મા ઉમિયાના ભક્તોને નવચંડી મહાયજ્ઞ, અન્નકુટ દર્શન, ધર્મસભા અને ધ્વજારોહનો લાભ લીધો
અબતક-રાજકોટ
અમદાવાદના જાસપુર ખાતે નિર્માણાધીન વિશ્વના સૌથી ઊંચા (504 ફૂટ) જગત જનની મા ઉમિયાના મંદિર ખાતે હાલના સ્મૃતિ મંદિરનો દ્વિતિય પાટોત્સવ ભવ્યાતિભવ્ય રીતે ઉજવાયો હતો. ધ્વજારોહણ બાદ નવચંડી મહાયજ્ઞમાં 12 પરિવારોએ લાભ લઈ મા ઉમિયાના આશીર્વાદ મેળવ્યા. સાથો સાથ જગત જનની મા ઉમિયાને 56 ભોગનો અન્નકુટ ધરાવાયો હતો. જેના દર્શનનો લાભ લઈ અનેક ભક્તોએ ધન્યતા અનુભવી હતી. જ્યારે સાંજે 6.30 કલાકે મા ઉમિયાની મહાઆરતી પણ કરાઈ હતી.
દ્વિતિય પાટોત્સવ નિમિતે બપોરે 11 કલાકે ધર્મસભાનું આયોજન કરાયું હતું. જેમાં અલગ અલગ દાતાઓએ 4 કરોડના દાનની જાહેરાત કરી છે. ધર્મસભામાં આધ્યાત્મિક કાર્યક્રમ સાથો સાથ વિશ્વ મા ઉમિયાની આસ્થાને ઉજાગર કરવાના લક્ષ્ય સાથે યુથ કાઉન્સિલ (યુવા કમિટી)ની રચના કરાઈ છે.
જેની જવાબદારી વસંતભાઈ ઘોળુને અપાઈ છે. આ કાર્યક્રમમાં સંગઠન કમિટીના હોદ્દેદારોને પદભાર પત્ર પણ એનાયત કરાયા હતા.આ પ્રસંગે વાત કરતાં સંસ્થાના પ્રમુખ આર.પી. પટેલે જણાવ્યું હતું કેવિશ્વ ઉમિયાધામના માધ્યમથી વિદેશમાં ભણવા જવા સમયે અવાર નવાર પડતી તકલિફોને દૂર કરવા વિદેશ અભ્યાસ માર્ગદર્શન કેન્દ્રની શરૂઆત કરાઈ છે. સાથો સાથ મહેસાણાની હરિ ક્ધસલટન્સીએ વિશ્વ ઉમિયાધામના માધ્યમથી જતાં વિદ્યાર્થીઓને ક્લાસિસ ફીમાં ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે.જેનો લાભ હજારો પાટીદાર યુવાનોને મળશે. વધુમાં સનફ્લાવર લેબોરેટરી, અમદાવાદ તેમને ત્યાં આવતાં દર્દીઓને 50 ટકા ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે. વિશ્વ ઉમિયાધામ દ્વારા અપાયેલાં કાર્ડ મુજબ લોકોને સનફ્લાવર લેબોરેટરીમાં 50 ટકા ડિસ્કાઉન્ટ અપાશે. આ ધાર્મિક કાર્યક્રમો સાથે સાથે વિશ્વ ઉમિયાધામ ખાતે સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ફ્રી આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું હતું.