ઇન્ડિયા ઇન્ડસ્ટ્રીયલ લેન્ડ બેંક પોર્ટલમાં વર્ષના અંત સુધીમાં દેશભરની માહિતી એકત્ર થઈ જશે : કેન્દ્રની જાહેરાત

અબતક, નવી દિલ્હી : ઉદ્યોગો સ્થાપવા પ્રથમ તો જમીનનો પ્રશ્ન સર્જાય છે. ક્યાં વિસ્તારમાં ઔદ્યોગિક જમીન ઉપલબ્ધ છે અને તે જમીનથી ટ્રાન્સપોર્ટેશન, કાચા માલની ઉપલબ્ધી સહિતના પાસાઓ જોવા પડે છે. ત્યારે હવે ભારતના ગમે તે ખૂણે ઉદ્યોગો સ્થાપવા માટે જમીનની વિગતો ઘરે બેઠા મળી જાય તે માટે સરકારે ઇન્ડસ્ટ્રીયલ લેન્ડ બેંકની સ્થાપના કરી છે. જેમાં વર્ષના અંત સુધીમાં દેશભરની માહિતી એકત્ર થઈ જશે તેવું સરકારે એલાન કર્યું છે.

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે આઈઆઈએલબીની વિગતોવાળી વેબસાઇટમાં એપ્રિલ મહિનાથી દર મહિને પેજ વ્યૂઝમાં 30% નો વધારો જોવા મળ્યો છે. મેં 2021માં 44136, એપ્રિલ 2021માં 30,153 વ્યુ મળ્યા હતા. જ્યારે જુનમાં 55,000 વ્યુ મેળવ્યા હતા. આઈઆઈએલબી એ જીઆઈએસ-આધારિત પોર્ટલ છે જેમાં કનેક્ટિવિટી, ઇન્ફ્રા, પ્રાકૃતિક સંસાધનો અને ભૂપ્રદેશ, ખાલી પ્લોટ પર પ્લોટ-સ્તરની માહિતી, પ્રવૃત્તિની લાઇન અને સંપર્કની વિગતો જેવી બધી ઔદ્યોગિક માળખાગત માહિતી ઉપલબ્ધ છે.  ઉદ્યોગ સંગઠનો, સિંગાપોર ભારતીય હાઈ કમિશન, કોરિયાના ભારતીય દૂતાવાસી, કોટ્રા અને મલેશિયા અને કોરિયન રોકાણકારો સમક્ષ આઈઆઈએલબી પોર્ટલનું પ્રદર્શન અને મોબાઇલ એપ્લિકેશન આપવામાં આવી હતી.

પોર્ટલ હાલ કાર્યરત, હજુ અનેકવિધ સુવિધાઓ વધારાશે

આઈઆઈએલબી મોબાઇલ એપ્લિકેશન એન્ડ્રોઇડ અને આઈઓએસ  સ્ટોર્સ પર લોંચ કરવામાં આવ્યું હતું.  મંત્રાલયે કહ્યું કે જેમાં વધારાની સુવિધાઓ ટૂંક સમયમાં રજૂ કરવામાં આવશે.ભારતમાં વધુ રોકાણ આકર્ષિત કરવા અને વ્યવસાય કરવામાં સરળતા વધારવા માટે 2020-21ના બજેટમાં પૂર્વ-રોકાણ સલાહકાર અને જમીન બેન્કો સંબંધિત મંજૂરીઓ આપવામાં આવી હતી.

હવે હાઇવેને લગોલગ સ્માર્ટ સિટી, ટાઉનશિપ અને ઇન્ડસ્ટ્રીયલ ક્લસ્ટર સ્થપાશે

રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયના આ વિશેષ પ્રોજેકટ માટે કેબિનેટમાંથી લેવાશે મંજૂરી

રાષ્ટ્રીય રાજમાર્ગોને કિનારે સ્માર્ટ સિટી, ટાઉનશિપ, લોજીસ્ટિક પાર્ક અને ઇન્ડસ્ટ્રીયલ ક્લસ્ટર સ્થાપવા માટે રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય કેબિનેટની મંજૂરી માંગશે. આ મામલે કેબિનેટ નોટ પણ તૈયાર થઈ ગઈ છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આ માહિતી જાહેર કરી છે.

ગડકરીએ કહ્યું કે  તેમનો હેતુ વર્લ્ડ ક્લાસ હાઇવે નેટવર્ક બનાવવાનો છે અને માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે ઇન્ફ્રા કેપિટલ જનરેશન માટે હાલના હાઈવે પ્રોજેક્ટ્સ પર દેખરેખ રાખવાની યોજના બનાવી છે. હાઇવેની એકતરફ ટાઉનશીપ્સ, સ્માર્ટ સિટીઝ, લોજિસ્ટિક પાર્ક્સ, ઇન્ડસ્ટ્રીયલ ક્લસ્ટરો બનાવવા માટે કેબિનેટ નોટ પણ તૈયાર કરી છે.

ગડકરીએ ઉમેર્યું હતું કે અમે 400 રોડની એકતરફ સુવિધાઓ ઉભી કરી રહ્યા છીએ.તેમનું મંત્રાલય રૂ. 2.5  લાખ કરોડની ટનલ બનાવવાની યોજના પણ તૈયાર કરી રહ્યું છે. તેમણે કહ્યું કે, સી.એન.જી., એલ.એન.જી. અને ઇથેનોલનો ઉપયોગ માર્ગ સાધનોની મશીનરી માટે કરવો જોઇએ. વધુમાં મંત્રીએ આયાત અવેજી, ખર્ચ અસરકારક, પ્રદૂષણ મુક્ત અને સ્વદેશી પદ્ધતિઓ અને વૈકલ્પિક બળતણના વિકાસ પર ભાર મૂક્યો હતો.

ગડકરીએ જણાવ્યું હતું કે આશરે 63 લાખ કિલોમીટરના રોડ નેટવર્ક સાથે ભારત વિશ્વનું બીજું સૌથી મોટું રોડ નેટવર્ક ધરાવે છે. સરકાર નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇ દ્વારા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં 1.4 ટ્રિલિયન ડોલર એટલે કે 111 લાખ કરોડનું રોકાણ કરી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.