રાજ્ય સરકારની વિકલાંગો માટેની સંત સુરદાસ યોજના હેઠળના લાભાર્થીઓને તા.૦૧/૦૮/૨૦૧૭થી ડી.બી.ટી. (ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફર) હેઠળ બેન્ક ખાતામાં સીધી સહાય ચૂકવવામાં આવે છે. જે માટે આ યોજના હેઠળ હાલ લાભ મેળવતા પરંતુ સહાય ન મળતી હોય તેવા વડોદરા જિલ્લાના તમામ લાભાર્થીઓના આધારની વિગતો, બેન્ક એકાઉન્ટની વિગતોનું સીડીંગ NSAP પોર્ટલથી કરવાનું છે.
લાભાર્થીઓએ તા.૦૫/૦૩/૨૦૧૮ સુધીમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, નર્મદા ભવન, પ્રથમ માળ, જેલ રોડ, વડોદરા-૩૯૦૦૦૧ ફોન નં. ૦૨૬૫-૨૪૨૮૦૪૮ ખાતે જરૂરી વિગતો કચેરી સમય દરમિયાન જાહેર રજાના દિવસો સિવાય જમા કરવા જણાવવામાં આવે છે. જે લાભાર્થીઓના બેંક/આધારની વિગતો મળશે તે લાભાર્થીઓને જ આ યોજના હેઠળ તેઓના બેન્ક ખાતામાં સહાય ચુકવી શકાશે. લાભાર્થીઓએ વિકલાંગતાના પ્રમાણપત્રની નકલ, આધારની વિગતો આ યોજના માટે ઉપયોગ કરવામાં આવશે તે બાબતનું બાંહેધરી પત્રક બેન્કની પાસબુકના પ્રથમ પાનાની IFSC કોડ સહિતની નકલ રજૂ કરવાની રહેશે.
IGNDPS અને સંત સુરદાસ યોજના અંતર્ગત લાભ મેળવવા માટે અરજદારની ઉંમર ૦ થી ૭૯ વર્ષની હોવી જોઇએ. ૮૦ ટકા કે તેથી વધારે વિકલાંગતા ધરાવતા વ્યક્તિઓ, વિકલાંગ વ્યક્તિનું નામ ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબની યાદીમાં સમાવિષ્ટ હોય તેનો દાખલો ગ્રામ્ય વિસ્તાર માટે ૦ થી ૨૦ સ્કોર, શહેરી વિસ્તાર માટે યુ.સી.ડી. ઓફિસ અથવા વોર્ડ ઓફિસ નગરપાલિકા બી.પી.એલ. યાદીનો દાખલો જરૂરી છે. યોજનામાં લાભ મેળવવા તેમજ વધુ માહિતી અર્થે ઉપરોક્ત કચેરીનો સંપર્ક કરવા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દ્વારા જણાવાયું છે.