બનાસકાંઠા જિલ્લામાં આવેલ અરવલ્લીની ગિરિમાળામા માં અંબાજીનું પ્રાચીન મંદિર આવેલું છે. તેમજ યાત્રાધામ અંબાજીમાં માતાનું હૃદય અહીં બિરાજમાન હોવાથી શ્રદ્ધાળુઓ આ શક્તિપીઠમાં વિશેષ આસ્થા ધરાવે છે. અહીં 12 થી 18 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મોટો મેળો ભરાયો છે. જેમાં લાખોની સંખ્યામાં લોકો દર્શનાર્થે ઉમટી પડયા છે.
અંબાજી શક્તિપીઠ ખાતે ગિરનારની લીલી પરિક્રમા જેવી શક્તિની 1 પરિક્રમા થાય તેવા હેતુથી બનાવાયેલ 51 શક્તિપીઠ અંબાજી યાત્રાધામનું આગવું આકર્ષણ છે. ભાદરવી પૂનમના મેળામાં આવતા લાખો ભક્તો મેળાની સાથે 51 શક્તિપીઠના દર્શન કરી પદયાત્રા અને પરિક્રમાના સંગમથી દિવ્યતા અને ધન્યતાનો અનુભવ કરે છે. આ સાથે 51 શક્તિપીઠના દર્શન કરવાનો અવસર શક્તિપીઠ ગબ્બર-અંબાજી ખાતે પ્રાપ્ત થાય એ માટે 2.8 કિલોમીટરના માર્ગમાં મૂળ શક્તિપીઠની કલાકૃતિઓનું આબેહૂબ નિર્માણ કરવામાં આવ્યું છે.
અંબાજી સર્વ શક્તિપીઠમાં જગતજનની આદ્યશક્તિ અંબા માતાનું હૃદય બિરાજે છે. આ સાથે શ્રદ્ધાળુઓમાં અંબાજી શક્તિપીઠનું અનોખું મહાત્મ્ય છે. અંબાજી ખાતે આવનાર શ્રદ્ધાળુઓને અન્ય શક્તિપીઠોના પણ દર્શન થઈ શકે એ માટે અંબાજી ખાતે 51 શક્તિપીઠનું નિર્માણ કરવામાં આવ્યું છે.
આધ્યાત્મિક ઉન્નતિ સાથે સંસ્કૃતિનું જતન અને રક્ષણ થાય એ માટે વર્ષ 2008 માં રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગબ્બર પર્વતના પરિક્રમ માર્ગમાં 51 શક્તિપીઠ પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. વર્ષ 2014 માં તા. 12,13 અને 14 ફેબ્રુઆરી દરમિયાન 51 શક્તિપીઠનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો.
જેનું તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમજ વર્ષ 2022 માં પ્રથમ વખત તારીખ 8,9 અને 10 એપ્રિલ દરમિયાન 51 શક્તિપીઠ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.