દેણું વધી જતા બોટાદના છ, રાજકોટના એક અને ચોટીલાના એક શખ્સે મળી આંગડીયા પેઢીના કર્મચારીને લૂંટવાનો પ્લાન બનાવ્યાની કબુલાત
એલ.સી.બી. અને જસદણ પોલીસે સયુંકત રીતે ગણતરીના દિવસોમાં જ દિલધડક લૂંટનો ભેદ ઉકેલી બે કાર, હીરા અને રોકડ મળી રૂ.૨૨.૧૪ લાખનો મુદામાલ કબ્જે
દેણું વધી જતા બોટાદના છ, રાજકોટના એક અને ચોટીલાના એક શખ્સે મળી આંગડીયા પેઢીના કર્મચારીને લૂંટવાનો પ્લાન બનાવ્યાની કબુલાત
ઘેલા સોમનાથ મહાદેવ મંદિરના સીસીટીવી ફુટેજ મળ્યા
બોટાદથી ચાર હીરાના દલાલ જસદણની હીરા બજારમાં હીરાનું વેચાણ કરવા આવ્યા ત્યારે તેને જસદણ નજીકના ગોડલાધાર ખાતે આંતરી લૂંટી લેવા માટે ચાર શખ્સો જ આવ્યા હતા. ત્રણ શખ્સો બોટાદ રોકાયા હતા અને ત્યાંથી ચારેય શખ્સોને મોબાઇલમાં ટ્રીપ આપી રહ્યા હતા. જિલ્લા પોલીસ વડા બલરામ મીણાના માર્ગ દર્શન હેઠળ પોલીસની જુદી જુદી ટીમ કામ કરી રહી હતી ત્યારે ઘટના સ્થળ નજીક ઘેલા સોમનાથ મહાદેવ મંદિરે લગાવવામાં આવેલા સીસીટીવી ફુટેજના આધારે લૂંટના ગુનામાં સંડોવાયેલા શખ્સોની ઓળખ મળતા તમામને ગણતરીના કલાકોમાં ઝડપી લેવામાં સફળતા મળી છે.
લૂંટના ગુનામાં ઝડપાયેલા આઠ શખ્સો પૈકી છની અનેક ગુનામાં સંડોવણી
જસદણ પાસે બે દિવસ પહેલાં થયેલી હીરાની લૂંટના ગુનામાં રૂરલ એલ.સી.બી. સ્ટાફે આઠ શખ્સોને ઝડપી ભેદ ઉકેલ્યો છે. આઠ શખ્સો પૈકી છ શખ્સો સામે હત્યાની કોશિષ, મારામારી, જુગાર, આર્મ્સ એકટ સહિતના અનેક ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકેલા છે.
બોટાદના નિલેશ રણછોડ રબારી સામે ખૂનની ધમકી અને મારામારી, રાજકોટના નવાગામ પાસે રંગીલા સોસાયટીના અશોક ઉર્ફે ગડુ ખીમજી દુમાદીયા સામે રાજકોટ અને ચોટીલામાં દારૂ, મારામારી અને હત્યાની કોશિષના ગુના નોંધાયા છે. ચોટીલાના અમિત નરશી મેણીયા સામે ચોટીલા અને વાંકાનેરમાં દારૂના ગુના નોંધાયા છે. બોટાદના નોલી ગામના ભાવેશ મનુ કોળી સામે બોટાદમાં દારૂ અને જુગારના તેમજ જયેશ જીવણ કણજારીયા સામે જુગારના ગુના નોંધાયા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
એક માસથી રેકી કર્યા બાદ લૂંટને અંજામ આપ્યો
બોટાદ પાસેના રતનપરના જયેશ જીવણ કણજારીયા નામના સતવારા શખ્સને દેણું થયું હોવાથી પોતાના મિત્ર ભાવેશ, કિશન, રાજદીપ અને મહાવીર સાથે મળી હીરાની લૂંટ ચલાવવાનો પ્લાન બનાવ્યો હતો. જયેશ કણજારીયા હીરા ઘસવાનું કામ કરતો હોવાથી દર રવિવારે જદસણની હીરા બજારમાં કેટલાક દલાલો હીરાનું વેચાણ કરવા જતા હોવાની માહિતી હોવાથી હીરાના દલાલને લૂંટી લેવા પ્લાન બનાવી અમિત પાસે સેન્ટ્રો અને રાજદીપ પાસે અલ્ટ્રો કાર હોવાથી બંનેને લૂંટના કાવતરામાં સામેલ કર્યાની કબુલાત આપી છે.
