બેંકો સાથે કથિત રૂ. 538 કરોડની છેતરપિંડી કરવાના આરોપમાં જેટ એરવેઝના ફાઉન્ડર નરેશ ગોયલની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ ગોયલની કસ્ટડી 4 ઓક્ટોબર સુધી લાંબાવવામાં આવી છે. જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલે બુધવારે મુંબઈની કોર્ટમાં જણાવ્યું હતું કે તેઓ સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે પરંતુ જેલમાં તેમને યોગ્ય સારવાર આપવામાં આવતી નથી અને અધિકારીઓ ધ્યાન આપતા નથી.
ગોયલ હાલમાં કથિત બેંક લોન છેતરપિંડી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં આર્થર રોડ જેલમાં બંધ છે. બુધવારે તેની જેલ કસ્ટડી સ્પેશિયલ જજ એમ.જી. દેશપાંડેએ તેને 4 ઓક્ટોબર સુધી લંબાવી છે.
સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાથી પીડાઈ રહ્યો છું, અધિકારીઓ ધ્યાન આપતાં નથી : નરેશ ગોયલ
વીડિયો કોન્ફરન્સ દ્વારા રજૂ થયેલા ગોયલે કહ્યું કે તેઓ ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડિત છે પરંતુ અધિકારીઓ કોર્ટને તેમના વિશે કોઈ રિપોર્ટ આપી રહ્યા નથી. તેમના વકીલોએ પણ તેમના માટે ઘરનું રાંધેલું ભોજન પૂરું પાડવા માટે અરજી કરી હતી.
ઉલ્લેખનીય છે કે ઇડી દ્વારા જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલ અને અન્ય લોકો વિરુદ્ધ છેતરપિંડીનો નવો કેસ નોંધવામાં આવ્યો છે. તાજેતરમાં જ મુંબઈ અને દિલ્હીમાં ગોયલના આઠ સ્થળો પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા. રૂ. 538 કરોડના બેંક ફ્રોડ કેસમાં દરોડા પડ્યા બાદ તેમની મુસીબતોમાં વધારો થયો છે.સીબીઆઈએ તેની તપાસમાં ગોયલ, તેમની પત્ની અનીતા ગોયલ અને જેટ એરવેઝ એરલાઈનના પૂર્વ ડિરેક્ટર ગૌરાંગ આનંદ શેટ્ટીને આરોપી બનાવ્યા હતા. કેનરા બેંકની ફરિયાદ પર તપાસ એજન્સીએ નવો કેસ નોંધ્યો હતો. ફરિયાદમાં કેનેરા બેંકે આરોપ મૂક્યો હતો કે તેણે જેટ એરવેઝ (ઈન્ડિયા) લિમિટેડને રૂ. 848.86 કરોડની લોન મંજૂર કરી હતી, જેમાંથી રૂ. 538.62 કરોડ બાકી છે.