હિતેશ રાવલ, સાબરકાંઠા:
ખેડબ્રહ્મામાં નાના-અંબાજી તરીકે જગવિખ્યાત અંબાજી માતાનું મંદિર આવેલું છે. કહેવાય છે કે આ પવિત્ર ભૂમિ પર યજ્ઞ કરવા માટે બ્રહ્માજી વતી વિશ્વકર્માએ જે જગ્યાએ સોનાના હળથી ખેડ કરી હતી તે જગ્યા બ્રહ્માની ખેડ તરીકે ઓળખાય છે. જો કે કાળ ક્રમે તે ખેડબ્રહ્મા યજ્ઞમાં વિઘ્ન નાખનાર મહિષાસુર રાક્ષસનો મા આદ્ય શકિત જગદંબાએ વધ બાદ બ્રહ્માજીની વિનંતિથી માતાજીએ કાયમ માટે ખેડબ્રહ્મામાં વાસ કર્યો હતો જે આજે પણ યથાવત છે. આ સ્થળને નાના-અંબાજી તરીકે ઓળખવામાં આવે છે.
જગત જનની મા જગદંબાના આઠમા નોરતેમાં અંબેના પ્રાગટ્ય સ્થાન ખેડબ્રહ્મા ખાતે એક વિશેષ પૂજા તેમજ હવન યોજાયો હતો. જેમાં કોરોના મહામારી સમગ્ર વિશ્વમાંથી દૂર થાય તે માટે વિશેષ આરાધના કરવામાં આવી હતી. સરકારી ગાઈડલાઈન અનુસાર ભક્તજનોને દર્શનની છૂટ અપાઈ હતી. ઇડર સ્ટેટના રાજવીના હસ્તે યજ્ઞનો પ્રારંભ કરાવ્યો હતો. આમ વર્ષોથી ચાલતી આવતી પરંપરાને આ વર્ષે પણ યથાવત રાખવામાં આવી છે.
જગત જનની મા જગદંબાના દર્શન કરવા દૂર દૂરથી હજારો શ્રધ્ધાળુ ઊમટી પડે છે. જોકે છેલ્લા કેટલાક સમયથી કોરોના મહામારીને પગલે જગત જનની મા જગદંબાના દર્શનથી ભક્તજનોને દૂર રહેવું પડયું હતું પરંતુ હાલના તબક્કે સ્થાનીય વહીવટી મંડળ દ્વારા દર્શન કરવાની છૂટ આપવામાં આવી છે તેમજ આજના યજ્ઞમાં પણ દર્શનાર્થીઓ માટે કોઈ પ્રતિબંધ ન રખાતા મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ હાજર રહ્યા હતા અને યજ્ઞ-હવનનો લાભ લીધો હતો..
સાબરકાંઠાના સ્થાનિક વિસ્તારમાં ખેડબ્રહ્મા જગત જનની ના દર્શન ન કરો ત્યાં સુધી અંબાજીમાં આદ્યશક્તિ ના દર્શન અધૂરા રહે તેવી માન્યતાને પગલે પણ ખેડબ્રહ્મા ખાતે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ તેમજ શ્રધ્ધાળુઓ આવતા હોય છે સાથોસાથ આજના દિવસે યોજાઈ રહેલા આ યજ્ઞના દર્શન માત્રથી પણ વિશેષ પુણ્ય મળવાની વાતથી ભક્તજનોમાં વિશેષ ઉત્સાહ હોય છે ત્યારે તંત્ર દ્વારા હાલના તબક્કે જગત જનની મા જગદંબાના અલગ-અલગ 10 જેટલા સ્વરૂપોના એકસાથે દર્શન થઈ શકે તેવી વ્યવસ્થા પણ ટ્રસ્ટી મંડળ દ્વારા કરવામાં આવી છે.
જોકે કોરોના મહામારી અંતર્ગત સંભવિત ત્રીજી લહેરને ડામવા માટે દર વર્ષે યોજાતા ગરબા મહોત્સવ તેમજ નવરાત્રી ઉપર તંત્ર દ્વારા મનાઇ ફરમાવવામાં આવી છે. પરંતુ રાત્રિના સમયે મ્યુઝિક સિસ્ટમ દ્વારા સમગ્ર શહેર તેમજ મંદિર પરિસરમાં માં અંબાના ભક્તિરૂપી ગરબા સાંભળી શકાય તેવું આયોજન કરાયું છે.