ભાજપનાં શાસકો અને કોર્પોરેશનનાં નિર્ભર તંત્ર વિરુઘ્ધ ઉગ્ર સુત્રોચ્ચાર: શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર અને વિપક્ષી નેતા વશરામ સાગઠીયા સહિત ૧૮ પુરુષો અને બે મહિલાઓને પોલીસે ઉપાડી લીધા
શહેરમાં કથળેલા આરોગ્યનાં પ્રશ્ને આજે કોંગ્રેસ દ્વારા કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે પ્રતિ ધરણા યોજવામાં આવ્યા હતા જોકે કોંગ્રેસનાં ધરણામાં પોલીસે વિઘ્ન ઉભું કર્યું હતું અને ૨૦ આગેવાનોની અટકાયત કરી લીધી હતી. કોર્પોરેશન કચેરીમાં કોંગ્રેસનાં આગેવાનો અને કાર્યકરોએ ઉગ્ર સુત્રોચ્ચાર પોકાર્યા હતા.
શહેરમાં ડેન્ગ્યુ સહિતના રોગચાળાએ હાહાકાર મચાવ્યો છે. ૧૫ દિવસમાં ૫ વ્યકિતઓનાં મૃત્યુ નિપજયા છે. આરોગ્યલક્ષી કામગીરી વેગવંતી બનાવવા માટે કોંગ્રેસ દ્વારા અનેક વખત રજુઆત કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં ન આવતા આજે શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર અને વિરોધ પક્ષનાં નેતા વશરામભાઈ સાગઠીયાની આગેવાનીમાં કોંગ્રેસનાં કોર્પોરેટરો અને કાર્યકરો દ્વારા કોર્પોરેશન કચેરીમાં ધરણા યોજવામાં આવ્યા હતા.
ભાજપનાં શાસકો અને કોર્પોરેશનનાં અધિકારીઓ વિરુઘ્ધ ઉગ્ર સુત્રોચ્ચાર પોકારી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા ૧૮ પુરુષ અને ૨ મહિલા સહિત ૨૦ની અટકાયત કરવામાં આવી છે.