અબતક, અતુલ કોટેચા, વેરાવળ
પવિત્ર યાત્રાધામ સોમનાથ મહાદેવ મંદિરે દર્શનાર્થે આવતા ભાવિકોને હવે બંને ટાઇમ ભોજન-પ્રસાદ આપવાનો નિર્ણય સોમનાથ ટ્રસ્ટ દ્વારા લેવામાં આવ્યો છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા નૂતનવર્ષના પ્રારંભથી કાર્તિકી પૂર્ણિમા સુધી દાતાના સહયોગથી વિનામુલ્યે ભોજન પ્રસાદી આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. આ વ્યવસ્થા હવે પછી અવિરત બન્ને ટાઈમ ચાલુ રાખવા સોમનાથ ટ્રસ્ટ ટ્રસ્ટી મંડળના માર્ગદર્શન અનુસાર મહત્વનો નિર્ણય કર્યો છે.આ વ્યવસ્થા ટ્રસ્ટના જૂના ભોજનાલય ખાતે માતોશ્રી અહલ્યા નિર્મિત જૂના સોમનાથ મંદિરની સામેના ભાગે તન્ના કેમ્પસ ખાતે ગોઠવવામાં આવેલ છે.
ભોજનાલયનો સમય સવારે 11 થી 3 અને સાંજે 07:00 થી 11:00 સુધીનો રાખવામાં આવેલ છે. જેમાં બપોરે 01 સ્વીટ, 02 શાક, રોટલી, દાળ-ભાત, સંભારો, છાશ તથા સાંજે 01 સ્વીટ, 02 શાક, રોટલી, ખીચડી-કઢી, સંભારો, છાશ ભોજન પ્રસાદીમાં પીરસવામાં આવશે. ભક્તજનોને આ પ્રસાદીનો લાભ લેવા આહવાન કરાયું છે.
આ માટે દાતાઓને પણ દાનની સરવણીની વહાવવા સહભાગી થઈ “અન્નદાન મહાદાન” પુણ્ય કમાવા સોમનાથ ટ્રસ્ટ તરફથી અનુરોધ કરવામાં આવે છે. જેમા સ્વજનની સ્મૃતિમાં તીથી ભોજન રૂા.1100/-, ભોજનાલય 01 દિવસનું અન્નદાન રૂા.11,000/-, સ્વજનની સ્મૃતિમાં અઠવાડીક ભોજન રૂા. 41,000/- અને સ્વજનની સ્મૃતિમાં 01 માસ માટે ભોજન રૂા. 1,11,000/- નિયત કરાયો છે. દાન અજય દુબે, ચીફ એકાઉન્ટન્ટ, સોમનાથ ટ્રસ્ટ મો.નં. 9428214932નો સંપર્ક કરવા જણાવાયું છે. કોરોનાનું સંક્રમણ ઘટતા હવે સોમનાથ મંદિરમાં દર્શનાર્થે આવતા ભાવિકોને બંને સમય ભોજન-પ્રસાદ પિરસવાનો નિર્ણય લેવાયો છે.