દિલ્હીને કેજરીવાલ સાંપડયા પછી આરએસએસના વડાને હવે પછીની ચૂંટણી જીતાવી દે એવા વ્યૂહબાજોની શોધ: આડકતરો એકરાર: રાણા પ્રતાપને ભામાશાનું જબરૂ સામર્થ્ય સાંપડયું હતુ: આજના ભારતને ભામાશાનો વહેલી તકે ખપ !

પોતાની જાત સહિત સર્વસ્વ સમર્પિત કરી દે તેવા ભામાશા કયાંય પૂન: નહિ મળતા હોવાની આજના ભારતની કમનશીબી ! દેશના રાજકીય ક્ષેત્રે નર્યા લૂંટારાઓ ન હોત તો દેવદેવીઓની આ નંદનવનશી ભૂમિમાં કરોડો ગરીબો ‘નોંધારા’ હાલતમાં રીબાતા ન હોત! સંઘના વડાને જોઈતા મહારથીઓ મળવાની રાહ જોતી ઉગતી પેઢી !

આપણો દેશ અમેરિકી પ્રમુખ ટ્રમ્પમાં ભામાશા મેળવવાના ફાંફાં મારતો હોવાનો આભાસ છેલ્લા કેટલાક દિવસોથી થઈ રહ્યો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતા શ્રી ભાગવત અને તેમના સાથીઓને એમ લાગવા માંડયું છે કે, દિલ્હીને કેજરીવાલ સાંપડયા બાદ હવે પછીની ચૂંટણી જીતાવી દે એવા નવા રાજકીય વ્યૂહબાજોની જરૂર પડશે. તેમનો આવો આડકતરો એકરાર હાલતના તેમના સાથીઓને કેવો લાગ્યો, તે વિષે ઠોસ કશું જાણી શકાયું નથી. પરંતુ ઈતિહાસવિદોનું કહેવું છે કે, આજના ભારતે રજવાડી સમયના ગુજરાત-હિન્દુસ્તાનની ભીતરમાં ડોકિયું કરવું ઘટે છે, જેમાં પોતાની જાત સહિત સર્વસ્વ સમર્પિત કરી દે અને તિજોરીનો આખે આખો ભંડાર માતૃભૂમિની સ્વતંત્રતાની રક્ષા માટે પોતાના રાજકર્તા ચરણે અર્પિત કરી દે એવા વતનપરસ્ત ભામાશા હતા. આજના ભારતમાં કયાંય ભામાશા શોધ્યા જડતા નથી. એ ભારતની કમનશીબી છે. એના બદલે આજના રાજકીય ક્ષેત્રે નર્યા લૂંટારાઓ જ હોવાનો ખ્યાલ ઉપસે છે !

ભામાશાને ચિત્તોડના મહારાણા પ્રતાપ મોગલ બાદશાહ સામે હારે તે મંજૂર નહોતું. મહારાણા પ્રતાપ હતા ન હતા થાય તે મંજૂર ન હોતું…

જો આપણા દેશ પાસે અત્યારે રાણાપ્રતાપ અને ભામાશા સમા મહારથીઓ-મહાજનો હોત તો દેવદેવીઓની મનાતી આવેલી નંવનવનસમી ભૂમિ પર કરોડો ગરીબો નોધારી હાલતમાં રીબાતા નહોત અને જેને આપણા દેશની સાથે હમણા સુધી સ્નાનસુત્તકનો ક્ષુલ્લક સંબંધ પણ નહોતો તે ડોનાલ્ડ ટ્રમ્પમાં કદાચ ભામાશા મળી આવે એવા ગરજવાનસમા ફાંફા મારવા ન પડત !

જોકે, ટ્રમ્પને સાબરમતિ આશ્રમમાં લઈ જવાની અને ગાંધીબાપુના જીવનકવનનો પરિચય કરાવીને તેમની વિચારધારાથી વાકેફ કરાવવાની નીતિ રીતિ લાભ-શુભ સમી બની રહેવાનો સંભવ છે.

