જમીન વિવાદના કારણે કાકા-ભત્રીજા વચ્ચે ચાલતા વિવાદનો લોહીયાળ અંજામ
કોટડા સાંગાણી તાલુકાના દેતડીયા ગામે જમીનના વિવાદના અંગે કાકા-ભત્રીજા વચ્ચે ચાલતી અદાવતના કારણે દેતળીયાના સરપંચે રિવોલ્વર જેવા હથિયારમાંથી ફાયરિંગ કરી પોતાના કાકાની ખોપરીમાં ત્રણ ગોળી ધરબી કરપીણ હત્યા કર્યાનું પોલીસમાં નોંધાતા સનસનાટી મચી ગઇ છે. દેતળીયાના સરપંચની હત્યાના ગુનામાં પોલીસે ધરપકડ કરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ દેતળીયા ગામના સરપંચ વિજયભાઇ દડુભાઇ વાળાએ પોતાના કુટુંબી કાકા ભરતભાઇ બીસુભાઇ વાળાના માથા અને છાતીમાં ત્રણ રાઉન્ડ ગોળીબાર કરી હત્યા કર્યાની કોટડા સાંગાણી પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
વિજયભાઇ વાળા અને તેમના કાકા ભરતભાઇ વાળા વચ્ચે ખેતીની જમીન અંગે અદાવત ચાલતી હોવાથી સવારે નવ વાગે ભરતભાઇ વાળા પોતાના બાઇક પર ઇશ્ર્વરીયા-સાણથલી માર્ગ પર જઇ રહ્યા હતા ત્યારે વિજયભાઇ વાળા પોતાનો સ્કોર્પીયો કાર લઇને તેનો પીછો કરી રસ્તામાં આંતરી પરવાનાવાળી રિવોલ્વરથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરતા ભરતભાઇ વાળાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજ્યું છે.
દેતડીયા ગામના સરપંચ વિજયભાઇ વાળા છ વર્ષ પહેલાં ભરતભાઇ વાળાના વડીલો પાસેથી ૩૨ વિઘા ખેતીની જમીન ખરીદ કરી હતી ત્યારેથી તેના હિસાબ બાબતે બંને કાકા-ભત્રીજા વચ્ચે વિવાદ ચલતો હતો. કાકા-ભત્રીજા વચ્ચે ચાલતા ઝઘડા અંગે પરિવારજનો દ્વારા સમાધાનના પ્રયાસ કરવામાં આવ્યા હતા જેમાં સફળ ન થતા હત્યા કરી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
ભરતભાઇ વાળા કામ અર્થે બાઇક પર જતા હતા ત્યારે તેમની હત્યા કરવાના ઇરાદાથી વિજયભાઇ વાળાએ સ્કોર્પીયોમાં પીછો કરી રિવોલ્વરમાંથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી હત્યા કર્યાની ઘટનાની પોલીસને જાણ થતા એસઓજી પી.આઇ. એ.આર.ગોહિલ અને કોટડા સાંગાણી પીએસઆઇ ચૌહાણ તેમજ ઇલાબેન સહિતના સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા ભરતભાઇ વાળાનો મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવા માટે રાજકોટ મેડિકલ કોલેજમાં મોકલ્યો છે. અને દેતડીયાના સરપંચ વિજયભાઇ દડુભાઇ વાળાની હત્યાના ગુનામાં ધરપકડ કરી છે.