વંચિતો વિકાસની વાટે કાર્યક્રમમાં 21 જિલ્લાના 4900 લાભાર્થીઓને રૂ.68 કરોડથી વધારે રકમના લાભો અપાયા
ગુજરાત સરકારના સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગના અનુસૂચિત જાતિ કલ્યાણ પ્રભાગ તેમજ સંલગ્ન નિગમોની યોજનાઓના લાભાર્થીઓને લોન /સહાય વિતરણ માટે, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના 21 જિલ્લાઓનો સમારોહ યોજાયો હતો.
આ તકે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈ મોદીએ સમાજમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કામ કઈ રીતે થઈ શકે તે આપણને શીખવાડ્યું છે. તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે જ ગરીબોનું સશક્તિકરણ કરવાનું તેમણે શરૂ કર્યું હતું. વંચિતોને વિકાસની રાહમાં કઈ રીતે જોડી શકાય એ તેમણે સૌને શિખવાડ્યું છે. દેશના વડાપ્રધાન બન્યા ત્યારે પણ “મારી સંપૂર્ણ સરકાર બાબા સાહેબના બંધારણને આધીન હશે” એમ કહેલું. ડો.બાબાસાહેબને આદર્શ માનીને તેઓ પીડિતો, વંચિતો માટે કામ કરી રહ્યા છે. ગુજરાત સરકારના પ્રયત્નોને લીધે અનુસૂચિત જાતિના યુવાઓ વિદેશ અભ્યાસ કરવા માટે દેશ બહાર જઈ શકે છે.
આ સમારંભમાં સામાજિક ન્યાય અને અધિકારીતા તથા અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યકક્ષામંત્રી ભીખુસિંહજી પરમાર અતિથિ વિશેષપદેથી જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે વંચિતોના વિકાસને પ્રાધાન્ય આપ્યું છે. જે નરેન્દ્રભાઇના વિઝનને કારણે શક્ય બન્યું છે.
એક જ પ્લેટફોર્મ અને એક જ જગ્યાએથી 21 જિલ્લાના લાભાર્થીઓને લાભો આપવામાં આવ્યા છે, આજે ઓનલાઈન ડ્રોથી જ લાભાર્થીઓની પસંદગી કરી અને સૌની નજર સમક્ષ લાભાર્થીના ખાતામાં ડીબીટી મારફત નાણાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં અનુસૂચિત જાતિ કલ્યાણ પ્રભાગ હેઠળના 1569 લાભાર્થીઓને રૂપિયા 20 કરોડની સહાય આપવામાં આવી હતી તેમજ ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ હેઠળના 1663 લાભાર્થીઓને રૂપિયા 24.11 કરોડની સહાય આપવામાં આવી હતી. ગુજરાત સફાઈ કામદાર વિકાસના 1349 લાભાર્થીઓને રૂપિયા 16.17 કરોડની સહાય આપવામાં આવી હતી એટલું જ નહીં, ડોક્ટર આંબેડકર અંત્યોદય જાતિ વિકાસ નિગમ હેઠળ 379 લાભાર્થીઓને રૂપિયા 7.11 કરોડની સહાય આપવામાં આવી હતી. આમ, કુલ મળીને 4,900 લાભાર્થીઓને એક જ જગ્યાએથી રૂપિયા 68 કરોડથી વધુની લોન/ સહાયના લાભોનું વિતરણ કરાયું હતું.
આ પ્રસંગે કાર્યક્રમની પૂર્ણાહતિ પહેલા સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા તેમજ મંચસ્થ મહાનુભાવો દ્વારા નિગમોના લાભાર્થીઓને, પેસેન્જર વાન અને ઓટો રીક્ષા જેવા વાહનોને લીલી ઝંડી આપી ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું હતું.