ધાણી

શરદપૂનમના અજવાસમાં નીતરતો એ ઘીમાં લાંબાં ડગલાં ભરતો સોસાયટીમાંથી આવી રહ્યો હતો. નિર્જન રસ્તાની ડાબી બાજુના સાંઢિયાબૂડ ખાડામાંથી સ્ત્રીનો કણસવાનો અવાજ એના કાનમાં રેડાયો. એ ચોંકી ઉઠયો. કુતુહલવશાત્ કે પછી અબળાને મદદ કરવાની ગણતરીથી ઉચક હૈયે એ ખાડા તરફ ગયો તો સજજનની આંખો મીંચાઇ જાય એવું દ્રશ્ય એની આંખોમાં અંજાયું ખાડાના કાંઠે ચોકી કરવા ઉભેલા શખસની બોચી પકડી એણે બે થપ્પડ ઝીંકી ને કહ્યું,

‘શયતાનો, રસ્તે ગુજરતી એકલ દોકલ મહિલાઓની એકલતાનો લાભ લઇ એના ઉપર અત્યાચાર કરો છો ?”

હાથમાંથી સરી પડેલી રૂા. ૨૦ની નોટ ઉઠાવતાં એ બોલ્યો, ‘‘હું તો એનો ધણી છું, મને કાં મારો ?”

ખાડામાંથી સ્ત્રીનો માંદલો અવાજ આવ્યો, “સાઇબ એને મારશો મા, મૂઓ જનમથી જ માંદો સે ભલે ઇ કમાતો નથી, ઘરાક તો ગોતી આવે સે….”

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.