ટ્રમ્પ અને તેમના પરિવાર ઉપર આફરિન થઈ જવાની પાછળ અને ગરીબોની બેહુદી કંગાલિયતને સંતાડવા પાછળ આપણા વડાપ્રધાનની કઈ મહાત્વાકાંક્ષા અને અપેક્ષા હશે તે સ્હેજે સમજી શકાતું નથી.

કરોડો ડોલર અને અબજની લગોલગ પહોચવાની ગણતરીઓ છે એટલા બેફામ ખર્ચની ભીતરમાં રહેલા રાજકીય ભેદભરમ વિષે આ દેશના ગરીબે બિચારા તો શું જાણે !…

‘પોલિટિકલ સાયન્સ’ના અભ્યાસીઓનો એક મત એવો છે કે, પોતાને ન આવડે કે પોતાથી ન થઈ શકે એવું બીજાની પાસે કરાવી લેવું એમાં કાર્યદક્ષતા છે.

બીજો એક મત એવો છે કે, પારકાના ડહાપણે કાંઈ પણ કરવું કે ઉછીના કૌશલ્યે કાંઈપણ મેળવવું એ પોતાની જાતને સંબંધિત બાબતમાં દરિદ્ર અને ગરીબ રાખવા સમું જ ગણાય.

પારકાં અજવાળે નિજી અંધકારને કાયમી દેશવટો ન જ આપી શકાય ?

ટ્રમ્પના માધ્યમ દ્વારા, ખાસ કરીને તેમની ખુશામતખોરી કરીને આપણા નેતાઓએ જે કાંઈ મહત્વનું મેળવવા ધાર્યું હશે અને જે અઢળક નાણા લૂંટાવ્યા હશે તે ભારતની વર્તમાન બરબાદીને આબાદીમાં બદલી નહિ જ શકે !

અમેરિકા તમને જે તે કટોકટીમાં સહાયનો હાથ લંબાવી શકે, પણ તમને રામરાજય ન જ સર્જી આપી શકે…

સ્વર્ગ તૈયાર મળતું નથી, એને સર્જવું પડે છે અને તે આપણા સવા અબજ લોકોએ અને તેમના જ હાથ પગ વડે જ સર્જી શકાય… ‘રામરાજય’ની ભેટ ટ્રમ્પ પાસેથી મેળવવાની લાલચ ઠગારી જ નીવડવાની !…

‘ટ્રમ્પ’માં ભારતને ભામાશા ન જ સાંપડે…

આપણી જ માતૃભૂમિ દ્વારા ભામાશા અને મહારાણા પ્રતાપ સાંપડે…

સ્વામિવિવેકાનંદ દ્વારા આ દેશને સિસ્ટર નિવેદિતા સાંપડયા એ ભારતની હિન્દુસ્તાનની સદ્નશીબી હતી.

ટ્રમ્પ વિવેકાનંદની ગરજ સારી શકે, એવું ગાંડ પણ રખે કોઈ સેવે !

આપણા વડાપ્રધાન પરપ્રકાશિત નથી, સ્વયંપ્રકાશિત જ રહે એ આપણા દેશના હિતમાં છે. ટ્રમ્પ દ્વારા ભારત માટે પ્રકાશ પ્રાપ્ત કરવાનો અને પોતાની લોકપ્રિયતાને ટકાવી રાખવાનો જો એમનો ખ્યાલ હશે તો તે ભ્રામક જ નીવડશે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ટ્રમ્પ તરફી અને ટ્રમ્પ વિરોધી રાષ્ટ્રો હોવાના જ ખુદ અમેરિકામાં પણ આવું હોઈ શકે…

આરએસએસના વડા માટે નવી ચૂંટણી જીતાડી આપે એવા વ્યૂહબાજો શોધવામાં ટ્રમ્પ કોઈ રીતે કામ નહિ આવે, એવી આગાહી ભૂતકાળની ઘટનાઓ ઉપરથી થઈ શકે છે.

ભામાશાઓ અને મહારાણાઓ ખુશામતખોરીથી અને બેફામ તૃષ્ટિકરણથી નથી મળતા વેદિક સંસ્કૃતિ અને હાડોહાડ ભારતીયતા તેમજ હિન્દુએકાત્મતાને સજીવન કરવાથી જ સાંપડી શકે એ ન ભૂલીએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.