Abtak Media Google News
  • લેઉવા અને કડવા પટેલ સમાજ વચ્ચે વૈમનસ્ય ઉદભવે તેવી પત્રિકા ફરતી કરવાનો મામલો
  • કેતન તાળા, પ્રકાશ વેજપરા, દીપ ભંડેરી, વિપુલ તારપરા અને પત્રિકા બનાવનાર ચિરાગ ઢોલરીયાને ક્રાઇમ બ્રાન્ચે અટકાયતમાં લીધા 

રાજકોટ ઉપરાંત સમગ્ર ગુજરાતમાં રહેતાં લેઉવા અને કડવા પાટીદાર સમાજ વચ્ચે વૈમનસ્ય ફેલાવવાના આરોપ સાથે વોર્ડ નં. 11ના ભાજપના પ્રમુખની ફરિયાદ પરથી તાલુકા પોલીસે ચાર પાટીદાર યુવાનો સામે ગુનો નોંધી ચારેયને ઝડપી લેવા કાર્યવાહી શરૂ કર્યા બાદ કોંગ્રેસના ચારેય આગેવાનોની ક્રાઇમ બ્રાન્ચે ગત મોડી રાત્રે અટકાયત કરી છે. ઉપરાંત પત્રિકા બનાવનાર શખ્સને પણ અટકાયતમાં લેવામાં આવ્યો છે.

‘જાગો લેઉવા પટેલ જાગો’ નામની પત્રિકા છેલ્લા બે દિવસથી રાજકોટ ઉપરાંત કેટલાક ગામડામાં પણ વિતરીત કરવામાં આવી રહી હતી. આ અંગે ભાજપના આગેવાનોને જાણ થતાં તેઓએ મોવડી મંડળને આ પત્રિકા મોકલીને સમગ્ર બાબતથી વાકેફ કર્યા હતા.

લોકસભા રાજકોટની બેઠક પર ચૂંટણી લડતા પરસોત્તમભાઇ રૂપાલા વિરુદ્ધ મતદાન કરવા માટે સોશિયલ મીડિયા દ્વારા ‘જાગો લેઉવા પટેલ જાગો’ના શીર્ષક સાથેની પત્રિકા વાઇરલ થઇ હતી જે અંગે શહેર ભાજપ પ્રમુખ સહિતના આગેવાનો દ્વારા પોલીસ કમિશનર રાજુ ભાર્ગવને લેખિતમાં ગઈકાલે ફરિયાદ કરાઈ હતી. જેમાં તપાસ કરી કડક પગલાં લેવા જણાવતા તાલુકા પોલીસ મથકના પીઆઇ હરિપરા સહિતના સ્ટાફે તપાસ કરી ભાજપ વોર્ડ નં.11ના પ્રમુખ મહેશભાઇ પીપળિયાએ ફરિયાદ નોંધી હતી. જેમા વોટ્સએપ ગ્રૂપમાં કાવતરું રચી બદઇરાદે ભાજપના ઉમેદવાર પરસોત્તમભાઇ રૂપાલાના પક્ષને નુકસાન થાય તેમજ લેઉવા અને કડવા પાટીદાર સમાજ વચ્ચે વૈમનસ્ય પેદા કરવા માટે હીન પ્રયાસ કર્યાનું પ્રાથમિક તબક્કે સ્પષ્ટ થતાં પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી.

દરમિયાન રાજકોટના વોર્ડ નં. 11ના ભાજપના પ્રમુખ મહેશભાઇ પીપળીયાની ફરિયાદ પરથી પોલીસે કેતન તાળા, પ્રકાશ વેજપરા, દીપ ભંડેરી અને વિપુલ તારપરા સામે ફરિયાદ નોંધાવતાં તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. હાલ ક્ષત્રિય સમાજનું આંદોલન ચાલી રહ્યું છે ત્યારે પત્રિકા સંદર્ભે ગુનો નોંધાતાં આ બાબતે પણ આગામી દિવસોમાં ગંભીર પ્રત્યાઘાતો પડે તેવી પુરેપુરી સંભાવના છે.

ભાજપના વોર્ડ 11ના પ્રમુખ પીપળિયાની ફરિયાદ પરથી કોંગ્રેસ આગેવાન કેતન તાળા, પ્રકાશ વેજપરા, દીપ ભંડેરી અને વિપુલ તારપરાની ક્રાઇમ બ્રાન્ચે અટકાયત કરી છે ઉપરાંત પત્રિકા બનાવનાર ચિરાગ ઢોલરીયા નામના શખ્સની પણ અટકાયત કરવામાં આવી છે.

શહેર ભાજપની પોલીસ કમિશનરને રજુઆત બાદ તાલુકા પોલીસ મથકમાં મોડીરાત્રે ફરિયાદ દાખલ કરાઈ

સમગ્ર મામલામાં ભાજપ શહેર પ્રમુખ મુકેશભાઈ દોશી, સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકર, પ્રદેશ ભાજપ લીગલ સેલના સહ ક્ધવીનર અનિલભાઈ દેસાઈ સહિતનાએ શહેર પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવને લેખિત ફરિયાદ કરી હતી.

જે બાદ મોડી રાત્રે સમગ્ર મામલે તાલુકા પોલીસે ગુન્હો દાખલ કર્યો હતો અને તે પછી ક્રાઇમ બ્રાન્ચે ચારેય કોંગી આગેવાનો સહીત 5ની અટકાયત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.