મોદી બપોર બાદ સીધા હીરાસર એરપોર્ટ ખાતે આવશે, ત્યાં લોકાર્પણ કરી બાદમાં ત્યાંથી જ હવાઈ માર્ગે જુના એરપોર્ટ પહોંચશે, બાદમાં રેસકોર્સ સુધી રોડ-શો યોજાશે જેમાં 140 સંસ્થાઓ વડાપ્રધાનનું અભિવાદન કરશે, ત્યારબાદ રેસકોર્ષ ખાતે વિશાળ જનસભા સંબોધશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા.27ના રોજ રાજકોટ પ્રવાસે આવવાના છે. જેમાં તેઓ હીરાસર એરપોર્ટ સહિત રૂ. 2000 કરોડના વિકાસકામોનું લોકાર્પણ કરવાના છે. પ્રથમ તેઓ હીરાસર એરપોર્ટ ખાતે આવશે. ત્યાં લોકાર્પણ કરી બાદમાં ત્યાંથી જ હવાઈ માર્ગે જુના એરપોર્ટ પહોંચશે, બાદમાં રેસકોર્ષ સુધી રોડ-શો યોજાશે. ત્યારબાદ રેસકોર્ષ ખાતે વિશાળ જનસભા સંબોધશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 27મીએ રાજકોટ પ્રવાસે આવવાના છે. જેને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. હાલ વડાપ્રધાનનો પ્રાથમિક કાર્યક્રમ નક્કી થયો છે તે મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવાઈ માર્ગેથી સીધા હીરાસર એરપોર્ટ ઉપર જ આવવાના છે. જ્યાં તેઓ રૂ. 1400 કરોડના ખર્ચે તૈયાર થયેલા હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ કરવાના છે.
હીરાસર એરપોર્ટ રાજકોટથી 30 કિલોમીટરના અંતરે આવેલું છે. આ એરપોર્ટને 1032 હેક્ટર વિસ્તારમાં વિકસાવવામાં આવ્યું છે. જેમાં પેસેન્જર ટર્મિનલ વિસ્તાર 23 હજાર ચોરસ મીટરનો છે અને 14 પાર્કિંગ સ્ટેન્ડ બનાવવામાં આવ્યા છે. હીરાસર એરપોર્ટથી સૌરાષ્ટ્રના કુલ 12 જિલ્લાઓને ફાયદો થશે. કેમ કે આ વિસ્તાર મેન્યુફેક્ચરિંગ પ્રવૃત્તિઓનું મોટું કેન્દ્ર છે, જે એર કનેક્ટિવિટી પર નિર્ભર છે. સિલ્ક પ્રોડક્ટ્સ અને સિરામિક પ્રોડક્ટ્સની સાથે અમારી મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ્સ આ ક્ષેત્રમાં ઝડપથી આગળ વધી શકે છે.
એરપોર્ટ પર સાત બોર્ડિંગ ગેટ હશે, જેમાંથી ત્રણ એરોબ્રિજ હશે અને ત્રણ ક્ધવેયર બેલ્ટ હશે. હીરાસર એરપોર્ટ આંતરરાષ્ટ્રીય હોવાથી અહીં બે કસ્ટમ કાઉન્ટર સાથે 8 ઈમિગ્રેશન કાઉન્ટર હશે. આ એરપોર્ટની ખાસિયત એ પણ છે કે તે આપેલી સમયમર્યાદામાં 1280 થી વધુ મુસાફરોની વ્યવસ્થા કરવામાં સક્ષમ હશે.
હીરાસર એરપોર્ટનું લોકાર્પણ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાંથી જ હવાઈ માર્ગે રાજકોટ શહેરમાં સ્થિત જુના એરપોર્ટ ખાતે ઉતરાણ કરશે. જ્યાંથી તેઓ રેસકોર્ષ ગ્રાઉન્ડ સુધી ભવ્ય રોડ શો યોજશે. આ રોડ શોમાં અંદાજે 80 જેટલા સ્ટેજ હશે. આશરે 140 જેટલી વિવિધ સંસ્થાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરશે. રેસકોર્ષ પહોંચ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાં વિશાળ જાહેર સભાને સંબોધન કરશે. આ ઉપરાંત અન્ય વિકાસકામોનું પણ ત્યાંથી લોકાર્પણ કરશે.
ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લાના 120 જેટલા અધિકારીઓની બનેલી સમિતિઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમની તૈયારીઓમાં લાગી ગઈ છે. હાલ સમગ્ર તંત્ર કાર્યક્રમમાં કોઈ કચાશ ન રહે તે રીતે તકેદારી સાથે તમામ વ્યવસ્થા ગોઠવવામાં લાગ્યું છે.
કેકેવી બ્રિજનું લોકાર્પણ વડાપ્રધાન મોદીના હસ્તે જ થશે
શહેરના કાલાવડ રોડ અને 150 ફૂટ રીંગ રોડ પર કેકેવી સર્કલ પાસે બ્રિજ પર બનાવવામાં આવેલા પ્રથમ એલીવેટેડ બ્રિજનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવનાર હતું. જો કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી 27મીના રોજ હિરાસર એરપોર્ટના લોકાર્પણ માટે આવી રહ્યા હોય તેઓના હસ્તે જ કેકેવી ચોક બ્રિજ ખૂલ્લો મૂકાવાનું નક્કી કરવામાં આવ્યું છે. સીએમઓમાંથી મંજૂરી મળતાની સાથે જ બ્રિજના લોકાર્પણની નવી તારીખ 27 જુલાઈ જાહેર કરવામાં આવી હોવાનું જાણવા
મળ્યું છે. ઉલ્લેખનીય છે કે 1152 મીટર બ્રિજની લંબાઈ 15.5 મીટર બ્રિજની પહોળાઈ 15 મીટર બ્રિજની મહત્તમ ઊંચાઈ 4.5 મીટર બે બ્રિજ વચ્ચેની ઊંચાઈ 01 લાઈટ પોલ દર 20 મીટરે છે. આ બ્રિજ સહિતના 250 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવનાર છે.
ફુડપેકેટ સહિતની વ્યવસ્થા માટે સરકારમાંથી રૂ. 2 કરોડની એડવાન્સ ગ્રાન્ટ મંગાય
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 27મીએ યોજાનાર કાર્યક્રમમાં અંદાજે 50 હજાર જેટલા લોકો એકત્ર થવાના છે. રાજકોટ ગ્રામ્ય ઉપરાંત આજુબાજુના જિલ્લાઓમાંથી પણ મોટી સંખ્યામાં લોકો રેસકોર્ષ મેદાનમાં વડાપ્રધાનની જાહેર સભામાં હાજરી આપવા આવવાના હોય, મામલતદાર કક્ષાએથી ફૂડપેકેટ, પાણી, એસટી બસ
બુકીંગ સહિતની જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી રહી છે. આ માટે સરકારમાંથી રૂ. 2 કરોડની એડવાન્સ ગ્રાન્ટ પણ માંગવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
રૂ. 394 કરોડના ખર્ચે પૂર્ણ થયેલ સિંચાઈ યોજનાના કામોના થશે લોકાર્પણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સિંચાઈ યોજનાના રૂ. 394 કરોડના વિકાસ કામોના પણ લોકાર્પણ થવાના છે. જે અંતર્ગત ભાદર, ફોફડ-1, ફોફડ-2, આજી સહિતના ડેમોમાં તેમજ વેરી તળાવ અને અન્ય 10 તળાવ તથા 125 ચેકડેમોમાં નર્મદાના પાણી ઠલવાશે. જેને પફકે ગોંડલ, જેતપુર તેમજ જૂથ હેઠળ આવતા વિવિધ ગામોના વર્ષો જુના પાણીના પ્રશ્નોનું નિરાકરણ આવશે.
વડાપ્રધાનનું પ્લેન સીધું હીરાસર એરપોર્ટ ઉપર જ લેન્ડિંગ થાય તેવી શકયતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 27મીએ હીરાસર એરપોર્ટના લોકાર્પણ માટે આવવાના છે. લોકાર્પણ પૂર્વે વડાપ્રધાન મોદીનું પ્લેન હીરાસર એરપોર્ટ ઉપર જ લેન્ડિંગ થાય તેવી શકયતા છે. વધુમાં સ્થાનિક કક્ષાએથી આવી દરખાસ્ત પણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. હીરાસર એરપોર્ટ ઉપર હજુ સુધી ટેસ્ટિંગ સિવાયના કોઈ પ્લેનનું લેન્ડિંગ કરવામાં આવ્યું નથી. ત્યારે પ્રથમ વડાપ્રધાનનું પ્લેન લેન્ડ કરાવવામાં આવશે કે કેમ તે અંગે પીએમઓ દ્વારા નિર્ણય લેવામાં આવશે.