અબતક,રાજકોટ
શહેરના માથાભારે ગણાતા બે જૂથ્થ વચ્ચે સશસ્ત્ર અથડામણ થતા પોલીસ હરકતમાં આવી છે. કરણપરા, પ્રહલાદ પ્લોટ અને રાજેશ્રી સિનેમા પાસે રહેતા ગમારા અને ભગત પરિવાર વચ્ચે કોર્પોરેશનની ચૂંટણીના કારણે ચાલતી અદાવતના કારણે બંને જૂથ્થ વચ્ચે ધોળા દિવસે સશસ્ત્ર અથડામણ થતા નાસભાગ મચી ગઇ છે. બંને જૂથ્થે હિન્દી ફિલ્મમાં થતી તોડફોડની જેમ એક બીજાની મિલકતમાં તોડફોડ કર્યા અંગેની એક જૂથ્થ દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે ત્રણ શખ્સોની અટકાયત કરી તપાસ હાથધરી છે.
ગમારા અને ભગત પરિવાર વચ્ચે કોર્પોરેશનની ચૂંટણીના કારણે ચાલતી
અદાવતના કારણે બંને પક્ષે આંતક મચાવ્યો
કરણપરામાં રહેતા રણજીત ચાવડીયાના ભગત પરિવાર અને રાજેશ્રી સિનેમા પાસે કોટક શેરીમાં રહેતા સતિષ ગમારાના પરિવાર વચ્ચે ઘણા વર્ષોથી અદાવત ચાલી રહી છે. બે દિવસ પહેલાં બંને પરિવારના બાળકો વચ્ચે થયેલી બોલાચાલીના કારણે ગઇકાલે બપોરે બંને જૂથ્થ તલવાર, ધોકા, પાઇપ અને લાકડી જેવા હથિયાર સામે આમને સામને આવી વાહન અને દુકાનમાં તોડફોડ કરતા કરણપરા, પ્રહાલાદ પ્લોટ અને ભૂપેન્દ્ર રોડ પરના વેપારીઓમાં ફફડાટ મચી ગયો હતો. વેપારીઓએ પોતાની દુકાનો ટપોટપ બંધ કરી દીધી હતી.
કાર, હોટલ અને કેબીનમાં બંને જૂથ્થ દ્વારા કરાઇ તોડફોડ
ગમારા પરિવારના જૂથ્થ દ્વારા કરણપરામાં ભગત પરિવારની ઓફિસ, દુકાન, રેસ્ટોરન્ટ અને વાહનમાં તોડફોડ કરી ભાગી ગયા હતા. જ્યારે ભગત પરિવારના જૂથ્થ દ્વારા વળતો હુમલો કરી રાજેશ્રી સિનેમા પાસે કોટક શેરીમાં ગમારા પરિવારની ભૂપેન્દ્ર રોડ પરની દુકાન ચાની અને વાહનમાં તોડફોડ કરી હતી તેમજ દુકાનના શટરમાં ભગત લખી ભાગી ગયા હતા.પ્રહલાદ પ્લોટ શેરી નંબર 49માં કોટક શેરી-4માં આવેલા ગમારા હાઉસમાં રહેતા ભરતભાઇ બાબુભાઇ ગમારાએ હાર્દિક રણજીત ચાવડીયા, મોહિત ઉર્ફે ભીમો મના ચાવડીયા, રણજીત ભૂપત ચાવડીયા અને ત્રણ થી ચાર અજાણ્યા શખ્સો સામે તોડફોડ કરી ખૂનની ધમકી દીધા અંગેની એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પી.આઇ. જોષી, પી.એસ.આઇ. જે.એમ.ભટ્ટ, એએસઆઇ ભરતસિંહ ગોહિલ અને હારૂનભાઇ ચાનિયા સહિતના સ્ટાફે ચાવડીયા જૂથ્થના ત્રણ શખ્સોની અટકાયત કરી છે.
ફરી બને જૂથ્થ વચ્ચે બઘડાટી સીસીટીવી ફુટેજ મેળવી અન્ય શખ્સોની શોધખોળ હાથધરી છે.પાંચ વર્ષ પહેલાં કોર્પોરેશનની ચૂંટણીમાં ટિકિટ ગમારા ગ્રપને મળતા ચાવડીયા ગ્રુપને સારૂ ન લાગતા બંને વચ્ચે અદાવત શરૂ થઇ હતી. બંને જૂથ્થ વચ્ચે સમાજના અગ્રણી દ્વારા સમાધાન પણ કરાવ્યું હતું તેમ છતાં બંને જૂથ્થ એક બીજાને ભરી પીવા માટે સજ્જ રહેતા હતા.દરમિયાન કનુભાઇ ગમારાની ચાની કેબીને ગોપાલ સુરેશભાઇ ગમારા, મનોજ ભીમા ગમારા, ભરત બાબુભાઇ ગમારા અને પ્રતિક સંજય ખાખરીયા બેઠા હતા ત્યારે હાર્દિક રણજીત ચાવડીયા, મોહિત ઉર્ફે ભીમા મના ચાવડીયા, રણજીત ભૂપત ચાવડીયા અને ત્રણથી ચાર જેટલા અજાણ્યા શખ્સો હુમલો કરી તોડફોડ કરી કેબીનમાં નુકસાન કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે. બઘડાટી અંગે ચાવડીયા જૂથ્થ દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવી ન હતી.