અમેરિકાનાં ભરોસે રહેવું યુક્રેનને ભારે પડ્યું : યુક્રેન અંતના સમયે દુ:ખનો સાથી શોધવા નીકળ્યું, રાષ્ટ્રપતિએ વિશ્વ સમક્ષ મદદ માંગી
રશિયાનું અક્કડ વલણ અને યુક્રેનની હઠના પરિણામે યુદ્ધ છેડાઈ ચૂક્યુ છે, ત્યારે હવે રશિયાએ પણ પોતાના મક્કમ ઇરાદા પાર પાડવા વધુ આક્રમક બનીને યુક્રેનને ધમરોળવાનું ચાલુ કરી દીધું છે. બીજી તરફ યુક્રેન માટે મદદની જે આશા હતી તેમાં નાટો અને અમેરિકા બન્નેએ તેને છેલ્લી ઘડીએ સાથ આપવાની પ્રતિબધ્ધતામાં પાછી પાની કરીને યુક્રેનને યુદ્ધના “ધગધગતા” દાવાનળ તરફ ધકેલી દીધું છે.રશિયાના મક્કમ પગલાં એ અમેરિકા અને યુરોપ સહિતના દેશોની ગણતરી ઊંધી કરી દીધી છે , યુક્રેન સાથે જો કોઈ દેશ યુદ્ધમાં જોડાશે તો તેની સામે પણ સૈન્ય કાર્યવાહીની રશિયાએ ધમકી દીધી છે. યુક્રેન સામે રશિયાએ ભૂમિ વાયુ અને નૌ સેનાની પૂરેપૂરી શક્તિ કામે લગાડી દીધી છે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધની પરિસ્થિતિ અગાઉના સંજોગોની તુલનામાં અત્યારે સંપૂર્ણપણે બદલાઇ ચૂક્યા છે. હવે યુક્રેન માટે રશિયાના પ્રતિકાર સિવાય છૂટકો નથી.
બીજી તરફ હેસિયતની રીતે જોઈએ તો રશીયા સામે યુક્રેન કોઈ વિસાતમાં નથી, માટે યુદ્ધ આગળ ટકાવી રાખવા માટે નાટો અને અમેરિકાના સહકારની ખાસ આવશ્યકતા હતી, હવે પ્રથમ તબક્કામાં આ બંને સાથીઓ એ મદદ માટેની જરુરીયાતો સામે હાથ અધ્ધર કરી દીધા છે.ત્યારે યુક્રેનને હવે જો બચવું હોય અને પોતાના નાગરિકો સેનિકોની જાનમાલની ખુવારીનો સંહાર થતું અટકાવવું હોય તો “આજ કરે સો અબ” ની રીતે રશિયા સામે શસ્ત્રો હેઠા મૂકી દેવા સિવાય બીજો કોઈ રસ્તો રહ્યો નથી.
યુક્રેન માટે પોતાના દેશને, દેશવાસીઓને બચાવવા માટે યુધવિરામ સિવાય બીજો કોઈ વિકલ્પ અત્યારે દેખાતો નથી. શાણપણ એમાં જ ગણાય કે યુદ્ધમાં જેમ બને તેમ ઓછું નુકસાન જાય, આ નિયમ અત્યારે યુક્રેનના સત્તાવાળાઓએ જેમ બને તેમ જલ્દી સમજી લેવાની જરૂર દેખાય છે.]