જીએસટીની પળોજણ અને મંદીના મોજાને સાઈડલાઈન કરી રાજકોટવાસીઓએ દિવાળીના શુકનવંતા દિવસોમાં કરી હોંશભેર વાહનોની ખરીદી: મહાપાલિકાના વાહનવેરા પેટે રૂ.૪૮.૬૭ લાખની આવક

જીએસટીની પળોજણ અને મહામંદીના મોજાને સાઈડલાઈન કરી ઉત્સવપ્રેમી રાજકોટની જનતાએ દિવાળીના તહેવારમાં સાત દિવસમાં ૪૦૦૦થી વધુ વાહનોની ખરીદી કરતા મહાપાલિકાની તિજોરીમાં વાહનવેરા પેટે રૂ.૪૮.૬૭ લાખની તોતીંગ આવક થવા પામી છે. છેલ્લા સાત માસમાં રાજકોટમાં ૩૯,૪૩૬ વાહનોનું વેચાણ થયું છે.આ અંગે મહાપાલિકાના સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ દિવાળીના તહેવારમાં ધનતેરસથી લઈ લાભ પાંચમ સુધીના શુકનવંતા દિવસોમાં રાજકોટવાસીઓએ ૪૦૧૫ વાહનોની ખરીદી કરી છે. જેમાં પેટ્રોલથી ચાલતા ૩૩૨૭, ટુ-વ્હીલરો સીએનજીથી ચાલતા ૮૦, ડીઝલથી ચાલતા ૪, થ્રી વ્હીલર સીએનજીથી ચાલતી ૧૦ મોટરકાર, ડીઝલથી ચાલતી ૨૨૫ મોટરકાર, પેટ્રોલથી ચાલતી ૩૪૧ મોટરકાર, ડીઝલથી ચાલતા ૨૪ અન્ય ફોર-વ્હીલર, ડીઝલથી ચાલતા બે સીકસ વ્હીલર અને ૧ અન્ય પ્રકારના વાહનની ખરીદી રાજકોટવાસીઓએ કરી છે. ૧૭ ઓકટોબરથી ૩૧ ઓકટોબર સુધીના દિવસોમાં મહાપાલિકાને વાહનવેરાપેટે રૂ.૪૮,૬૭,૨૧૬ની આવક થવા પામી છે.સુત્રોએ વધુમાં ઉમેર્યું હતું કે, ચાલુ નાણાકીય વર્ષ અથાત ૧ એપ્રિલથી ૩૧ ઓકટોબર સુધીના સાત માસના સમયગાળામાં રાજકોટવાસીઓએ ૨૯,૪૪૧ વાહનોની ખરીદી કરી છે. ચાલુ નાણાકીય વર્ષમાં ટેકસ બ્રાંચને વાહનવેરાપેટે રૂ.૮.૨૫ કરોડનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. જેની સામે ૩૧ ઓકટોબર સુધીમાં વાહનવેરાપેટે રૂ.૫.૭૮ કરોડની વસુલાત થઈ જવા પામી છે. હાલ બજારમાં એવી ચર્ચા ચાલી રહી છે કે જીએસટીના કારણે શહેરની બજારમાં મહામંદી જોવા મળી રહી છે પરંતુ જે રીતે રાજકોટવાસીઓએ ૭ દિવસમાં ૪૦૦૦થી વધુ વાહનોની ખરીદી કરી છે તે જોતા એવું લાગી રહ્યું છે કે, શહેરમાં કયાંય મંદી જેવું નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.