બે વર્ષમાં રાજકોટના વિકાસને વેગ આપ્યો: પાંચ બ્રિજનું લોકાર્પણ કરી શહેરની ટ્રાફિકની સમસ્યા હલ કરવામાં સિંહફાળો
રાજકોટના મેયર પદે આજે ડો.પ્રદિપભાઇ ડવ બે વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરી રહ્યા છે. તેઓ રાજકોટના વિકાસના શિલ્પી તરીકે ઉભરી આવ્યા છે. તેઓના બે વર્ષના કાર્યકાળમાં અનેકવિધ વિકાસ કામો થયા છે અને હજી ધમધમી રહ્યાં છે. રામનાથ મહાદેવ મંદિર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ સાકાર થાય તેવા શુભ સંકેતો ઉભા થયા છે. તા.12/3/2021ના રોજ તેઓની રાજકોટના મેયર તરીકે નિયૂક્તી કરવામાં આવી હતી. આજે તેઓ શહેરના પ્રથમ નાગરિક તરીકે બે વર્ષ પૂર્ણ કરી રહ્યાં છે. આગામી 12મી સપ્ટેમ્બરના રોજ તેઓની મેયર તરીકેની અઢી વર્ષની મુદ્ત પૂર્ણ થઇ રહી છે.
મેયર ડો.પ્રદિપ ડવે રાજકોટને વિકાસપથ પર દોડતું રાખવામાં અવિરત સહયોગ પ્રદાન કરનાર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની નેતૃત્વ હેઠળની સરકાર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વડપણ હેઠળની રાજ્ય સરકાર પ્રત્યે આભારની લાગણી પ્રદર્શિત કરી હતી. સાથો સાથ હાલ પ્રગતિમાં રહેલા તેમજ આગામી દિવસોમાં હાથ ધરવાના થતા વિકાસલક્ષી પ્રોજેક્ટસ સમયસર આગળ ધપતા રહે તે માટે પ્રતિબધ્ધતા પણ દર્શાવી હતી. ગત એક સાલમાં રાજકોટના કેટલાક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સના લોકાર્પણ થયા અને રાજકોટવાસીઓને નવી સુવિધાઓ ઉપલબ્ધ બની તેમજ તેઓની સુખાકારીમાં થયેલ વૃદ્ધિ બદલ મેયરે ખુશીની લાગણી વ્યક્ત કરી હતી.
મેયર ડો.પ્રદિપ ડવે ગત વર્ષના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ‘લાઈટ હાઉસ’ માટે સમગ્ર દેશમાં કુલ માત્ર છ શહેરોની પસંદગી થઈ હતી. તેમાં, સમાવિષ્ટ રાજકોટ શહેરમાં ‘લાઈટ હાઉસ પ્રોજેક્ટ’નું કાર્ય પૂર્ણ થતા પ્રધાનમંત્રીના વરદ હસ્તે તેનું લોકાર્પણ કરાયું હતું. રૈયા સ્માર્ટ સિટી જેવા પોશ એરિયામાં ગરીબ વર્ગના લોકોને માત્ર રૂ.3.40 લાખ જેવા નજીવા ખર્ચે સુંદર ફ્લેટ પ્રાપ્ત થતા તેઓના જીવન ધોરણમાં ગુણાત્મક પરિવર્તન આવ્યું એ સૌથી સંતોષકારક બાબત છે.
રાજકોટની હદ અને વસ્તીમાં થઈ રહેલા વધારાને કારણે સ્વાભાવિક રીતે વાહનોની સંખ્યામાં પણ ઉતરોતર વધારો થતો રહે છે. આવી સ્થિતિમાં સરળ અને ઝડપી પરિવહન માટે શહેરમાં મહત્વપૂર્ણ એવા રસ્તાઓ-ટ્રાફિક જંકશન ખાતે ઓવરબ્રિજ/અન્ડરબ્રિજના પ્રોજેક્ટ ક્રમશ: આગળ ધપાવવામાં આવી રહ્યા છે. આ આયોજન અંતર્ગત સિવિલ હોસ્પિટલ ચોક ખાતે થ્રી-આર્મ ફ્લાયઓવરબ્રિજ, નાનામવા ચોક 150 ફૂટ રીંગ રોડ અને રામદેવપીર ચોક, 150 ફૂટ રીંગ રોડ પર નિર્માણ પામેલા ફ્લાયઓવરબ્રિજના લોકાર્પણ પણ પ્રધાનમંત્રીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત તાજેતરમાં કાલાવડ રોડ પર જડ્ડુસ ચોક ખાતે રૂ.28.52 કરોડના ખર્ચે નિર્માણ પામેલ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં કરાયું હતું. હાલ કાલાવડ રોડ પર કે.કે.વી.ચોક ખાતે ફ્લાયઓવરબ્રિજનું નિર્માણ કાર્યપ્રગતિ હેઠળ છે, ટુંક સમયમાં જ પૂર્ણ થયેથી તેનું લોકાર્પણ કરવામાં આવશે.
