સિંહ દર્શનનો લ્હાવો માણવા ઇચ્છતા પ્રવાસીઓ માટે ખુશખબર
ઓનલાઇન પરમીટ બુકીંગ શરૂ: પ્રવાસીઓએ કોરોનાની ગાઇડલાઇનનું ચૂસીપણે પાલન કરવાનું રહેશે
સિંહ દર્શનનો લ્હાવો લેવા માંગતા સિંહ પ્રેમીઓ માટે ખુશીના અને સ્થાનિક સાસણના લોકો માટે લાપસીના આંધણ મુકાય તેવા સમાચારો વન વિભાગ દ્વારા મળી રહ્યા છે. અને એ સમાચાર એટલે આગામી તા. ૧ ઓક્ટોબરથી દેવળીયા સફારી પાર્ક અને તા.૧૬ ઓક્ટોબરથી ગીર અભ્યારણ પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકાશે.
ગીર અભ્યારણ તથા નેશનલ પાર્ક તા. ૧૬/૬/૨૦૨૦ થી તા. ૧૫/૧૦/૨૦૨૦ સુધી નિયમોનુસાર બંધ કરવામાં આવેલ હતું. જે હાલ ચોમાસાની ઋતુ પૂરી થતા પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવશે.
ગીર અભ્યારણ, સાસણ ગીર ખાતે ઇકો ટુરીઝમ ઝોન તા. ૧૬/૧૦/૨૦૨૦ થી અને દેવળીયા સફારી પાર્ક તા. ૧/૧૦/૨૦૨૦ થી પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવશે. હાલ ગીર અભયારણ્ય, સાસણગીર અને દેવળીયા સફારી પાર્ક માટે ઓનલાઇન પરમીટ બુકીંગ પણ શરૂ થઇ ગયેલ છે. આ માટે પ્રવાસીઓ ઓફિસીયલ વેબસાઇટ https://girlion.guja rat.gov.in/ પરથી પરમીટ બુક કરી શકાશે. જો કે, નાયબ વન સંરક્ષક સાસણ ગીર ડો.મોહન રામના જણાવ્યા અનુસાર પ્રવાસીઓએ કેન્દ્ર અને રાજય સરકાર દ્રારા કોવિડ-૧૯ માટે વખતો વખત બહાર પાડવામાં આવતી માર્ગદર્શિકાઓનું પાલન કરવાનું રહેશે.
છેલ્લા કેટલાક મહિનાઓથી ગીરના ડાલા મથા સિંહના દર્શન કરવાનું પ્રવાસીઓ માટે દુર્લભ બન્યું હતું કારણ કે કોરોનાની મહામારી ને કારણે તમામ પાર્ક તથા અભ્યારણ પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ સિંહનો સંવનનકાળ શરૂ થતો હોવાથી નિયમોનુસાર સિંહ દર્શન પ્રવાસીઓ માટે બંધ કરવાનું તંત્ર માટે આવશ્યક હતું, પરંતુ હાલમાં વનવિભાગ તરફથી પ્રવાસીઓ માટે સિંહ દર્શન કરાવવામાં આવે તે માટે તંત્ર દ્વારા મંજૂરી મળી જતાં હવે સિંહ પ્રેમીઓ જંગલમાં વિહરતા ડાલામથ્થા ઓના નજીકથી દર્શન કરી શકશે.
સિંહ પ્રેમીઓ ની સાથે સિંહ દર્શન શરૂ થવાના છે તેવા સમાચારો મળતા સાસણ વાસીઓ ભારે ખુશ થયા છે, કારણ કે સાસણ સહિતના આજુબાજુના ગામોના અનેક લોકો સિંહ દર્શનમાં આવતા પ્રવાસીઓની આવક ઉપર નિર્ભર છે ત્યારે હવે સિંહ દર્શન શરૂ થતાં, પ્રવાસીઓ ફરી આવતા શરૂ થશે, જેથી સાસણમાં ટ્રાવેલિંગ, ભોજન, રહેઠાણ, અને જરૂરી ચીજવસ્તુઓ સાથેના વેપાર ધંધા વધશે અને તેનાથી સાસણ સહિતના આસપાસના ગામોના લોકોની આમદાની વધશે.
મુખ્યમંત્રીના હસ્તે આંબરડી સફારી પાર્કના વિવિધ વિકાસ કામોનું ઈ-ખાતમુહૂર્ત
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે આજે સવારે અમરેલી જિલ્લાના ધારી ખાતે આવેલા એશિયાટિક લાયન માટે ઓળખાતા આંબરડી સફારી પાર્કમાં પ્રવાસીઓને વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી વિવિધ વિકાસ કામોનું ગાંધીનગરથી ઇ-ખાતમૂર્હુત કર્યુ હતું.
આ પ્રસંગે પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડા અને પ્રવાસન રાજ્યમંત્રી વાસણભાઇ આહિર ઉપસ્થિત રહ્યા હતા.
અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં કુલ ૪૩ ચોરસ કિ.મી.માં ફેલાયેલા આંબરડી સફારી પાર્કમાં પ્રવાસીઓ માટે વધુ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા પ્રથમ ફેઝમાં પાર્કિંગ એરિયા, પ્રવેશ દ્વાર, ટિકિટ બુકિંગ સેન્ટર, ઇન્ટરપ્રિટેશન સેન્ટર, શોવેનિયર શોપ, દિપડા માટે એન્ક્લોઝર, ફૂડ કોટ, એમ્ફીથિયેટર, ટોયલેટ બ્લોક અને પીવાના પાણીની વિવિધ સુવિધાઓ ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે.