સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાયાની સુવિધાનો અભાવ મતદાન પર અસર કરતો હોય છે: પાણી, સફાઇ, લાઇટ અને ગટર જેવી સુવિધાઓથી વંચિત વિસ્તારોના મતદારો આ વખતે નવાજૂની કરશે?
ટિકિટની ફાળવણી બાદ તમામ રાજકીય પક્ષોના પાયાના કાર્યકરોમાં ભારે નારાજગી ટિકિટ કપાયેલા કે ટિકિટથી વંચિત રહી ગયેલા ધુરંધરો હજુ સુધી પ્રચારમાં પણ જોડાયા નથી: કાળી મજૂરી કરતા કાર્યકરોએ પણ મહેનતની માપ-સાઇઝ નક્કી કરી લીધી
ગુજરાતના ગામડે-ગામડે અને નગરે-નગરે હાલ ચૂંટણીલક્ષી માહોલ જામ્યો છે. આ વખતે પ્રજા કોને સ્પષ્ટ જનાદેશ આપશે તેવી ચર્ચા ચોરે અને ચૌટે ચાલી રહી છે. ભાજપ ભલે વિકાસના નામે ચૂંટણી મેદાનમાં ઉતર્યું હોય પરંતુ જે રીતે ટિકિટની ફાળવણી કરવામાં આવી છે તેમાં જનતા જ જર્નાદન હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. સબકા સાથ સબકા વિકાસના નારાને દેશભરમાં ગુંજતો કરનાર ભાજપના રાજમાં સાથ સબકા પરંતુ વિકાસ માત્ર એકનો જ થયો હોય તેવો અનુભવ જનતા કરી રહી છે. વિકાસ…વિકાસ…વિકાસ…ની માળા સતત જપવાથી વિકાસ વેગ પકડતો નથી કે ગાંડો પણ થતો નથી. છતાં રાજનીતિમાં માત્ર એક મુદ્દાને આધારે ચૂંટણી જંગ જીતવા માટે નીકળી પડાતું હોય છે. આ વખતે રાજ્યમાં ભાજપની લડાય કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી સાથે પણ છે. વધુ પડતો આત્મ વિશ્ર્વાસ દરેક પક્ષ માટે જીવલેણ સાબીત થતો હોય છે. આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદારો પણ મન કળવા દેતા નથી. જે તમામ રાજકીય પક્ષો માટે ચિંતા વધારી દેતી બાબત બની છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી મામલે ભાજપે કેટલાંક નીતિ નિયમો ઘડ્યા હતા. જેના કારણે કેટલાંક નેતાઓની ટિકિટ પર કાતર ફરી વળી છે તો વર્ષોથી કાળી મજૂરી કરતા કાર્યકરો આપો આપ હાસીયામાં ધકેલાઈ ગયા છે. ભાજપના કાર્યકરોમાં નારાજગી એટલી હદે જોવા મળી રહી છે કે, મતદાનના આડે માત્ર ૧૦ દિવસ બચ્યા હોવા છતાં હજુ એકપણ વિસ્તારમાં ચૂંટણીલક્ષી માહોલ જોવા મળતો નથી. બીજી તરફ કોંગ્રેસ ઈ-મેમા સહિતના મુદ્દે પ્રજાના રોષને મત પેટીમાં ઠાલવવા તનતોડ મહેનત કરી રહ્યું છે. ભલે પાટીદાર અનામત આંદોલનની અસર આ વખતની ચૂંટણીમાં જોવા નહીં મળે પરંતુ રાજકોટમાં કોંગ્રેસ ૨૦૦૦ના વર્ષનું પુનરાવર્તન કરવાના મક્કમ મન સાથે મેદાનમાં છે. જ્ઞાતિ-જાતિના સમીકરણોને ધ્યાનમાં રાખી કેટલાંક કાર્યકરોને ટિકિટ આપવામાં ન આવી હોવાનું વાજુ ભાજપ વગાડી રહ્યું છે પરંતુ જો જ્ઞાતિ આધારીત જ ઉમેદવારની પસંદગી થતી હોત તો આજે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વિજયભાઈ રૂપાણી નહીં પરંતુ રાજ્યમાં બહોળી વસ્તી ધરાવતા અન્ય સમાજના વ્યક્તિ સત્તારૂઢ હોત. એક તરફ ભાજપ એવું કહી રહ્યાં છે કે, તેઓ જ્ઞાતિ-જાતિના સમીકરણોથી પર રહી માત્ર વિકાસને મુદ્દો બનાવી ચૂંટણી લડી રહી છે પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ છે. ગુજરાતમાં સાથ સૌનો લેવામાં આવી રહ્યો છે પરંતુ વિકાસ માત્રને માત્ર એક સંગઠનનો જ થઈ રહ્યો હોવાનો અહેસાસ રાજ્યની જનતા કરી રહી છે. કોઈ એક રાજકીય પાર્ટીના કારણે રાજ્યનો વિકાસ થયો હોવાની વાત સાવ ખોટી છે કારણ કે ગુજરાતીઓ ધંધાકીય સુઝ ધરાવે છે જેના કારણે રાજ્ય આજે હરણફાળ ભરી રહ્યું છે અને શહેરો તથા ગામડાનો વિકાસ સંપૂર્ણપણે ગ્રાન્ટ આધારીત છે. ભલે શહેરી વિસ્તારમાં હાલ થોડા ઘણા અંશે ભાજપ તરફી માહોલ જોવા મળી રહ્યો હોય પરંતુ ગામડામાં આજે પણ કેટલાંક મુદ્દાને લઈ લોકોમાં ભારે નારાજગી છે. શહેરના લોકો આડેધડ ફટકારવામાં આવતા ઈ-મેમાથી ત્રાહિમામ પોકારી ગયા છે તો ગામડાના લોકો કૃષિ કાયદાથી થોડા ઘણા અંશે નારાજ છે. ચૂંટણી નજીક આવતા એવું બતાવવામાં આવી રહ્યું છે કે કાર્યકરો એક ઝુટ થઈ કામે લાગી ગયા છે પરંતુ જમીની ચિત્ર કંઈક અલગ છે. જે વોર્ડમાં ટિકિટો કપાઈ છે અને પ્રબળ દાવેદાર હોવા છતાં જેને ટિકિટ નથી મળી તે લોકો હજુ સુધી વોર્ડમાં પ્રચાર માટે નીકળ્યા નથી. એટલું જ નહીં પોતાના સમર્થકોને પણ હવે કાળી મજૂરી નહીં કરવાની સુચના આપી દીધી છે. વિકાસની માળા જપવાથી ક્યારેય વિકાસ થઈ શકતો નથી. તમામ લોકોને પાયાની અને પ્રાથમિક સુવિધા મળતી થાય ત્યારે વિકાસ થયો તેમ કહી શકાય. કોરોના કપરાકાળમાં અનેક રાજકીય પક્ષોના કાર્યકરોએ લોકોની કરેલી સેવાનું ઋણ ચૂકવવા હવે મતદારો પણ મક્કમ બન્યા છે.
ભાજપ-કોંગ્રેસ કે આપને નહીં પરંતુ પ્રજાને નજર અંદાજ કરી રહ્યું છે!
આડેધડ ફટકારવામાં આવેલા ઈ-મેમાથી પ્રજામાં અસંતોષની આગ જે મત પેટીમાં ઠલવાય તો ખતરો
૨૦૧૫માં પાટીદાર અનામત આંદોલનની વ્યાપક અસર હોવા છતાં અમે છ મહાનગરપાલિકામાં સ્પષ્ટ બહુમતિ સાથે શાસન પર આવ્યા હતા. આ વખતે એવો એક પણ પડકાર નથી. અમારી જીત નિશ્ર્ચિત છે તેવું માની ભાજપના આગેવાનો અને ઉમેદવારો શાંતિથી ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. વાસ્તવમાં ભાજપ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીને નહીં પરંતુ પ્રજાને નજર અંદાજ કરી રહ્યું છે. કારણ કે, લોકડાઉન અને ત્યારબાદ કોરોનાકાળમાં વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરી અને આડેધડ ફટકારવામાં આવેલા ઈ-મેમાથી લોકોમાં અસંતોષની આગ રીતસર લબકારા મારી રહી છે જે મત પેટીમાં ઠલવાય તો ભાજપ માટે ખતરાની ઘંટી છે. કોંગ્રેસ છાનાખુણે આ વાત ચૂંટણી પ્રચાર દરમિયાન ઘર-ઘર સુધી લઈ જઈ રહી છે. બીજી તરફ આપ માટે પણ વકરો એટલો નફો છે. કારણ કે તેઓએ મહાપાલિકાની ચૂંટણીમાં પ્રથમ વખત ઝંપલાવ્યું છે. એક પણ બેઠક મળશે તો તે ભાજપ માટે પડકારરૂપ સાબીત થશે. શહેરી વિસ્તારમાં ભલે માહોલ બરોબર હોય પરંતુ ગામડાઓમાં ભાજપ માટે સબ સલામત નથી. કોઈપણ રાજકીય પક્ષ માટે પ્રજા જ હાઈકમાન્ડ હોય છે. ટિકિટ ફાળવણી બાદ ભાજપમાં અંદરખાને કાર્યકરો અને આગેવાનોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. કેટલાંક વોર્ડમાં વર્ષોથી સીનીયર મનાતા લોકો હજુ પ્રચાર માટે ખુલીને બહાર આવ્યા નથી. કોંગ્રેસમાં ઉમેદવારોની પસંદગી બાત સર્જાયેલ માથાકૂટ અને અમુક વોર્ડમાં ઉમેદવારોના ફોર્મ રદ થવા કે પાછા ખેંચી લેવા જેવી ઘટના બાદ ભાજપ એવું માની રહ્યું છે કે, કોંગ્રેસ આ વખતે કશુ કરી શકે તેમ નથી તો તેની સૌથી મોટી ભુલ છે. કારણ કે કોંગ્રેસના કમીટેડ મતદારો ક્યારેય
ઉમેદવારો જોતા નથી. પંજાનું બટન દબાવી મત કરતા હોય છે. આ વખતે આમ આદમી પાર્ટી છેલ્લા ઘણા મહિનાથી મહેનત કરી રહી છે. ભાજપ ભલે કોંગ્રેસ કે આપને અંડરએસ્ટિમેટ કરી રહી હોય પરંતુ તે વાસ્તવમાં નજર અંદર કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે સામાન્ય નિયમ ભંગ બદલ લોકોને જે આડેધડ ઈ-મેમા આવ્યા છે તેનાથી લોકોમાં પારાવાર રોષ જોવા મળી રહ્યો છે જે મત પેટીમાં ઠલવાશે તો ભાજપની સ્થિતિ કફોળી બની જશે.
પાટીલની માફી શું પરિણામ પહેલાની પાળ?
સક્ષમ હોવા છતાં જે કાર્યકરોને ટિકિટ નથી મળી તેની માફી માંગી પ્રદેશ ભાજપ અધ્યક્ષે આડકતરી કબુલાત કરી કે કાર્યકરો નારાજ છે
ભાજપમાં આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી કરવા કેટલાંક નીતિ નિયમો નક્કી કરવામાં આવ્યા હતા. જેમાં ૬૦ વર્ષથી ઉપરના કાર્યકરોને ટિકિટ ન આપવી, સતત ત્રણ ટર્મથી ચૂંટાતા ઉમેદવારને ટિકિટ ન આપવી તથા ધારાસભ્ય, સંસદ સભ્ય કે પ્રદેશના આગેવાનના સગા-સંબંધીઓને ટિકિટની ફાળવણી ન કરવી. આ નીતિથી કાર્યકરોમાં નારાજગી ફાટી નીકળી છે. પાલિકા અને પંચાયત માટે ઉમેદવારોની પસંદગી માટે પાર્લામેન્ટરી બોર્ડ બેઠક પૂર્ણ થયા બાદ ગઈકાલે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સક્ષમ હોવા છતાં સંખ્યાત્મક મર્યાદાના કારણે નિષ્ઠાવાન કાર્યકર્તાઓને ટિકિટ આપી શકાય નથી તે માટે માફી માંગી હતી. વાસ્તવમાં પાટીલે પરિણામ પહેલા જાણે પાળ બાંધી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, પાર્લામેન્ટરી બોર્ડને ઉમેદવારો નક્કી કરવાનો અબાધિત અધિકાર છે. ટિકિટ કોને આપવી અને કોની ટિકિટ કાપવી તેનો નિર્ણય તે કરી શકે છે. આ માટે કોઈ ખુલાસો કે માફી માંગવાની
રહેતી નથી પરંતુ પાટીલે ખુલ્લા દિલે ભાજપના કાર્યકરોની માફી માંગી તે પક્ષ માટે સારી છે પરંતુ આડકતરી રીતે એવું કબુલાત કરી લીધી છે કે ટિકિટ ફાળવણી માટે નક્કી કરાયેલા નીતિ નિયમોથી કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે અને આ નારાજગીની અસર પરિણામ પર પડે તેમ છે. પરિણામ પૂર્વે જ પાટીલે પાળ બાંધી કાર્યકરોની માફી માંગી લીધી હતી. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા માટે ભાજપમાં ચૂંટણી લડવા માટે ૨ લાખથી પર વધુ દાવેદારોએ ઈચ્છા વ્યકત કરી હતી. પરંતુ અમુક લોકો આપો આપ કપાઈ જાય તે માટે કેટલાક નીતિ નિયમો નક્કી કરાયા હતા જેનાથી કાર્યકરો ખુબજ નારાજ થયા છે.