ગીર-સોમનાથ, જયેશ પરમાર:
ભોળાના ભગવાન અને ભગવાનમાં ભોળા એવા મહાદેવના અતિપ્રિય માસ એવા શ્રાવણનો આજથી શુભારંભ થયો છે. આ વર્ષ રાજ્યમાં વરૂણદેવના રૂષણા ચાલુ હોય મહાદેવ સૌરાષ્ટ્રભર જલાભિષેક કરે તેવી આજીજી શિવભક્તો દ્વારા કરવામાં આવી હતી. સોમવારથી જ શ્રાવણ માસનો આરંભ થતા શિવભક્તોનો ઉત્સાહ બેવડાયો છે. વહેલી સવારથી શિવાલયો બમબમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા હતા. સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ભક્તો શિવ આરાધનામાં તલ્લીન રહેશે.
શ્રાવણના પ્રથમ દિવસે અને એમાં પણ આજે સોમવારના દિને પ્રથમ જ્યોતિર્લીંગ એવા સોમનાથ મહાદેવના નાદથી સમગ્ર પ્રભાસ પાટણ ગુંજી ઉઠ્યું છે. મધ્યપ્રદેશના ઓમકારેશ્વરથી દોઢમાસનો પગપાળા પ્રવાસ ખેડી નર્મદા માતાનુ પવિત્ર જળ કાવડીયા રાજેશ બાપુએ લાવી સોમનાથ મહાદેવને જળાભિષેક કર્યો હતો. કોરોના મહામારીથી વિશ્વનું સોમનાથ દાદા રક્ષણ કરે, સદ્ ગતના આત્માને શાંતી આપે તેવી પ્રાર્થના સાથે સોમનાથ મહાદેવને નર્મદાજળ અર્પણ કર્યુ હતુ. સોમનાથ મહાદેવને વિવિધ પીતાંબર ફુલોનો મનમોહક શૃંગાર કરવામાં આવ્યો છે.
શ્રાવણ માસના પ્રથમ સોમવારે બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ ભગવાન સોમનાથના મંદિરે ભાવી ભકતોની લાંબી કતારો સવારથી જ જોવા મળી રહી છે. ભાવી ભક્તો બધુ ભુલી ભોળાનાથ દર્શન માટે બધા નિયમો ભુલીને આવી રહ્યા છે. પરિસરમાં ઘણા તો માસ્ક વગર પણ નજરે ચડ્યા છે. ભારે ભીડ ઉમટત્તા સામાજિક અંતરનો પણ અભાવ જોવા મળ્યો છે.