આરટીઓ દ્વારા દંડ વસુલ કર્યાની બોગસ રસીદ બનાવી સરકાર સાથે લાખોની છેતરપિંડી કર્યાનું ખુલ્યું: એસઓજીને મળી સફળતા
કમ્પ્યુટરની મદદથી દંડની બોગસ રસીદ બનાવી આરટીઓ અધિકારીના સહી અને સિક્કા લગાવી વાહન છોડાવી આપ્યાની કબુલાત
રાજકોટ આરટીઓમાં તાજેતરમાં જ સ્કૂલના બોગસ લિવીંગ ર્સ્ટીફિકેટના આધારે ડ્રાઇવીંગ લાયસન્સ કઢાવી આપવાના કૌભાંડના પર્દાફાર્સ થયા બાદ એસઓજી સ્ટાફે ડીટેઇન વાહન છોડાવવાના ભેજાબાજ શખ્સોએ બોગસ રસીદની મદદથી આચરેલા કૌભાંડનો પર્દાફાસ કર્યો છે. દંડ વસુલ કર્યાની ક્મ્પ્યુટરની મદદથી બોગસ રસીદ બનાવી તેમા આરટીઓ અધિકારીની સહિ અને સિકકા લગાવી દંડની રકમ બારોબાર ચાઉ કરી જવાના કૌભાંડમાં સંડોવાયેલા છ શખ્સોને ઝડપી કૌભાંડના મુળ સુધી પહોચવા તમામને રિમાન્ડ પર લેવા તજવીજ હાથધરી છે.
કોઠારિયા રીંગ રોડ મુરલીધર વે બ્રીજ પાસે રામપાર્કમાં રહેતા હાર્દિક ભાવસિંહ જાદવ, આજી ડેમ ચોકડી પાસે માનસરોવર પાર્કના મનિષ ઉર્ફે સાગર ઘનશ્યામ મહેતા, હસનવાડી ત્રિશુલ ચોકના યશરાજ શિવરાજ માંજરીયા, મણીનગરના જય કમલેશ સિંધવા, ગાયત્રીનગરના જયરાજ જયલેશ ગેડીયા અને આરટીઓ પાછળ આવેલી શિવમ સોસાયટીના સુરેશ ઘેલા કાટોડીયાની એસઓજી પી.આઇ. આર.વાય.રાવલ, પી.એસ.આઇ. બી.કે.ખાચર, હેડ કોન્સ્ટેબલ મનરૂપગીરી ગૌસ્વામી, મોહિતસિંહ જાડેજા, નરેન્દ્રભાઇ ગડવી, ધર્મેન્દ્રસિંહ રાણા, કૃષ્ણસિંહ જાડેજા, અનિલસિંહ ગોહિલ અને ગીરીરાજસિંહ ઝાલા સહિતના સ્ટાફે ધરપકડ કરી છે.
રામપાર્કના હાર્દિક ભાવસિંહ જાદવ અને માનસરોવર પાર્કના મનિષ ઉર્ફે સાગર ઘનશ્યામ મહેતા નામના શખ્સો પોલીસ દ્વારા ડીટેઇન કરાયેલા વાહનનો આરટીઓમાં સેટીંગ કરી દંડની રકમ અડધી કરાવી આપતા હોવાની મળેલી માહિતીના આધારે એસઓજી ટીમ દ્વારા છાનભીન શરૂ કરવામાં આવી હતી તે દરમિયાન બંને શખ્સો આરટીઓ દ્વારા વસુલ કરાયેલા દંડની પહોચ જેવી પહોચ કમ્પ્યુટરની મદદથી તૈયાર કરતા હોવાની તેમજ વાહન મુકત કરવાનું ફોરવર્ડીંગ લેટર અને તેના પર આરટીઓ અધિકારીની બોગસ સહી કરી સિક્કો લગાવી આપતા હોવાની ચોકાવનારી વિગતો સામે આવતા બંને શખ્સોની ધરપકડ કરી તેની પાસેથી લેપટોપ, પ્રિન્ટર, ચાર મોબાઇલ અને આરટીઓ અધિકારીઓના સિક્કા કબ્જે કર્યા હતા.
બંને શખ્સોની પૂછપરછ કરતા તેઓ આરટીઓ ખાતે પહોચી જતા અને ડીટેઇન કરાયેલા વાહનનો દંડ ભરવા આવતા વાહન ચાલકને સેટીંગ કરાવી દેવાનું કહી મેમો તેની પાસેથી મેળવી તેને દંડ વસુલ કર્યાની સહી-સિક્કા સાથેની રસીદ, અને ફોરવર્ડીંગ લેટર બોગસ તૈયાર કરી રૂા.૫ હજારનો દંડ હોય તેની પાસેથી રૂા.૨૫૦૦ મેળવી કૌભાંડ આચરતા હોવાની કબુલાત આપી હતી. તેમજ તેની સાથે યશરાજ માંજરીયા, જય સિંધવા, જયરાજ ગેડીયા અને સુરેશ કાટોડીયા નામના શખ્સો સંડોવાયા હોવાની તેમજ બોગસ રસીદ હસનવાડી અને મણીનગરમાં તૈયાર કરવામાં આવતી હોવાની કબુલાત આપતા એસઓજી સ્ટાફે ચારેય શખ્સોને ઝડપી પૂછપરછ કરતા તેઓ છેલ્લા એકાદ વર્ષની બોગસ રસીદ છાપી સરકાર દ્વારા વસુલ કરવાનો દંડ પોતે બારોબાર વસુલ કરી બોગસ રસીદ પકડાવી દેતા હોવાની ચોકાવનારી વિગતો બહાર આવી છે. સરકારનો દંડ બારોબાર ચાઉ કરી જવાના કૌભાંડમાં વધુ શખ્સોની સંડોવણી હોવાની શંકા સાથે પૂછપરછ હાથધરી છે. દંડ બારોબાર વસુલ કરવા માટે રસીદ કંઇ રીતે તૈયાર કરી અને આરટીઓ અધિકારીનો સિક્કો કયાં બનાવ્યો તે અંગેની પૂછપરછ માટે રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.