કોવિડ-૧૯ને લઇને આવેલું ૨૦૨૦ જતાં જતાં આ મહામારીની દવા આપતું ગયું છે, સાથે જ માનવજાતને એક આશા આપતું ગયું છે કે હવે કદાચ વાંધો નહી આવે..! ખેર આ દવા હજુ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા માન્યતા પ્રાપ્ત નથી, પરંતુ નવા આવેલા રોગમાં ઇમરજન્સી માટે આપી શકાય એટલી અસરકારક હોવાથી વૈશ્વિક સમુદાયે કોવિડ-૧૯ના જંગ સામે તેનો શસ્ત્ર તરીકે ઉપયોગ શરૂ કર્યો છે. કોવિડ-૧૯ ની રસી ભારતીય ફાર્મા કંપનીઓએ બનાવી તે દેશ માટે ગૌરવની વાત છે. આ દવા હવે ભારતીય ઇકોનોમી માટે લાભદાયક સાબિત થઇ શકે છે.

આમેય તે જ્યારે દેશમાં લોકડાઉન શરૂં થયું ત્યારે અન્ય કારોબાર બંધ હતા પરંતુ ફાર્મા કંપનીઓના કામ મોટા ભાગે ચાલુ હતા, આ કંપનીઓએ રાતો-રાત સેનિટાઇઝર, માસ્ક તથા કોવિડ-૧૯ ની દવાઓનું ઉત્પાદન શરૂ કરીને દેશને તબિબી સુવિધા તો આપી જ સાથે નિકાસ કરીને ઇકોનોમીને ટેકો આપ્યો છે.  માર્ચ-૨૦૨૦માં ભારતમાં ક્યાંય પી.પી.ઇ કીટનું ઉત્પાદન થતું નહોતું અને આજે આપણે તેની આસાનીથી નિકાસ કરી શકીએ એટલા કમ્ફર્ટ ઝોનમાં છીએ. આ એક એવી સિધ્ધી છે જે વૈશ્વિક સમુદાયને ભારતની ક્ષમતાનો અંદાજ આપે છે અને ભારતીયોને આત્મવિશ્વાસ..! આવી જ બીજી સિધ્ધી છે કોવિડ-૧૯ની વેક્સીનનાં સંશોધનની.

વિકસીત દેશોએ શોધેલી વેક્સીન નામ ભાવ કરતા આશરે ૨૫ ટકા ભાવમાં ભારતની વેક્સીન વેચાવાની છે. જે ભારતને સ્થાનિક સ્તરે તો ફાયદો કરશે જ સાથે જ નાના પડોશી દેશો ભારતને વેક્સીનનો ઓર્ડર આપશે તેથી આ વેક્સીન અન્ય એક નિકાસલક્ષી દવા સાબિત થશે.

ભારતના ફાર્મા સેક્ટરનો આ પ્લસ પોઇન્ટ ભારતીય ઇકોનોમીને દાયકાઓથી લાભ કરાવી રહ્યો છે. અને ભારતનો ફાર્મા ઉદ્યોગ  ગ્લોબલ બની રહ્યો છે. પાંચેક વર્ષ પહેલા કરાયેલા સર્વેમાં જણાવાયું હતું કે ભારતનો ફાર્મા ઉદ્યોગ ૨૦૧૫થી ૨૦૨૦ નાં ગાળામાં ૧૨.૮૯ ટકાના કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ ( સી.એ.જી.આર) સાથે વધીને ૫૫ અબજ ડોલર થઇ શકે છે. જનેરિક દવાઓના વૈશ્વિક બજારમાં ભારતનો હિસ્સો ૨૦ ટકા જેટલો ઉંચો હોય તો ભારતની ફાર્મા નિકાસ જે ૨૦૧૬-૧૭ માં ૧૬.૮૪ અબજ ડોલરની હતી તે વધીને ૨૦ અબજ ડોલરની થઇ શકે છે.  આ એક ધારણા હતી. જ્યારે હકિકતમાં સરકારી આંકડા બોલે છે કે ભારતની ફાર્મા સેક્ટરની નિકાસ ૨૦૧૯-૨૦ માં ૨૦.૫ અબજ ડોલરનો આંકડો વટાવી ગઇ હતી અને ૨૦૨૦-૨૧ માં ૨૫ અબજ ડોલરનો આંક વટાવી શકે છે. જેમાં કદાચ હવે કોવિડ-૧૯ ની વેક્સીનની નિકાસની આવક પણ ઉમેરાશે. અર્થાત કોવિડ-૧૯ની મહામંદીમાં પણ આ સેક્ટરે પ્રાસંગિક વિકાસ કર્યો છે. હવે આ ઉદ્યોગના દિગ્ગજો માને છે કે ૨૦૩૦ સુધીમાં આ ઉદ્યોગ ૧૩૦ અબજ ડોલરે પહોંચી શકે છે.

બીજા શબ્દોમાં કહીએ તો વર્ષ ૨૦૨૦એ ભારતીય ફાર્મા સેક્ટરને ફાસ્ટ ડાયવર્સીફિકેશન અને એફોર્ડેબલ મેડિસીન સપ્લાયનાં એવા બે ગુરૂમંત્ર આપ્યા છે જે મંદીમાં વરદાનરૂપ ગણી શકાય.

કોવિડ-૧૯ની ભારતીય વેક્સીનથી દેશ રોગમુક્ત બને તેવી આશા રાખીએ. આમ છતાં જો આ રોગ નવા રૂપમાં આવે અને ધારણા પ્રમાણે રાતોરાત નાબુદ ન થાય તો શું? ભારતને હવે બહુ ચિંતા કરવાની નહીં રહે કારણ કે ભારતમાં વેચાતી વેક્સીનના ભાવ ૨૦૦ થી ૨૨૫ રૂપિયા જેટલા રહેશે જે કોઇને પણ પરવડી શકે છે. આ ભાવે વેચાણમાં પણ કંપનીઓને ૩૦થી માંડીને ૫૦ ટકા સુધીનો ભાવ ફરક મળે છે. તેમાંથી ટેક્ષ, મુડીરોકાણ ઉપરનું  વ્યાજ અને અન્ય ખર્ચ બાદ કરીઐ તો પણ આ કંપનીઓ નફામાં રહેશે.

કોવિડ-૧૯ વેક્સીનના ઉત્પાદનમાં ભારતીય    કંપનીઓને નીચા ભાવે પડતર એટલે થઇ છે કે તેમનો સંશોધન પાછળનો ખર્ચ બહુ ઓછો આવ્યો છે. આ ઉપરાંત પ્રથમ ઓર્ડરમાં જ દેશનાં ત્રણ કરોડ ફ્રન્ટલાઇન નાગરિકનોને સરકારી રસીકરણ કરવાનું છે મતલબ કે છ કરોડ ડોઝનો ઓર્ડર છે. જ્યારે આટલા મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય ત્યારે ઉત્પાદન ખર્ચ ઘટાડી શકાતો હોય છે. જે કંપનીઓ માટે ફાયદારૂપ છે.

ખાનગી સેક્ટરની હોસ્પિટલોમાં જ્યારે આ વેક્સીન શરૂ થશે ત્યારે તે થોડા ઉંચા ભાવે મળશૈ હવે એ તબક્કે ખાનગી હોસ્પિટલોમાં  લૂંટ શરૂ ન થાય એ માટે સરકારે વેચાણનાં મહત્તમ ભાવ પહેલા જ નક્કી  કરી દેવા જોઇએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.