બોટાદથી જસદણ હીરાના પેકેટની ડીલીવરી કરવા આવતા હીરાના દલાલને જસદણની કાળાસર ચોકડી પાસે આંતરી ચાર શખ્સોએ છરીથી હુમલો કરી રૂ.૧૫.૧૯ લાખની કિંમતના હીરા અને રોકડની બે દિવસ પહેલાં થયેલી દિલધડક લૂંટનો ભેદ એલસીબી અને જસદણ પોલીસે સયુંકત રીતે ઉકેલી લૂંટના ગુનામાં સંડોવાયેલા આઠ શખ્સોને ઝડપી પૂછપરછ કરતા પોતાના પર દેણું વધી જતા આંગડીયા કર્મચારીને લૂંટી લેવાનો પ્લાન બનાવ્યાની કબુલાત આપી છે. પોલીસે લૂંટારા પાસેથી બે કાર, હીરા અને રોકડ મળી રૂ.૨૨.૧૪ લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.
બોટાદ તાલુકાના પાટી ગામે રહેતા જસવંતભાઇ ધરમશીભાઇ મોરડીયા પોતાના મિત્ર રાજેશભાઇ ગોહેલ, ભૂદરભાઇ પટેલ અને સંજયભાઇ હીરાના દલાલીનો વ્યવસાય કરે છે. અને તેઓ ચારેય મિત્રો રાજેશભાઇની કારમાં ગઇકાલે જસદણ ડાયમંડ માર્કેટમાં હીરા વેચવા માટે આવી રહ્યા હતા. કાર જસદણ નજીક કાળાસર-ઘેલાસોમનાથ ચોકડી પાસે પહોચી ત્યારે નંબર પ્લેટ વિનાની સિલ્વર કલરની સેન્ટ્રોકારમાં ઘસી આવેલા ચાર શખ્સોએ રાજેશભાઇની કારને આંતરી ઉભી રખાવી છરીથી હુમલો કરી લૂંટ ચલાવ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
લૂંટારાઓએ જસમતભાઇ મોરડીયાને જે કંઇ હોય તે આપી દેવાનું જણાવતા પોતાની પાસે રહેલા રૂ.૪ હજાર રોકડા આપી દીધા હતા. ત્યારે લૂંટારાઓએ બનીયનના ખિસ્સામાં રહેલું પેકેટ આપી દેવા ધમકાવી છરીથી હુમલો કરતા જસમતભાઇ મોરડીયા ઘવાતા તેઓએ પોતાની પાસે રહેલા રૂ.૧૧ લાખની કિંમતના હીરાનું પેકેટ આપી દીધું હતું.
ચારેય લૂંટારાઓએ જસમતભાઇ મોરડીયા પાસેથીરૂ.૧૧ લાખના હીરના પેકેટની લૂંટ ચલાવ્યા બાદ તેની સાથે રહેલા રાજેશભાઇ પાસેથી રૂ.૩ લાખની કિંમતના હીરા, ભુદરભાઇના રૂ.૩૫ હજાર રોકડા અને શૈલેષભાઇ પાસેથી રૂ.૮૦ હજાર રોકડની લૂંટ ચલાવી કાર ચાલક રાજેશભાઇ પાસેથી ચાવી લઇ રસ્તા પર ફેકી લૂંટારા સેન્ટ્રોકારમાં ઘેલા સોમનાથ તરફ ભાગી ગયાનું ફરિયાદમાં જણાવ્યું છે.
રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મીણાના માર્ગ દર્શન હેઠળ એલ.સી.બી.પી.આઇ. એમ.એન.રાણા, જસદણ પી.આઇ. વી.આર.વાણીયા અને પી.એસ.આઇ. એમ.એચ.જોષી અને ડી.પી.ઝાલા સહિતના સ્ટાફે લૂંટના ગુનામાં સંડોવાયેલા ચોટીલાના પાટી ગામના અમીત નરશી મેણીયા, રાજકોટના નવાગામ સ્લમ કવાર્ટરના અશોક ઉર્ફે ગડુ ખીમજી કોળી, બોટાદના નિલેશ રણછોડ રબારી, જયેશ જીવણ કણઝારીયા, જયદીપ શાન્તુ ખાચર, મહાવીર વલ્કુ ખાચર, કિશન મનુ કોળી અને તેનો ભાઇ ભાવેશ મનુ કોળીની ભડલી પાસેથી ઝડપી લીધા છે.
આઠેય શખ્સો પાસેથી પોલીસે બે કાર, હીરા અને રોકડ મળી રૂ.૨૨.૧૪ લાખનો મુદામાલ કબ્જે કરી પૂછપરછ કરતા પોતાના પર દેણું વધી જતા લૂંટ ચલાવવાનો પ્લાન બનાવી રેકી કર્યા બાદ લૂંટની ઘટનાને અંજામ આપ્યાની કબુલાત આપી છે.