથી. આવાસ યોજનામાં ક્વાર્ટર ફાળવણીમાં કૌભાંડ આચર્યું હોવાના અખબારી અહેવાલોને ધ્યાનમાં રાખી દેવુબેન અને વજીબેનને પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પ્રદેશ ભાજપ હાઇકમાન્ડના આદેશ મુજબ આ કાર્યવાહી કરવામાં આવી હોવાની સ્પષ્ટતા તેઓએ કરી હતી.
લોકસભાની ચૂંટણી બાદ કોર્પોરેટર પદેથી રાજીનામા લઇ લેવાય તેવી સંભાવના
લોકસભાની ચૂંટણી નજીક હોય જો ભ્રષ્ટાચારના આક્ષેપ સબબ કોર્પોરેટર પદેથી દેવુબેન જાદવ અને વજીબેન ગોલતરનું રાજીનામું લઇ લેવામાં આવે તો મતદાનમાં તેની વિપરિત અસર પડી શકે છે. આ તમામ શક્યતાઓને ધ્યાનમાં રાખતા સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા હાલ વચગાળાનો રસ્તો કાઢવામાં આવ્યો છે. જેમાં બંને નગરસેવિકાઓને ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ બંને નગરસેવિકાઓ પાસેથી કોર્પોરેટર પદેથી પણ રાજીનામું લઇ લેવામાં આવશે. તેવી સંભાવના હાલ જણાઇ રહી છે.
ચૂંટણી સમયે જ આવાસ યોજના કૌભાંડમાં કોર્પોરેટરોના નામ ખૂલતા ભાજપની સ્થિતિ દયનીય બની ગઇ છે. જો કોર્પોરેટર પદેથી હાંકી કાઢવામાં આવે તો આડકતરી રીતે એવું ફાઇનલ થઇ જાય કે આ બંનેએ ભ્રષ્ટાચાર આચર્યું હતું અને જો કોઇ કાર્યવાહી ન કરવામાં આવે તો એવો મેસેજ જાય કે કૌભાંડના આક્ષેપો થવા છતાં ભાજપ દ્વારા ભ્રષ્ટાચારીઓને છાવરવામાં આવી રહ્યા છે. આવા પ્રશ્ર્નો ઉભા ન થાય તે માટે ભાજપે વચગાળાનો રસ્તો અપનાવ્યો છે અને બંને નગરસેવિકાઓને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ બંનેના કોર્પોરેટર પદેથી રાજીનામા પણ લઇ લેવામાં આવશે. તેવું હાલ દેખાઇ રહ્યું છે.