વધુ બે નાયબ કાર્યપાલક ઇજનેરોની બદલી
રાજકોટ જીલ્લા પંચાયતમાં અધિકારીઓ અને કર્મચારીઓના ઘટના કારણે ગ્રાંટ આયોજન હોવા છતાં જિલ્લામાં વિકાસના કામો ખોરંભે પડયા છે. રાજકોટ જિલ્લા પંચાયતમાં હાલ 40 ટકાથી વધુ જગ્યાઓ ખાલી છે તેના કારણે વહીવટી પ્રકિ્રયા પણ અટકી છે.
હાલ જીલ્લા પંચાયતમાં કર્મચારીઓ, અધિકારીઓની ઘટ છે ત્યારે આજે વધુ બે નાયક કાર્યપાલક ઇજનેરની બદલીઓના હુમલો કરાતા ઘટમાં વધુ ઘટ પડયાનો ઘાટ સર્જાયો છે.
માર્ગ અને મકાન વિભાગના નાયબ સચિવ (સેવા) અંજના ક્રિશ્ર્ચિનને આજે બહાર પાડેલ બદલીના હુકમોમાં રાજકોટ જિલ્લા પંચાયત હસ્તકના બે નાયબ કાર્યપાલક ઇજનેરોને બદલી કરાયાના હુકમો બહાર પાડયાં છે.
માર્ગ અને મકાન વિભાગ દ્વારા બદલી કરાયેલ 61 જેટલા નાયબ કાર્યપાલક ઇજનેરોની બદલીમાં માગ અને મકાન પંચાયત પેટા વિભાગ રાજકોટના નાયબ કાર્યપાલક ઇજનેર અને માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગ જસદણના નાયબ કાર્યપાલક ઇજનેરની બદલીના હુકમો જારી કર્યા છે.
માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગ રાજકોટના નાયબ કાર્યપાલક ઇજનેર રાહુલ બી. પટેલની મેડિકલ કોલેજ, માર્ગ અને મકાન પેટા વિભાગ સુરત ખાતે બદલી કરાયાનો હુકમ જારી કરાયો છે.
જયારે માર્ગ અને મકાન પંચાયત વેરા વિભાગ જસદણખાતે ફરજ બજાવતા નાયબ કાર્યપાલક ઇજનેર એચ.બી.ડાંગરની કાર્યપાલક ઇજનેર ગુણવતા નિયમન કવોલેટી કંટ્રોલની કચેરી રાજકોટ ખાતે બદલી કરાયાનો હુકમ જારી કરાયો છે.
એક બાજુ રાજકોટ જીલ્લા પંચાયતના મહેકમમાં 40 ટકા જેટલા કર્મચારી અધિકારીઓની ઘટ છે ત્યારે આજે વધુ બે નાયક કાર્યપાલક ઇજનેરોની બદલીના હુકમો કરાતાં રાજકોટ જીલ્લા પંચાયતની વધુ બે જગ્યાઓ ખાલી પડી છે.રાજકોટ જીલ્લા પંચાયતની ખાલી પડેલ જગ્યાઓને કારણે ગ્રાંટ આયોજન હોવા છતાં જે પ્રજાલક્ષી કામો થવામાં વિલંબ થાય છે એમાં વધુ વધારો થશે તેમ જાણવા મળી રહ્યું છે.