રોલ ઓફ માસ મિડીયા ઈન હાયર એજયુકેશન વિષયક ડો.વાજાના પુસ્તકનું યુનિવર્સિટીના પદાધિકારીઓ દ્વારા વિમોચન
માતુશ્રી વીરબાઈમાં મહિલા કોલેજ રાજકોટના અંગ્રેજી વિભાગના અધ્યક્ષ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંગ્રેજી બોર્ડના ચેરમેન ડો.ઈરોસ વાજા દ્વારા લિખિત પુસ્તક રોલ ઓફ માસ મીડિયા ઈન હાયર એજયુકેશનનું વિમોચન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.નીતિનભાઈ પેથાણી અને ઉપકુલપતિ ડો.વિજયભાઈ દેસાણી દ્વારા કરવામાં આવ્યું હતું.
અંગ્રેજી તેમજ પત્રકારત્વ જેવા વિષયોમાં પીએચડીની ઉચ્ચતમ ડિગ્રીઓ ધરાવતા ડો.ઈરોસ વાજાએ આ પુસ્તક વિશે માહિતી આપતા જણાવ્યું કે મીડિયા એક યા બીજી રીતે લોકોને માહિતગાર કરવાના માધ્યમ તરીકે માનવ સંસ્કૃતિનો એક અભિન્ન અંગ રહ્યું છે. પ્રાચીન ભારતમાં મીડિયા, વેદ અને ઉપનિષદથી વિકસિત થયું છે, મધ્યકાલીન યુગમાં અશોકના શિલાલેખથી આધુનિક ટેલિવિઝન, પ્રેસ, ઈન્ટરનેટ અને ઓનલાઈન શિક્ષણ સુધી સમય જતા મીડિયાનું સ્વરૂપ બદલાતું રહ્યું છે. માહિતી ટેકનોલોજીના ક્ષેત્રમાં ઝડપી ક્રાંતિએ મીડિયાને સક્ષમ બનાવ્યું છે. આજના ડિજિટલ વિશ્ર્વમાં, માસ મીડિયા કોઈપણ રાષ્ટ્રના વિકાસમાં મુખ્ય ભૂમિકા નિભાવે છે અને તે ભારત જેવા વિકાસશીલ રાષ્ટ્રમાં તે વધુ મહત્વપૂર્ણ છે. એવું જોવા મળ્યું છે કે જો માસ મીડિયાનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકાય તો તે કોઈ ચમત્કાર અથવા વરદાન સાબિત થઈ શકે છે.અત્રે ઉલ્લેખનીય છે કે ડો.વાજાએ કેનેડા, રશિયા, અમેરિકા, દુબઈ જેવા દેશોના શૈક્ષણિક પ્રવાસો કરી ભારતનું પ્રતિનિધિત્વ કરી ગૌરવ વધાર્યું છે. તેઓ ઈન્ડિયન એસોસિએશન ફોર કેનેડિયન સ્ટડીઝ જેવી ૧૨૮ દેશોમાં ફેલાયેલી આંતરરાષ્ટ્રીય સંસ્થાના એકઝેકયુટીવ કાઉન્સિલ તરીકે પણ સેવાઓ આપી રહ્યા છે. અત્યાર સુધીમાં ઘણા વિદ્યાર્થીઓએ તેમના માર્ગદર્શનમાં પીએચડીની ડિગ્રી હાંસલ કરી છે.