નવકાર પરિવાર અને જૈન વિઝન ગ્રુપનું સહિયારૂ આયોજન: ફેસબૂકના માધ્યમથી ઓનલાઈન આરાધના: સાધુ-સંતો સહિત સેલિબ્રિટીઓ પણ જોડાશે

વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા અને સમગ્ર ભારતના જૈન ધર્મના ચારેય ફિરકાના આચાર્ય ભગવંત,સાધુ-સાધ્વીજી તેમજ અન્ય સંપ્રદાયના સંતો,મહંતોના આશીર્વાદથી નવકાર ગ્રુપ દ્વારા સમગ્ર વિશ્વની માનવજાતિના રક્ષાર્થે ૯૯,૯૯,૯૯,૯૯૯ નમસ્કાર મહામંત્રના સામુહિક જાપનું ઓનલાઈન આયોજન કાલે તા.૩૧ મે ને રવિવારના રોજ સવારે ૮:૪૧ કલાક થી ૧૨:૪૧ દરમિયાન કરવામાં આવ્યું છે. વિશ્વ ફલક પર યોજાનાર આ સામુહિક મંત્ર જાપમાં દેશ-વિદેશના જૈન જૈનેતરો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, યુ ટ્યુબ અને ટેલિગ્રામના માધ્યમથી જોડાઈ શકશે.ઇતિહાસના પાને સુવર્ણાક્ષર અંકિત કરતા આ ભવ્યાતિભવ્ય આયોજનમાં જૈન વિઝન સંસ્થા સહભાગી બની  મહોત્સવને સફળ બનાવવા કાર્યશીલ છે.

આ અંગે જૈન વિઝનના મિલન કોઠારીએ જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વના લોકો દ્વારા એક સાથે ,એક સમયે,એક જ દીવસે નવકાર મહામંત્રનું ઉચ્ચારણ થાય ત્યારે સકારાત્મક ઉર્જાનો વિશાલ સ્ત્રોત ઉભો થાય છે.આ પહેલા પણ ૫ જાન્યુઆરી, ૨૦૧૪ના રોજ મુંબઈમાં અનેક ધર્મ ધુરંધર પૂજ્ય સાધુ ભગવંતોની ઉપસ્થિતિમાં ૯,૯૯,૯૯,૯૯૯ના લક્ષ્ય સામે ૧૩,૯૯,૯૯,૯૯૯નો રેકોર્ડ નોંધાયો હતો. નવકાર મંત્રની આરાધનાથી અનંતા આત્માઓ સિદ્ધ ગતિને પામ્યા છે ત્યારે આ મહામારીના કઠિન કાળમાં પણ નવકારની સામુહિક આરાધના ચોક્કસ માનવજાતિને આ મહામારીમાંથી મુક્ત કરશે. સમગ્ર વિશ્વના લોકોને આ મહામંત્ર જાપમાં જોડાઈને  સુવર્ણમય ક્ષણના સાક્ષી અને સહભાગી થઈ વિશ્વશાંતિમાં નાનકડું યોગદાન આપવા નમ્ર અપીલ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પણ શુભેચ્છા પ્રાપ્ત થયેલ છે.

પ્રથમ વખત ૧૫ લાખથી વધુ ભાવિકો સામુહિક મંત્ર આરાધનામાં જોડાઈને વિશ્વ રેકોર્ડ સ્થાપવા જઇ રહ્યા છે. માનવજાતિના સ્વાસ્થ્ય, સલામતી અને સુરક્ષા માટે થયેલ આ આયોજનને સફળ બનાવવા નવકાર પરિવારના રાજુ સાવલા  ધર્મેશ શાહ જૈન વિઝનના ભરત દોશી જય કામદાર  સહિતના અનેક મિત્રો જહેમત ઉઠાવી રહ્યા છે.

નીચે આપેલ લિંકથી આપ સામુહિક આરાધનામાં જોડાઈ શકશો

* ફેસબુક: tiny.cc/Navkar9

* ટેલિગ્રામ: tiny.cc/Navkar9

* યુ ટ્યુબ,ટ્વિટર તેમજ ઇન્સ્ટાગ્રામ પર Navkar Pariwar દ્વારા જોડાઈ શકશો.

* www.navkarpariwar.com થી પણ જોડાઈ શકાશે.

સર્વ મંત્રનો સાર એટલે મંત્રાધિરાજ નવકાર મહા મંત્ર

જૈનાગમ આવશ્યક સૂત્ર તથા ભગવતીજી સૂત્ર માં નવકાર સૂત્રનો ઉલ્લેખ આવે છે.સામાયિકનો શુભારંભ નવકાર મંત્રના પાઠથી થાય છે. મંગલાચરણ પણ નવકાર મહા સૂત્રથી જ કરવામાં આવે છે. જેવી રીતે પર્યુષણ પવેને પવેનો રાજા એટલે કે પવોધિરાજ કહેવામાં આવે છે તેવી જ રીતે નવકાર મંત્રને મંત્રાધિરાજ એટલે કે મંત્રનો રાજા કહેવામાં આવે છે. નવકાર મંત્રની વિશિષ્ટતા એ છે કે નવ પદમાં કોઈ વ્યક્તિના ગુણગ્રામ નથી કે કોઈનો નામોલ્લેખ નથી. નમો અરિહંતાણં ભાવથી ઉચ્ચારણ કરીએ એટલા દરેકે દરેક તીર્થકર પરમાત્માને આપણાં વંદન – નમસ્કાર થઈ જાય…એવી જ રીતે  નમો લોએ સવ્વ સાહૂણંનું ઉચ્ચારણ કરીએ એટલે લોકમાં બીરાજતા ૨૭ ગુણના ધારક સર્વે પૂજનીય એવમ્ વંદનીય  સંત – સતિજીઓને આપણા નમસ્કાર પહોંચી જાય છે. કહેવાય છે કે નવકાર મહા મંત્રને દિલથી સ્મરણ કરી જપી લ્યો એટલે જગતના તમામ મંત્રનો સાર તેમાં સમાઈ જાય છે. ટૂંકમાં, નવકાર મંત્રનો મહિમા અપરંપાર છે.

– મનોજ ડેલીવાળા

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.