માધવ ટ્રેનિંગ સ્કૂલના કેન્ડીડેટની ટ્રાઇ લીધા વિના ડ્રાઇવીંગ લાયસન્સ આપવા દબાણ કરી સ્ટાફ સાથે ઝપાઝપી કરી

અખબાર અને ન્યુઝ ચેનલમાં ભ્રષ્ટાચારના આક્ષેપના સમાચાર આપી દર મહિને રૂ.૧૫ હજારનો હપ્તો પડાવવા પ્રયાસ

દેવભૂમિ દ્વારકા આરટીઓ અધિકારીને બ્લેક મેઇલીંગ કરી દર મહિને રૂા.૧૫ હજારનો હપ્તો વસુલ કરવા ચાર શખ્સોએ ધમકાવી માદવ ટ્રેનિંગ સ્કૂલના કેન્ડીડેટની ટ્રાઇ લીધા વિના ડ્રાઇવીંગ લાયસન્સ આપવા દબાણ કરવા અખબારમાં અને ન્યુઝ ચેનલમાં બદનામ થાય તે રીતે ભ્રષ્ટાચારના સમાચાર પસારીત કરાવ્યા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે માધવ ટ્રેનિંગ સ્કૂલના સંચાલક સહિત ચારેય સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ ગાંધીનગરના વતની અને દેવભૂમિ દ્વારકા આરટીઓમાં મોટર વાહન નિરીક્ષક અને ઇન્ચાર્જ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી તરીકે ફરજ બજાવતા ચિરાગભાઇ ઇશ્ર્વરભાઇ મહેરાએ જામનગરના લખન કંડોરીયા, ખંભાળીયાના સંજય આંબલીયા, રાજુભાઇ અને દેવાતભાઇ સામે બળજબરીથી પૈસા પડાવવા બ્લેકમેઇલીંગ કરી ધમકી દીધા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ગત તા.૧૧-૯-૨૦ના રોજ આરટીઓ અધિકારી એ.એ.ભાડુલા ફરજ બર હતા ત્યારે લખન કંડોરીયા ત્યાં આવી માધવ ટ્રેનિંગ સ્કૂલના કેન્ડીડેટની ટેસ્ટ લીધા વિના ડ્રાઇવીંગ લાયસન્સ આપવા અને ખોટી રીતે ફસાવી દેવા ધમકી દઇ તમે ભ્રષ્ટાચાર કરો છો મને દર મહિને રૂા.૧૫ હજારનો હપ્તો આપવો પડશે તેમ કહી ચિરાગભાઇ મહેરાની કચેરીમાં બળજબરીથી ઘુસવા પ્રયાસ કરી સિકયુરિટીમેન મુલ્લાભાઇ મોવર સાથે ઝપાઝપી કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.

ત્યાર બાદ ગત તા.૮-૧૨-૨૦ના રોજ લખન કંડોરીયા ફરી ચિરાગભાઇ મહેરાની ઓફિસમાં આવી પોતાની પત્રકાર તરીકે ઓળખ આપી પોતાના સંબંધી રાજુભાઇ અને દેવાતભાઇ માધવ ટ્રેનિંગ સ્કૂલની ગાડી ચલાવતા હોવાનું અને તેના કેન્ડીડેટની ટેસ્ટ લીધા વિના ડ્રાઇવીંગ લાયસન્સ આપવાનું કહી મોટા અવાજે ઝઘડો કરી રૂા.૧૫ હજારનો હપ્તો આપવા ધમકી દીધાનું ફરિયાદમાં જણાવ્યું છે. લખન કંડોરીયાને હપ્તાના રૂા.૧૫ હજાર ન આપતા ગત તા.૧૧ ડિસેમ્બરે સંજય આંબલીયા, માધવ ટ્રેનિંગ સ્કૂલના રાજુભાઇ અને દેવાતભાઇ આરટીઓ ખાતે આવ્યા હતા ત્યારે સંજય આંબલીયાએ પોતાની કમ્મરે રિવોલ્વર દેખાય તે રીતે બાંધી આરટીઓમાં ફોટા પાડયા હતા ભયનું વાતાવરણ ઉભુ કર્યા બાદ બદનામ થાય તેવી વડી કચેરીએ અરજી કરી અરજીના આધારે અખબાર અને ન્યુઝ ચેનલમાં સમાચાર પસારીત કરાવી બદનામ કરવા પ્રયત્ન કરતા તેઓ સામે પોલીસમાં અરજી કરી હતી.

પોલીસમાં કરેલી અરજીના કારણે સંજય આંબલીયાએ માનહાનિ અંગે રૂા.૫ કરોડની નોટિસ મોકલી અખબાર અને ન્યુઝ ચેનલમાં સમાચાર પસારીત કરાવ્યા હોવાનું અને ચિરાગભાઇ મહેરા બદલી કરી ભાગી જશે અથવા રાજીનામું આપી દેશે તેવી ધમકી દીધાનું ફરિયાદમાં જણાવ્યું છે. પી.એસ.આઇ. પી.એ. જાડેજા સહિતના સ્ટાફે ચારેય સામે બ્લેક મેઈલીંગ કરી બળજબરીથી પૈસા પડાવવા ધમકી દીધા અંગેનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.