નાણાકીય વર્ષમાં માત્ર એક કવાર્ટરના ધીમા વિકાસ મામલે સરકારની સમગ્ર આર્થિક નીતિને દોષ ન દઈ શકાય
વહીવટી ક્ષતીઓના મામલે સરકાર ઉપર ઘણા સમયથી વિરોધ પક્ષ અને સામાન્ય જન ‘વિકાસ ગાંડો થયો છે’ તેવી ટિખળ કરી માછલા ધોવે છે. ત્યારે વડાપ્રધાન મોદીએ માત્ર નાણાકીય વર્ષના એક કવાર્ટરના ધીમા વિકાસથી સમગ્ર નીતિને દોષ ન દેવાનો મત રજૂ કર્યો છે.
સરકારે ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસ તેમજ નોટબંધી સહિતના પગલા લીધા હોવાના કારણે આર્થિક વિકાસ મંદ પડયો હોવાના આક્ષેપો થાય છે. ત્યારે વડાપ્રધાન મોદીએ માત્ર પ્રથમ કવાર્ટર ધીમુ હોવાથી સરકારની નીતિ વિરોધનું વાતાવરણ ન ઘડવાનો મત રજૂ કર્યો છે.તેમણે કહ્યું છે કે, આર્થિક સમતોલન જાળવી રાખવા માટે સરકાર મુડી રોકાણના તબક્કાવાર પગલા લઈ રહી છે.
સરકારના આ પગલા દેશને વિકાસ માટે આગળ ધકેલશે. વડાપ્રધાન મોદીએ નાના અને મધ્યમ ઉદ્યોગો ઉપર વધુ ધ્યાન આપવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો. નાના અને મધ્યમ ઉદ્યોગકારો અને આયાતકારોને સંબોધન સમયે એક કલાક સુધી વિકાસના મુદ્દાને લક્ષ્યમાં રાખ્યો હતો અને એનડીએ સરકારના આર્થિક ક્ષેત્રના મુદ્દાની વિગતવાર માહિતી આપી હતી. તેમણે યુપીએ સરકાર અને એનડીએ સરકાર વચ્ચે વિકાસ માટેના પગલાની સરખામણી પણ કરી હતી. તાજેતરમાં યશવંત સિન્હાએ આર્થિક નીતિ મામલે કરેલી અ‚ણ જેટલીની ટીકા બાદ વડાપ્રધાન મોદીએ વળતો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું છે કે, લોકોને આર્થિક વિકાસનો મુદ્દો હવે દેખાય છે. અત્યાર સુધી આર્થિક વિકાસ દર સારો હતો માત્ર એક કવાર્ટરમાં ધીમો પડવાથી સરકારની નીતિને દોષ દઈ શકાય નહીં.
તેમણે યુપીએ સરકાર પર નિશાનો સાધતા કહ્યું હતું કે, યુપીએ સરકાર સમયે આઠ કવાર્ટરમાં વિકાસ દર ૫.૭ ટકા કે તેનાથી નીચો હતો પરંતુ એનડીએ સરકારમાં વિકાસ દર સારો રહ્યો છે.