અઠવાડિયામાં ૮૦ ઇંચ વરસાદ
૧ કરોડ લોકો અસરગ્રસ્ત
લોકોએ રેતીની ગુણો અને પાટીયા મારી મકાનોને સીલ કર્યા: લાખો લોકો ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યા છે
અમેરિકાના કેરોલિના અને જયોર્જિયા તરફ હરિકેન ફલોરેન્સ આજે અમેરિકા પર ત્રાટકશે. જર્યોજિયા અને વર્જિનિયામાં પહેલાથી જ ૨૦ ઈંચ વરસાદ પડી ચુકયો છે ત્યારે અઠવાડીયામાં અમેરિકામાં ૪૦ ઈંચ વરસાદ વધુ ખાબકયાથી કેરળ જેવી સ્થિતિ સર્જાશે.
વિનાશક ફલોન્સને કારણે એક કરોડ લોકો અસરગ્રસ્ત થઈ શકે છે. જોકે રાહતની વાત છે કે વાવાઝોડાની તીવ્રતામાં ઘટાડો આવ્યો છે તેને ફોરમાંથી ટુ કેટેગરીમાં મુકવામાં આવ્યું છે પરંતુ પ્રતિ કલાક ૧૩૦ માઈલની ઝડપે પવન ફુંકાતા ભારે વરસાદની શકયતાઓ વધી છે.
નોર્થ કેરોલિનામાં ૪૦ ઈંચ જેટલો વરસાદ પડી શકે છે તેથી લોકોને સલામત સ્થળે ખસેડી જવાની ચેતવણી આપવાની સાથે સુચના અપાઈ છે કે વાવાઝોડુ આવતા પહેલા સલામત સ્થળોએ પહોંચી જવું, પછી કોઈ બચાવવા આવી શકશે કે નહીં તે કહી શકાય તેમ નથી.
કારણકે બચાવ ટુકડી પણ ભયંકર વાવાઝોડામાં ટકી શકે તેમ નથી. વાવાઝોડુ ત્રાટકતા પ્રતિ કલાક ૧૩૦ માઈલની ઝડપે પવન ફુંકાવા સાથે ચાર ફુટ વરસાદ થવાની સંભાવના છે. દરિયામાં ૧૩ ફુટ ઉંચા મોજા ઉછળી શકે છે ત્યારે આ વાવાઝોડામાં ૧૭૦ અબજ ડોલરના નુકસાન થવાની સંભાવના છે. છેલ્લા પાંચ દિવસથી શાળા-કોલેજો ઉપરાંત ફલાઈટો પણ બંધ રાખવામાં આવી છે.
નેશનલ હરિકેન સેન્ટરના ડાયરેકટર કેન ગ્રાહમે જણાવ્યું હતું કે, ફલોરેન્સ વિશાળ પરંતુ ધીમુ બન્યું છે પણ દરિયાઈ વિસ્તાર અને શહેરોમાં ભય યથાવત છે તો હરિકેનની દહેશત સાથે તંત્ર પણ જાગૃત બન્યું છે તો નેવી, આર્મી અને સેનાઓ તેના શસ્ત્રો, હથિયારો સુરક્ષિત સ્થળોએ પહોંચાડી રહ્યા છે.
પ્રતિ કલાકે ૧૩૦ માઈલની ઝડપે પવન ફુંકાવાની સાથે વિનાશ વેરશે. કરોલિના અને જયોર્જિયા વાવાઝોડાની ઝપટમાં આવશે. ટાયસનના પંચ જેવું શકિતશાળી ફલોરેન્સ વાવાઝોડુ આગળ વધી રહ્યું છે તેવામાં કેરોલિના, જયોર્જિયા, મેરિલેન્ડ અને વર્જિનિયા જેવા રાજયોમાં કટોકટી જાહેર કરવામાં આવી છે.
આ વાવાઝોડુ ૧૭૦ અબજ ડોલરનું નુકસાન કરી શકે છે ત્યારે દક્ષિણ અને ઉતર કરોલિનામાં આવેલ છ જેટલા પરમાણુ મથકો પરથી ફલોરેન્સ ફરી વળે તેવી શકયતાઓએ જોર પકડયું છે. દરિયાકિનારાના મકાનોને બચાવવા લોકોએ લાકડાના પાટીયાથી સીલ કરીને તેને સુરક્ષિત કરી રહ્યા છે.
તો મોટા સ્ટોરના પ્રવેશ પર લોકો રેતીની ગુણો ગોઠવી રહ્યાં છે. લોકો પોતપોતાની સુજ મુજબ સુરક્ષા માટેની સતત મહેનત કરી રહ્યા છે ત્યારે નૌકાઓએ પણ વહાણો દરિયામાંથી બહાર કાઢી લીધી છે. જોકે ભારે વાવાઝોડાથી દરિયામાં મોજા ગાંડાતુર થઈ નજીકના વિસ્તારોનું મોટાભાગે ધોવાણ કરે તેવી શકયતાઓ છે ત્યારે લોકો સતત જીવ બચાવવાના પ્રયાસો અને પ્રાર્થના કરી રહ્યા છે.