- ભાજપના ધારાસભ્યોની બેઠકમાં લેવાયો સર્વાનુમત્તે નિર્ણય: વિજયભાઇ રૂપાણી દ્વારા કરાય દેવેન્દ્ર ફડણવીસ નામની ઘોષણા
- એકનાથ શિંદે અને અજીત પવાર નાયબ મુખ્યમંત્રી બનશે: કાલે 44 મંત્રીઓ શપથ ગ્રહણ કરે તેવી સંભાવના
મહારાષ્ટ્ર વિધાનસભાની ચુંટણીમાં મહાયુતીને પ્રચંડ જનાદેશ મળ્યા બાદ છેલ્લા 10 દિવસથી ચાલતી સત્તાની ખેંચતાણનો અંતે સુખદ નિવેડો આવી ગયો છે. દેવેન્દ્ર ફડણવીસ ફરી એકવાર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનશે. આજે સવારે મળેલી ભાજપના ધારાસભ્યોની બેઠકમાં દળના નેતા તરીકે ફડણવીસના નામની ઘોષણા કરવામાં આવી હતી. આવતીકાલે મુંબઇના આઝાદ મેદાન ખાતે યોજાનારા શપથ ગ્રહણ સમારોહમાં દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે જ્યારે એકનાથ શિંદે અને અજીત પવાર નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. તેઓની સાથે 44 જેટલા મંત્રીઓ પણ શપથ ગ્રહણ કરે તેવી શક્યતા જણાઇ રહી છે.
મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકો પૈકી મહાયુતીને 230 બેઠકો મળી છે. ભાજપને સૌથી વધુ 132 બેઠકો પ્રાપ્ત થવા પામી છે. જે વિધાનસભામાં બહુમતીથી માત્ર 13 બેઠકો જ ઓછી છે. પ્રચંડ જનાદેશ બાદ સત્તા ખાસ કરીને મુખ્યમંત્રી પદ માટે ખેંચતાણ થવાના કારણે વિધાનસભાની અવધિ પૂર્ણ થઇ જવા છતાં સરકાર રચાઇ ન હતી. અંતે ઘીના ઠામમાં ઘી પડી ગયું છે. ભાજપ હાઇકમાન્ડ દ્વારા મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી નક્કી કરવા માટે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણની નિરિક્ષક તરીકે નિમણુંક કરવામાં આવી હતી. આજે સવારે મુંબઇ ખાતે બંને રાષ્ટ્રીય નિરિક્ષકોની ઉપસ્થિતિમાં ભાજપના ધારાસભ્યોની બેઠક મળી હતી. જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ બનશે તેવી વિધિવત જાહેરાત કરી હતી. આજે સાંજ સુધીમાં ગમે ત્યારે નિરિક્ષકો અને ફડણવીસ સહિતના મહાયુતીના નેતાઓ રાજ્યપાલને મળી મહારાષ્ટ્રમાં સરકાર રચવાનો દાવો રજૂ કરશે. આવતીકાલે સાંજે 5:30 કલાકે મુંબઇના આઝાદ મેદાન ખાતે નવી સરકારની શપથવિધી યોજાશે. જેમાં મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડણવીસ શપથ ગ્રહણ કરશે. જ્યારે નાયબ મુખ્યમંત્રી તરીકે એકનાથ શિંદે અને અજીત પવાર શપથ લે તેવી શક્યતા હાલ જણાઇ રહી છે. આ ઉપરાંત 54 મંત્રીઓ પણ આવતીકાલે શપથ લેશે. જેમાં ભાજપના 22 ધારાસભ્યો, શિવસેના (શિંદે)ના 12 ધારાસભ્યો અને એનસીપી (અજીત પવાર) પક્ષના 10 ધારાસભ્યો શપથ ગ્રહણ કરે તેવી શક્યતા હાલ દેખાઇ રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે દેવેન્દ્ર ફડણવીસ 2014 થી 2019 સુધી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રહી ચુક્યા છે. 2019માં પણ ભાજપ અને શિવસેનાના ગઠબંધનને બહુમતી મળી હતી પરંતુ મુખ્યમંત્રી પદ માટે ઉદ્વવ ઠાકરે ગઠબંધનને તોડી નાંખ્યું હતું. જો કે, તેઓ મુખ્યમંત્રી બને તે પહેલા ફડણવીસે શપથ લઇ લીધા હતા.
જો કે, તેઓનો સીએમ તરીકેનો બીજો કાર્યકાળ ખૂબ જ ટૂંકો એટલે કે કલાકો પૂરતો સિમિત રહ્યો હતો. મુખ્યમંત્રી પદે રહેવા છતાં પક્ષમાંથી આદેશ આવતા તેઓએ નાયબ મુખ્યમંત્રી પદ સ્વિકાર્યું હતું. એકનાથ શિંદેની સરકારમાં દેવેન્દ્ર ફડણવીસ નાયબ મુખ્યમંત્રી હતા. હવે સમયે પડખું ફેરવ્યું હોય તેમ દેવેન્દ્રની સરકારમાં એકનાથ નાયબ મુખ્યમંત્રી બનશે.