ભવનાથ, બિલનાથ, ઇન્દ્રેશ્ર્વર, જટાશંકર, બિલખા સહિતના શિવાલયોમાં આજથી વિશેષ પૂજય અર્ચન, અભિષેક સહિતના કાર્યક્રમો યોજાશે
પવિત્ર પાવન ભૂમિ સોરઠમાં ગગન ભેદી નારા સાથે આજથી શરૂ થયેલ પાવન પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન ભોલેનાથના પૂજન-અર્ચન અને અભિષેક યોજાશે, જોકે કોરોના મહામારી ના કારણે તંત્રની ગાઇડ લાઇન મુજબ આ વખતે ભાવિકોની ભીડ ન થાય તે માટે શિવાલયો ના મહંતો અને વ્યવસ્થાપક દ્વારા વિશેષ આયોજન પણ કરવામાં આવ્યા છે.
જૂનાગઢ શહેરમાં ભવનાથ મહાદેવ, બિલનાથ મહાદેવ, દોલતપર નજીકના વન વિસ્તારમાં આવેલ ઇન્દ્રેશ્વર મહાદેવ, જટાશંકર મહાદેવ, બીલખા નજીકના રામનાથ મહાદેવ, શહેરમાં બિરાજતા પંચેશ્વર મહાદેવ, ફુલનાથ મહાદેવ, સ્વામિનારાયણ શિખરબંધ મંદિરમાં બિરાજતા સિદ્ધેશ્વર મહાદેવ સહિતના શિવાલયોમાં આજે શ્રાવણ માસનો પ્રથમ દિવસ હોય અને શ્રાવણ માસની નો પ્રારંભ થઈ ગયો છે ત્યારે દેવોના દેવ મહાદેવના અભિષેક સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે, અને શિવભક્તો દ્વારા ભોળાનાથના પૂજા, અર્ચન કરવામાં આવી રહ્યા છે.
જૂનાગઢ શહેર એટલે ધાર્મિક નગરી અને અહીં ખુદ ભગવાન ભોળાનાથ આ ભૂમિ ઉપર સાક્ષાત પ્રગટ થયા હોવાની વાયકાઓ અને દંતકથાઓ છે અને જૂનાગઢ શહેરના અને આસપાસના જંગલ વિસ્તારમાં પણ ભોલેનાથના પાવન પધરામણી ના અનેક ઇતિહાસ છે ત્યારે જૂનાગઢ સહિતના જિલ્લાભરમાં આવેલા અમુક શિવાલયોમાં દર્શન કરવાનું મહત્વ વધુ છે, ત્યારે ભાવિકો પોતાની પ્રબળ ભક્તિ ભાવના રોકી શકશે નહીં અને સોશિયલ ડીસ્ટનનો પૂરતો ખ્યાલ રાખી, મોં પર માસ્ક બાંધી તથા સેનીટાઇઝરનો ઉપયોગ કરીને ભગવાન ભોળાનાથના દર્શન કરી ધન્યતા અનુભવશે.