આજકાલ સોશિયલ નેટવર્કિગ સાઇટ્સનો ઉપયોગ વધ્યો છે. જેના દ્વારા લોકો એકબીજાથી વધુ નજીક પણ આવ્યા છે તો બીજી બાજુ એમ પણ કહી શકાય કે લોકો એકબીજાને પસંદ કરતા પણ થયા છે. તેવા સમયે યુવા પેઢી હોય કે પીઢ લોકો એકબીજાને આ રીતે મળ્યા બાદ સંબંધને વધુ મજબૂત બનાવવા માત્ર સ્ક્રિન પર મળવાની બદલે રુબરુ મુલાકાત કરવાની પણ ઇચ્છા દર્શાવે છે.
જેના પગલે છેલ્લાં કેટલાંક સમયથી બ્લાઇન્ડ ડેટનો ક્રેઝ ખૂબ જ વધ્યો છે અને જેના માટે એક રોમાંચ પણ રહેલો હોય છે. જ્યારે તમે કોઇ વ્યક્તિને મળવા જાવ છો જેને પહેલાં તમે ક્યારેય જોઇ નથી બસ તેનો એક ફોટો તમારી કલ્પનામાં છે, અને તેને મળવાનાં વિચારથી જ તમે રોમાચિંત થઇ ઉઠો એ સ્વાભાવિક બાબત છે. એવામાં ક્યારેક તમને તમારી આશા કરતાં કંઇક વધારે જ મળી રહે છે તો ક્યારેક એ બાબતે નિરાશા જ હાથમાં આવે છે. પરંતુ બને સંજોગોમાં તમારી આ બ્લાઇન્ડ ડેટ સફળ રહે તે બાબત મહત્વની છે. તો બ્લાઇન્ડ ડેટ પર જતા સમયે કંઇ કંઇ બાબતની તકેદારી રાખવી જોઇએ તે જાણવું પણ જરુરી છે.
જ્યારે તમે કોઇ વ્યક્તિને પહેલીવાર મળવા જાઓ છો ત્યારે આ સાવધાનીઓ રાખવી આવશ્યક બને છે જેમાં તમે જે જગ્યાની પસંદગી કરો છો તે એવી જગ્યા હોવી જોઇએ જ્યાં માણસોની અવર-જવર હોવી જોઇએ. જે તમારી સુરક્ષા માટે જરુરી છે. આ ઉપરાંત તમે તમારા મિત્રને સાથે લઇ જઇ શકો છો અને બાદમાં અનુકૂળતા અનુસાર કોઇ બહાના હેઠળ તમે તેને બહાર મોકલી શકો છો. અન્ય બાબતોમાં તમારા વસ્ત્ર પરિધાન અભદ્ર ન હોવા જોઇએ. સિમ્પલ અને સોબર હોવા જોઇએ તેમજ અતિ મેકઅપ પણ ન કરવો જોઇએ. નેચરલ લુક રાખવો જોઇએ. જ્યારે બ્લાઇન્ડ ડેટની પહેલી મીટીંગમાં સાથીથી વધુ નજીક થવાની કોશિક તમારા વિશેના નકારાત્મક પ્રતિભાવ પણ આપી શકે છે. તો આ મહત્વની બાબતોનું ધ્યાન રાખી તમારી બ્લાઇન્ડ ડેટને સફળ બનાવો.