શંકાસ્પદ દર્દીઓ માટે હોટેલ જેવી સુવિધા ઉપલબ્ધ કરાવતું કોવિડ કેર સેન્ટર
કોરોના મહામારી સામેના જંગમાં સરકારની સાથોસાથ ખાનગી હોસ્પિટલોએ પણ કદમથી કદમ મિલાવ્યા પોઝિટિવ દર્દીઓની સારવારમાં અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નિષ્ણાંત તબીબો સહિતની સુવિધા
કોરોનાનો કહેર જેવી રીતે યથાવત છે તેની સામે લડવા માટે આરોગ્ય તંત્ર ખડેપગે કાર્યરત છે ત્યારે દિન પ્રતિદિન વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાને રાખીને ખાનગી હોસ્પિટલો પણ મેદાને આવીને કોરોના સામેની લડાઈમાં મહત્વપુર્ણ ભાગ ભજવી રહ્યા છે. વધી રહેલા પોઝિટિવ દર્દીઓની સારવારથી માંડી તેમના માટે અલગ હોસ્પિટલ બનાવી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવું તે એક મોટો પડકાર છે ત્યારે ખાનગી અને અર્ધસરકારી હોસ્પિટલો આ પરિસ્થિતિમાં મહત્વપૂર્ણ ફાળો આપી રહ્યા છે. ઉપરાંત ફક્ત પોઝિટિવ દર્દીઓ જ નહીં પરંતુ તેની સાથે સાથે દર્દીના સંપર્કમાં આવેલા તેમના પરિજનો, તેમજ અન્ય વ્યક્તિઓ કે જેઓને હાલ કોઈ લક્ષણો દેખાતા નથી અથવા તો માઈલ્ડ લક્ષણો ધરાવતાં હોય તેવા શંકાસ્પદ દર્દીઓને કવોરંટાઈન કરવા ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર હોય છે ત્યારે આ બંને ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ખાનગી ક્ષેત્રની હોસ્પિટલ મેદાને આવી છે. જેના ભાગરૂપે રાજકોટની પ્લેક્ષસ કાર્ડિયાક કેર અને જલારામ સાર્વજનિક હોસ્પિટલ દ્વારા વિદ્યાનગર મેઈન રોડ ખાતે દેવ ચિરાયું કોવિડ હોસ્પિટલની શરૂઆત કરવામાં આવી છે. જ્યાં દર્દીઓની અદ્યતન ટેકનોલોજીના સાધનો દ્વારા સારવાર થી માંડીને તમામ બાબતોની તકેદારી રાખવામાં આવે છે. હોસ્પિટલ ખાતે આશરે ૬ તબીબી નિષ્ણાંતો રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવે છે તેમજ અન્ય નર્સિંગ, પેરા મેડિકલ કર્મચારીઓ રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવી દર્દીઓની સાર સંભાળ રાખે છે. પોઝિટિવ દર્દીઓના સારવાર માટે જે રીતે હોસ્પિટલ કાર્યરત કરાઈ છે તેવી જ રીતે દર્દીઓના પરિજનો તેમજ શંકાસ્પદ દર્દીઓ માટે હોટેલ જેવું હોસ્પિટલ કુવાડવા રોડ ખાતે ચિરાયું કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. સેન્ટર ખાતે દર્દીઓની તમામ નાનામાં નાની જરૂરિયાત માટેની વ્યવસ્થા ઉભી કરાઈ છે.
