બે સભ્યોની પંચાયત અધિનિયમનો ભંગ થતો હોવાની ફરિયાદ વિકાસ કમિશનરે માન્ય રાખી: ૨૭મીએ સામાન્ય સભા, સમિતિઓની રચના થશે
રાજકોટ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન અર્જુનભાઈ ખાટરીયાના ટર્મની આજે છેલ્લી કારોબારી સભા યોજાઈ તે પૂર્વે જ વિઘ્ન આવ્યું હતું. અંતિમ ઘડીએ વિકાસ કમિશનરે બે સભ્યોની પંચાયત અધિનિયમનો ભંગ થતો હોવાની ફરિયાદ માન્ય રાખી કારોબારીને સ્ટે આપવામાં આવ્યો હતો.
પ્રાપ્ત થતી વિગત મુજબ રાજકોટ જિલ્લા પંચાયતની આજે કારોબારી સમિતિની બેઠક મળવાની હતી ત્યારે આ બેઠક સામે ભાજપના સભ્ય ધ્રુપદબા જાડેજા અને કોંગ્રેસના સભ્ય વજીબેન સાસડીયાએ વિસ્તૃત એજન્ડા સભ્યોને મળતો ન હોવાથી પંચાયત અધિનિયમનો ભંગ થતો હોવાની ફરિયાદ કરી હતી. આ ફરિયાદ વિકાસ કમિશનરે માન્ય રાખી કારોબારી બેઠક સામે અંતિમ ઘડીએ સ્ટે આપી દીધો હતો. વધુ સુનાવણી આગામી તા.૩૧ના રોજ મુલત્વી રાખવામાં આવી છે.
કારોબારી સમિતિના ચેરમેન અર્જુનભાઈ ખાટરીયાએ આ અંગે જણાવ્યું હતું કે, તેઓએ વિકાસ કમિશનર સમક્ષ કેવીએટ દાખલ કરી હતી. આમ છતાં વિકાસ કમિશનર દ્વારા રાજકીય દબાણ હેઠળ સ્ટે આપવામાં આવ્યો છે. અગાઉ પણ આજ રીતે અમુક સભ્યો સ્ટે લાવ્યા હતા ત્યારે મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો.
જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન અર્જુનભાઈ ખાટરીયાએ વધુમાં ઉમેયું કે, તેઓએ કોંગ્રેસના સભ્યો વજીબેનનો સંપર્ક કર્યો હતો ત્યારે વજીબેને કહ્યું કે તેઓએ આ અરજીમાં સહી કરી નથી. આ અંગે તેઓને કોઈ જાણ જ નથી ત્યારે આ અરજીમાં સહી બોગસ હોવાની પણ શંકા સેવાઈ રહી છે.