હોળીનું પર્વ નજીક આવી રહ્યું છે ઉલ્લેખનિય છે કે, દર વર્ષે હજારોની સંખ્યામાં પદયાત્રિઓ દ્વારકા ફુલડોલ ઉત્સવ ઉજવવા જતાં હોય છે. ઠેર-ઠેરથી પદયાત્રિઓ પદયાત્રા કરી દ્વારકા પહોંચતા હોય છે. આ વર્ષે કોરોના મહામારીના કારણે દ્વારકાના મંદિરમાં ભીડ ન થાય અને મહામારી વધુ ફેલાઇ નહી તે માટે પ્રશાસન તથા મંદિરના પુજારી પરીવાર દ્વારા હોળી પર્વમાં મનાવવામાં આવતા ફુલડોલ ઉત્સવને મંદિરની અંદર બંધ બારણે કરવાનો નિર્ણય કરાયો છે. આ વર્ષે હોળીના તહેવારો દરમિયાન મંદિર બંધ રહેનાર છે. છતાં ભગવાન દ્વારિકાધિશ પ્રત્યે લોકોમાં અખુટ શ્રધ્ધા હોય દર વર્ષની જેમ આ વર્ષે પણ ઠેર-ઠેરથી પદયાત્રિઓ દ્વારકાધિશના ચરણોમાં શીશ જુકાવવા દ્વારકા તરફ પ્રયાણ કર્યુ છે.

ગુજરાત ઉપરાંત અનેક રાજ્યોમાંથી શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં દર વર્ષે હોળીના પર્વમાં પદયાત્રા કરી દ્વારકા પહોંચે છે. ત્યારે આ વર્ષે મંદિર બંધ રહેવાનું હોવા છતાં ભગવાન દ્વારકાધિશ પ્રત્યેની અખુટ શ્રધ્ધાથી મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ દ્વારકા તરફ જઇ રહ્યા છે. પરિણામે જામનગરથી દ્વારકા જતાં માર્ગો પર પદયાત્રિઓના સંઘ જોવા મળી રહ્યા છે તો આ સાથે પદયાત્રિઓ માટે સેવાભાવિઓનો પ્રવાહ પણ જોવા મળી રહ્યો છે. દ્વારકા જતાં પદયાત્રિઓ માટે સેવાભાવિ કાર્યકરો દ્વારા માર્ગમાં ચા-પાણી, ઠંડા-પીણા, નાસ્તા સહિતની સેવા પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે. અને પદયાત્રિઓનો ઉત્સાહ વધારી તેમની સેવા કરવામાં આવી રહી છે. પદયાત્રિઓ સાથે સેવાભાવિ સીયારામ ગ્રુપ ના કાર્યકરો પણ ‘જય દ્વારકાધિશ’ના નાદ સાથે ગરબે ઘુમતા પણ જોવા મળી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.