વેપારીઓની મિલકત પડાવવા ખૂનની ધમકી દેતો: લૂંટ, ખંડણી પડાવી અને મારામારી સહિત ૪૨થી વધુ ગુનામાં ઇભલાની સંડોવણી.
શહેરના લાતી પ્લોટ વિસ્તારમાં વેપારીઓની મિલકત પડાવવા ખૂનની ધમકી દેવાના ગુનામાં સંડોવાયેલા નામચીન ઇભલાને ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે ગોંડલ રોડ ચોકડી પાસેથી ઝડપી લાતી પ્લોટ વિસ્તારમાં લઇ જઇ આકરી સરભરા કરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ લૂંટ, ધાડ, ખંડણી પડાવવી મારામારી સહિતના અનેક ગુનામાં સંડોવાયેલા ચામડીયા ખાટકીવાસના ઇબ્રાહીમ ઉર્ફે ઇભલો કરીમ કાથરોટીયા નામનો શખ્સ જેલમાંથી છુટી ફરી ધાક ધમકી દઇ વેપારીઓ પાસેથી ખંડણી પડાવતો હોવાની અને વેપારીઓની મિલકત પડાવી લેવા માથાભારે શખ્સોને મોકલી ધમકાવતો હોવા અંગેની તાજેતરમાં વધુ બે ફરિયાદ બી ડિવિઝન પોલીસમાં નોંધાઇ હતી.
પંદર દિવસ પહેલાં જ સ્વસ્તિક ટુલ્સ નામના કારખાનેદારને ધમકાવી ગોડાઉન પડાવવા અને સૌરાષ્ટ્ર ઓઇલ કંપનીના માલિકને છરી બતાવી ખૂનની ધમકી દઇ કારખાનું પડાવવા માથાકૂટ કર્યા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.
નામચીન ઇભલો અવાર નવાર લાતી પ્લોટ વિસ્તારના વેપારીઓને ધમકાવી ખંડણી પડાવતો હોવાથી વેપારીઓમાં રોષ ફેલાતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલૌતે લાતી પ્લોટ વિસ્તારના વેપારીઓને મળી લાતી પ્લોટ વિસ્તારમાં કાયમી ધોરણે પોલીસ ચોકી બનાવવાની ખાતરી આપી હતી અને ઇભલા સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.
ઇભલા સામે વધુ બે ગુના નોંધાતા ફરાર થયા બાદ તે ગોંડલ રોડ ચોકડી પાસે આવ્યાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. એચ.એમ.ગઢવી, પી.એસ.આઇ. આર.સી.કાનમીયા, હેડ કોન્સ્ટેબલ મયુરભાઇ પટેલ, સંતોષભાઇ મોરી, રવિરાજસિંહ પરમાર અને જગમાલભાઇ ખટાણા સહિતના સ્ટાફે ઇભલાની ધરપકડ કરી લાતી પ્લોટ વિસ્તારમાં લઇ જઇ આકરી સરભરા કરતા લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. ઇભલાએ વેપારીઓની માફી માગી હતી.