મેયરે વધુમાં ઉમેર્યું હતું કે, વર્ષ 2023-24ના બજેટમાં 150 ફૂટ રીંગ રોડ પર રૈયા ટેલીફોન એક્ષચેન્જ ખાતે ફ્લાયઓવરબ્રિજ બનાવવાનો પ્રોજેક્ટ સામેલ કરવામાં આવેલ છે. તેમજ પી.ડી.એમ. કોલેજ સામેના રેલ્વે ફાટક ખાતે બ્રિજ તેમજ સાંઢિયા પુલ નવીનીકરણ પ્રોજેક્ટસ પણ સમાવિષ્ટ કરાયેલ છે.છેલ્લા એક વર્ષના અન્ય એક મહત્વના પ્રોજેક્ટ ‘રામ વન’ અર્બન ફોરેસ્ટનું પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ રાજકોટવાસીઓને હરવા ફરવા માટેનું વધુ એક સુંદર અને હરિયાળું સ્થળ પ્રાપ્ત થતા લોકોમાં ખુશીની લાગણી પ્રસરી હતી. આ ઉપરાંત રાજકોટમાં સીટી બસ અને બી.આર.ટી.એસ.ના કાફલામાં ક્રમશ: ઇલેક્ટ્રિક બસ ઉમેરવામાં આવી રહી છે અને આ માટેનું ચાર્જિંગ સ્ટેશન પણ 80 ફુટ રોડ પર બનાવાયું છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે ઘનિષ્ઠ વૃક્ષારોપણ કરવામાં આવતું તેમજ શહેરમાં લોકોને વૃક્ષારોપણ માટે કોર્પોરેટરોના માધ્યમથી વિનામુલ્યે ટ્રી-ગાર્ડ પણ આપવામાં આવતા હતા. જેના અનુસંધાને શહેરમાં વૃક્ષારોપણ થતું પરંતુ નિયમિત જતન ન થવાથી સંતોષકારક પરિણામ મળતું નહિ. જેના અનુસંધાને મેયર ડો.પ્રદિપ ડવે છેલ્લા બે વર્ષથી ટ્રી-ગાર્ડ બનાવવાના બદલે સામાજીક એજન્સી મારફત ટ્રી-ગાર્ડ, ખાડા, વૃક્ષ અને ઉછેર સાથેની જવાબદારી નક્કી કરી વૃક્ષારોપણ કરવાનું આયોજન હાથ ધરેલ છે.
રાજકોટમાં પાણી પૂરવઠા નેટવર્ક જરૂરિયાત મુજબ વધુ ને વધુ મજબૂત બનાવવા હાલ રૂ.42.50 કરોડના ખર્ચે જેટકો ચોકડી ખાતે 50 એમએલડી ક્ષમતાનો વોટર ફિલ્ટર પ્લાન્ટ, પમ્પીંગ સ્ટેશન અને ઇએસઆર-જીએસઆર રૈયાધાર ખાતે રૂ.2.05 કરોડના ખર્ચે 50 એમએલડી ક્ષમતાનો વોટર ફિલ્ટર પ્લાન્ટ, પમ્પીંગ સ્ટેશન અને ઇએસઆર-જીએસઆર રૂ. 4.44 કરોડના ખર્ચે કાલાવડ રોડ ખાતે ઇએસઆર જુદા-જુદા વિસ્તારોમાં તબક્કાવાર ડીઆઇ પાઇપલાઇનની કામગીરી ચાલી રહી છે.