ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા ૨૫ ઓગસ્ટ તથા ૧ સપ્ટેમ્બર એમ બે તબક્કામાં પરીક્ષા લેવાનું જાહેર કરવામાં આવ્યું છે. યુનિ.ના કુલપતિ. ડો. ચેતન ત્રિવેદીના જણાવ્યા અનુસાર ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢ દ્વારા યુ.જી. સેમેસ્ટર ૬, એલએલ.બી. સેમેસ્ટર ૨,૪, અને ૬, બી.એડ સેમેસ્ટર ૨ અને ૪, પી.જી. સેમેસ્ટર ૨ અને ૪, પી.જી.ડી.સી.એ. તથા ડી.એમ. એલ.ટી. કોર્ષના પ્રથમ તબક્કામાં કુલ ૧૩૪૬૭ તથા બીજા તબક્કામાં ૧૪૦૧૯ પરીક્ષાર્થીઓ કુલ ૮૦ પરીક્ષા કેન્દ્રો પર સલામતીના ભાગરૂપે રોજ બે સેશનમાં પરીક્ષા આપશે. કોરોનાને કારણે પરીક્ષા કેન્દ્રો બદલવા ઈચ્છતા કે પરીક્ષા ન આપવા ઈચ્છતા વિદ્યાર્થીઓ ઇ પરીક્ષા આપી શકશે, અને પરીક્ષાનો સમય પણ ૨.૩૦ કલાકને બદલે ૨.૦૦ કલાક કરવામાં આવ્યો છે.
સાથોસાથ વિધાર્થીઓના વિશાળ હિતને ધ્યાનમાં રાખીને વિધાર્થીઓને પરીક્ષા કેન્દ્રો બદલવાની પણ છૂટ આપવામાં આવી છે. ઉપરાંત જે વિધાર્થીઓ કોરોનાને કારણે પરીક્ષા આપવા ન ઈચ્છતા હોય તેઓ માટે ભવિષ્યમાં વૈકલ્પિક પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા બનાવાયેલ સ્ટુડન્ટ ફ્રેન્ડલી પોર્ટલ ઉપર http://bknmu.gipl.net/StudentExamCenterChoice. aspx લીન્ક દ્વારા વિધાર્થીઓએ તા. ૧૮-૮-૨૦૨૦, રાત્રીના ૧૨.૦૦ વાગ્યા સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવા જણાવાયું છે, પરીક્ષાના સમય પત્રક, કેન્દ્રોની યાદી તથા બદલાયેલી પેપર સ્ટાઇલ સહિતનો સંપૂર્ણ માહિતી સાથેનો પરિપત્ર યુનિવર્સિટીની વેબસાઈટ પર મુકવામાં આવેલ છે.
પરીક્ષા દરમ્યાન વિધાર્થીઓની સલામતી અને કોરોના સામેની તકેદારી ટોપ પ્રાયોરીટી છે. માસ્ક પહેરવું, સેનીટાઈઝરની વ્યવસ્થા તથા સોશ્યલ ડીસ્ટન્સિંગ સહિતના તમામ પગલા દરેક પરીક્ષા કેન્દ્રો ઉપર લેવામાં આવશે તથા તેનું સતત મોનીટરીંગ પણ કરવામાં આવશે તેેેમ યુનિ.ની અખબારી યાદીમાં જણાવવામાં આવેેલ છે.