આઇસીયુ, ઓક્સિજન, વેન્ટિલેટર તેમજ તમામ સુવિધાઓથી સજ્જ દેવ ચિરાયુ કોવિડ હોસ્પિટલ: ડો. હેમલ રૈયાણી
દેવ ચિરાયું કોવિડ હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા ડો. હેમલ રૈયાણીએ કહ્યું હતું કે કોવિડ પોઝિટિવ દર્દીઓ માટે સેપરેટ રૂમ, આઇસીયુંની સવલત ઉભી કરવામાં આવી છે. ૫ બેડ નું આઇસીયું ઉભું કરાયું છે તેમજ કોવિડના દર્દીઓ માટે મુખ્ય ઓક્સિજન ની જરૂરિયાત રહેતી હોય છે ત્યારે તમામ દર્દીઓ માટે ઓક્સિજનની વ્યવસ્થા કરવામાં આવી છે. તે ઉપરાંત ૩ વેન્ટિલેટર પણ રાખવામાં આવ્યા છે. આ હોસ્પિટલની શરૂઆત ગત તારીખ ૧૯ ઓગસ્ટના રોજ કરવામાં આવી હતી. એક સપ્તાહમાં અહીં ૨૨ જેટલા દર્દીઓ નોંધાયા છે જેમાંથી ૫ જેટલા દર્દીઓનો સ્વસ્થ બચાવ કરીને રજા આપવામાં આવી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે ખાનગી હોસ્પિટલ માટે સરકારે જે કિંમત નક્કી કર્યા છે તેનાથી રૂપિયા ૨ હજાર ઓછી કિંમતે અહીં તમામ દર્દીઓને સારામાં સારી સારવાર આપવામાં આવે છે. જલારામ સાર્વજનિક હોસ્પિટલ અને પ્લેક્ષસ કાર્ડિયાક કેરના સહયોગથી આ કોવિડ હોસ્પિટલ અને સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. જેના કારણે અમે ઓછી કિંમતે દર્દીઓને સારવાર આપી શકીએ છીએ. તેમણે કહ્યું હતું કે દર્દીઓ માટે તમામ બાબતોનું ધ્યાન રાખવું તે અમારી જવાબદારી છે જેના ભાગરૂપે દર્દીના પૌષ્ટિક આહારથી માંડીને તમામ નાના માં નાની બાબતોનું બારીકાઈથી ધ્યાન રાખવામાં આવે છે.
રાઉન્ડ ધ ક્લોક તબીબી કર્મચારીઓ દર્દીની સારવાર માટે ઉપલબ્ધ: ડો. કુંજેશ રૂપાપરા
ફેફસાના રોગના સ્પેશ્યલીસ્ટ ડો. કુંજેશ રૂપાપરાએ કહ્યું હતું કે હું અહીં કોવિડના દર્દીઓની સારવાર કરું છું. એક સપ્તાહમાં કુલ ૨૨ દર્દીઓ નોંધાયા છે. જેમાંથી ૫ દર્દીઓનો સ્વસ્થ બચાવ કરી લેવાયો છે. તેમણે કહ્યું હતું કે આ બીમારીની કોઈ ચોક્કસ વેકસીન નથી ત્યારે પૌષ્ટિક આહાર જ શ્રેષ્ઠ વેકસીન છે. ત્યારે દર્દીને પૌષ્ટિક અને ગુણવત્તાયુક્ત આહાર આપવા માટે અમે કટીબદ્ધ છીએ. તે ઉપરાંત દર્દીઓને ઓક્સિજન આપવામાં આવે છે. અન્ય કારગર દવાઓ તેમજ વેન્ટિલેટરની સુવિધાઓ રાખવામાં આવી છે. દર્દીઓની સારસંભાળ માટે કુલ ૧૨ નર્સિંગ કર્મચારીઓ, ૮ વોર્ડ કર્મચારીઓ, ૩ ક્ધસલન્ટ તેમજ ૩ મેડિકલ ઓફિસર અહીં કાર્યરત છે. તેમણે કહ્યું હતું કે જ્યારે દર્દીના પરિજનો તેમના દર્દીને મળવાની ઈચ્છા હોય ત્યારે અને વિડીયો કોંફરન્સના માધ્યમથી તેઓ વાતચીત કરી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે જેથી દર્દીના પરિજનોની ચિંતા દૂર થતી હોય છે. તેમણે અંતે કહ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષથી તબીબો કોવિડ સામે લડી રહ્યા છે. દરરોજ અનેકવિધ દર્દીઓ આવતા હોય છે અને તમામનો સ્વસ્થ બચાવ કરવા કટીબદ્ધ છે. ત્યારે તબીબોની સાથે અન્ય તબીબી કર્મચારીઓ પણ સતત રાઉન્ડ ધ ક્લોક કાર્યરત રહે છે જેથી ખરા અર્થમાં આ સમગ્ર કર્મચારીઓ કોરોના વોરિયર્સ છે.
