પોરબંદર ખાતે યોજાયેલ જિલ્લા આયોજન મંડળની બેઠકમા પ્રવાસન અને મત્સ્યોદ્યોગ મંત્રી તથા જિલ્લા પ્રભારીમંત્રી જવાહરભાઇ ચાવડા વીડિયો કોન્ફરન્સ દ્રારા જોડાઇને વિકાસલક્ષી કામોની સમીક્ષા કરી કુલ ૪૨૫ લાખના ૧૫૮ જેટલા વિકાસલક્ષી કામો મંજુર કરાયા હતા.
રાજય સરકાર છેવાડાના માનવી સુધી માળખાકિય સુવિધાઓ પુરી પાડવા કટ્ટીબધ્ધ છે. જિલ્લા આયોજન મંડળ હસ્તકના જિલ્લાના ચુંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા સુચવાયેલા કામો ગુણવત્તાસભર અને સમયમર્યાદામાં પૂર્ણ થાય તે જરૂરી છે તેમ પોરબંદર જિલ્લા આયોજન મંડળની બેઠકને વીડિયો કોન્ફરન્સથી સંબોધતા પ્રવાસન અને મત્સ્યોદ્યોગ મંત્રી તથા જિલ્લા પ્રભારીમંત્રી જવાહરભાઇ ચાવડાએ અમલીકરણ અધિકારીઓને તાકિદ કરી હતી. તેઓએ વધુમાં જણાવ્યુ હતું કે છેવાડાના માનવીને પણ આંતર માળખાકિય સુવિધાઓ જેવીકે રોડ-રસ્તા, પાણી, આરોગ્ય, શિક્ષણ અને વિજળી જેવી જરૂરી સુવિધાઓ મળે તે રાજયના વિકાસ માટે પણ મહત્વપૂર્ણ બાબત છે. આખરે ગુજરાતના ગામડા સુખી અને સંપન્ન બને તો જ રાજય અને દેશનો વિકાસ શકય બની શકે છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં અવિરત વિકાસ કાર્યો થયા છે.
આ બેઠકમાં વર્ષ ૨૦૨૦-૨૧ માં વિવિધ જોગવાઇઓ અનુસાર જિલ્લાના કુલ રૂા. ૪૨૫ લાખના ૧૫૮ વિકાસ કામોને મંજુર કરાયા છે.
આ બેઠકમાં મંત્રીશ્રીએ વર્ષ ૧૮-૧૯ અને વર્ષ ૧૯-૨૦ના વર્ષ દરમિયાન સુવાયેલા કામોની પ્રગતી અંગે અમલીકરણ અધિકારીઓ પાસેથી વિસ્તૃત માહિતી મેળવી જરૂરી સુચનો કર્યા હતા તથા પ્રગતિ હેઠળના કામો સત્વરે પૂર્ણ કરવા તાકિદ કરી હતી.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી નિલેષભાઇ મોરી, તાલુકા પંચાયતના પ્રમુખ, પોરબંદર તથા છાંયા નગરપાલીકાના પ્રમુખ, જિલ્લા કલેકટર ડી.એન.મોદી, જિલ્લા વિકાસ અધિકારી વી.કે.અડવાણી, અધિક કલેકટર રાજેશ તન્ના, પ્રાંત અધિકારી કે.વી.બાટી, એ.જે.અસારી, જિલ્લા આયોજન અધિકારી ચૌહાણ સહિત વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ, નગરપાલિકાના ચિફ ઓફીસરો સહિતના સબંધિત અધિકારીઓ વીડિયો કોન્ફરન્સમાં જોડાયા હતા.