૨૯ નરસિંહ નગર એવા જૂનાગઢમાં નરસિંહ મહેતા તળાવ પર શોભામાં અભિવૃદ્ધી કરતી નરસિંહ મહેતાની પ્રતિમા છેલ્લા ઘણા સમયથી કરતાલ વિહોણી જોવા મળી રહી છે.
તથા બે દિવસ પહેલા નરસિંહ મહેતાની ૬૧૩ મી જન્મજયંતી હતી છતાં શરમને નેવે મૂકી તંત્ર દ્વારા જુનાગઢ નગર જેના નામથી ઓળખાય છે એવા નરસિંહ મહેતાની પ્રતિમાની દરકાર પણ લેવામાં આવી ન હતી અને દુ:ખ સાથે નગરના લોકોએ નોંધ લીધી હતી કે, આ પ્રતિમાને જૂનાગઢના એક પણ નેતા સુતરની આંટી પહેરાવી પણ પહોંચ્યા ન હતા કે નરસિંહ મહેતાને યાદ કરી શ્રધ્ધાસુમન પણ અર્પણ ન કર્યા હતા.
જૂનાગઢ શહેરના મધ્યમાં આવેલા નરસિંહ મહેતા તળાવ ખાતે ભક્ત કવિ નરસિંહ મહેતાની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે પરંતુ છેલ્લા ઘણા સમયથી નરસિંહ મહેતાના હાથ કરતાલ વિહોણા હોવાના અને નરસિંહ મહેતાની મૂર્તિ પણ ખંડિત થઈ ગઈ હોવાના સમાચાર અનેક વખત સમાચાર પત્રોમાં પ્રસિદ્ધ થઈ ગયા છે.
તેમ છતાં આજ સુધી તંત્ર દ્વારા જુનાગઢ ને છાજે અને તંત્રનું નાક ન કપાય તેવા પગલા લેવામાં આવ્યું નથી જૂનાગઢ શહેરનું નરસિંહ મેહતા તળાવ જુનાગઢનો હાર્દ હોય તેમજ તળાવના બ્યુટીફીકેશન માટે કરોડોની રૂપિયા ની મંજૂરી મળી હોય તેવામાં પણ જો એક નરસૈયાની મૂર્તિનું જતન કરી શકાતું ન હોય ત્યારે તંત્ર સામે અનેક પ્રશ્નાર્થ ખડા થયા છે.
અત્યાર સુધીમાં તો આ વાત તંત્ર દ્વારા કાને ધરવામાં આવી નથી પરંતુ નરસિંહ મહેતાના જન્મદિન નિમિત્તે તંત્ર પ્રતિમાની સાફ-સફાઈ કે કલરકામ તો ઠીક, ભક્ત કવિ નરસિંહ મહેતાને એક કરતાલ જેવી નાનકડી ગિફ્ટ પણ આપવા સમર્થ નથી.