ઘર જેવા વાતાવરણમાં સારવાર એટલે ચિરાયુ કોવિડ કેર સેન્ટર: ડો. કમલ ભટ્ટ
ચિરાયું કોવિડ કેર સેન્ટર ખાતે મેડિકલ ક્ધસલન્ટ ફિઝિશિયન તરીકે ફરજ બજાવતા ડો. કમલ ભટ્ટે કહ્યું હતું કે જે દર્દીઓ શંકાસ્પદ છે કે જેમને કોરોનાના થોડા ઘણા લક્ષણો દેખાતા હોય તેવા અને પોઝિટિવ આવેલા દર્દીઓના પરિજનોને અહીં રાખીને સારવાર તેમજ કોવિડ ટેસ્ટ કરવામાં આવે છે. દર્દીઓને ઘર જેવી સુવિધાઓ મળી રહે તે માટે નોવા હોટેલ ખાતે તમામ દર્દી માટે અલાયદો રૂમ, દરેક રૂમમાં એસી, ટીવી, પૌષ્ટિક આહાર આપવામાં આવે છે. તે ઉપરાંત ૨૪ કલાક પેરા મેડિકલ, નર્સિંગ, વોર્ડ અને મેડિકલ ક્ધસલન્ટ હાજર રહેતા હોય છે અને દર્દીની નાના માં નાની જરૂરિયાતની કાળજી લેવામાં આવતી હોય છે. સાથો સાથ દર્દીને જે પ્રકારની સારવારની જરૂરિયાત જણાય તે તાત્કાલિક ધોરણે આપવામાં આવે છે. દરેક દર્દીને તેમના મોબાઈલ સાથે રાખવાની છું આપીએ છીએ તેમજ જો મોબાઈલ હોય નહિ તો કર્મચારીઓના માધ્યમથી તેઓ તેમના પરિવાર સાથે વાતચીત કરી શકે છે. ઉપરાંત તમામ કર્મચારીઓ હરહંમેશ પીપીઈ કીટ સાથે હાજર હોય છે જેથી સંક્રમણ ફેલાવાનો કોઈ ભય રહેતો નથી.
દેવ ચિરાયુ હોસ્પિટલે મને મારી જિંદગી પરત આપી: જલ્પાબેન રાઠોડ
દર્દીના પરિજન જલ્પાબેન રાઠોડે કહ્યું હતું કે ગત રવિવારે મારા પતિને હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. ફક્ત ત્રણ દિવસની સારવારમાં હાલ ખૂબ સારી રિકવરી જોવા મળી રહી છે જેના કારણે મને એવું લાગે છે કે દેવ ચિરાયું હોસ્પિટલે મારી જિંદગી પરત આપી છે. હું જયારે પણ મારા પતિ સાથે વાત કરું ત્યારે તેઓ પણ એવું જ કહે છે ખૂબ સારી સારવાર અને કાળજી હોસ્પિટલ તંત્ર દ્વારા આપવામાં આવે છે. તે ઉપરાંત તમામ મારી તમામ જરૂરિયાતનું ધ્યાન રાખવામાં આવે છે.
સુરક્ષા અને સવલત બંનેની કાળજી રાખવા અમે કટિબદ્ધ: ડો. કેયુર જાટકિયા
ક્રિટિકલ કેર એમડી ડો. કેયુર જાટકીયાએ કહ્યું હતું કે કુવાડવા રોડ ખાતે આવેલી કોવિડ કેર સેન્ટર ખાતે સામાન્ય ખર્ચ સાથે તમામ સુવિધાઓ આપવામાં આવે છે. જેમાં મેડિકલ, આરએમઓ કેર સહિતની સવલતો ઉભી કરાઈ છે. અહીં ૨૪ કલાક મેડિકલ ઓફિસર હાજર છે જે દર્દીની તમામ જરૂરિયાતનું ધ્યાન રાખે છે. તે ઉપરાંત ઇમરજન્સી એમ્બ્યુલન્સ પણ રાખવામાં આવ્યા છે જેથી ક્યારેક કોઈ દર્દીને ત્વરિત ધોરણે હોસ્પિટલ ખસેડવાની જરૂરિયાત જણાય તો તેમાં કોઈ અડચણ આવે નહિ. તે ઉઓરસન્ટ દર્દીના ખોરાકની વિશેષ કાળજી રાખવામાં આવે છે. ગુણવતાયુક્ત અને પોષકતત્વોથી ભરપુર આહાર દર્દીઓને પીરસવામાં આવે છે જેથી દર્દીની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય અને સ્વસ્થ બચાવ કરી શકાય.