ગુજરાતમાં સોમવારે રાત્રે ઉનાથી પ્રવેશેલા તૌકતે વાવાઝોડાએ ભારે નુકસાન પહોંચાડ્યું છે. વાવાઝોડાની સાથે ભારે વરસાદ પણ પડ્યો, જેના કારણે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે. વાવાઝોડાને લીધે રાજ્યમાં 45 લોકોના મોત થયાની માહિતી મળી છે. ઉપરાંત સંખ્યાબંધ ઘરો અને ઝાડ જમીનદોસ્ત થઈ ગયા છે. ઘણા વીજપોલ પણ ધરાશાયી થઈ ગયા છે. તૌકતે વાવાઝોડું ગુજરાતમાંથી રાજસ્થાન તરફ આગળ વધ્યું છે.

Screenshot 3 14

વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે, આજથી રાજ્ય સરકારના સંબંધિત વિભાગો અસરગ્રસ્ત જિલ્લાઓમાં નુકસાનીના વિગતવાર સર્વેક્ષણની કામગીરી શરૂ કરશે. પ્રાથમિક તબક્કે મકાનો, ખેતીવાડી, પશુપાલન અને મત્સ્યોધોગને જે નુકસાન થયું છે તેનું સર્વેક્ષણ હાથ ધરાશે. જે જિલ્લાઓમાં વિશેષ નુકસાન થયું છે ત્યાં પડોશી જિલ્લાઓના અધિકારીઓને પણ સર્વેક્ષણની કામગીરીમાં સામેલ કરાશે, જેથી આ કામગીરી ઝડપથી થઇ શકે. તેમણે કહ્યું કે, યોગ્ય તમામ વ્યક્તિઓને સરકારી ધારાધોરણ મુજબ કેશડોલ્સ, ઘરવખરી સહાય અને અન્ય આર્થિક સહાય તાત્કાલિક ચુકવવાની કામગીરી હાથ ધરાશે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે, ગુજરાતની એક પણ કોવિડ હોસ્પિટલોમાં દર્દીઓને કોઈ જ તકલીફ પડી નથી. ગુજરાતમાં કુલ 425 કોવિડ હોસ્પિટલ પૈકી 122 કોવિડ હોસ્પિટલ વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોમાં હતી. તેમાંથી 83 હોસ્પિટલોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો, આમ છતાં તમામ હોસ્પિટલોમાં જનરેટર સેટ અને ડીઝલની આગોતરી વ્યવસ્થા હોવાને કારણે એક પળ માટે પણ વીજ  પુરવઠામાં અવરોધ સર્જાયો ન હતો.

Screenshot 5 14

વાવાઝોડાને કારણે ઝાડ પડવાના અને વીજળીના થાંભલા પડી જવાના બનાવો વધુ બન્યા છે, પરિણામે ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. રાજ્યના 5951 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો અને મંગળવારે સાંજ સુધીમાં તે પૈકીના 2,101 ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત્ ચાલુ થઇ ગયો છે. વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોમાં કોમ્યુનિકેશન પૂર્વવત્ થઈ જાય તે માટે મોબાઈલ કંપનીઓ સાથે તાકીદે બેઠક કરીને મોબાઇલ ટાવર્સ અને તમામ જરૂરી ઇન્ફ્રાસ્ટ્રકચર આવતીકાલે સાંજ સુધીમાં પૂર્વવત્ થઈ જાય તેવા પ્રયત્નો કરવા સૂચનાઓ આપવામાં આવી છે.

વાવાઝોડાને કારણે વીજળીના થાંભલા પડવાના અને સબ સ્ટેશનમાં પાણી ભરાવાના બનાવો બન્યા છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વિગતો આપતાં કહ્યું હતું કે, 220  કેવીના પાંચ વીજ સબસ્ટેશન અને 66 કેવીના 165 સબ સ્ટેશનને  અસર થઇ હતી. રાજ્ય સરકારની વીજ કંપનીઓએ 950 જેટલી ટુકડીઓને કામે લગાડી છે અને આવતીકાલ રાત સુધીમાં સમગ્ર રાજ્યમાં વીજ પુરવઠો પૂર્વવત્ થઈ જાય તે પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં 69,429 વીજ થાંભલાઓ વાવાઝોડાને કારણે તૂટી ગયા છે, પરંતુ 81 હજાર જેટલા વીજ થાંભલા સંબંધિત વિભાગ પાસે ઉપલબ્ધ છે એટલે તમામ થાંભલાઓના રિપ્લેસમેન્ટની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.

માર્ગ વ્યવહાર વિશે વિગતો આપતાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે, વૃક્ષ પડવાથી ગુજરાતના 674 રસ્તાઓ કામચલાઉ ધોરણે બંધ હતા, તે પૈકીના 562 રસ્તાઓ પર માર્ગ વ્યવહાર રાબેતા મુજબ થઇ ગયો છે. 112 રસ્તાઓના રીપેરીંગ અને સાફ-સફાઈના કામો યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, વાવાઝોડાને પગલે પડેલા ભારે વરસાદના કારણે અમરેલી-રાજુલાનો ધાતરવડી ડેમ-2 ઓવરફ્લો થયો છે અને હિંડોરણા ધાતરવડી નદીમાં ઘોડાપુર આવ્યું છે. ડેમ ઓવરફ્લો થવાા કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે.

Screenshot 4 13

તાઉ તે વાવાઝોડાએ ભાવનગર જિલ્લાને ઘમરોળ્યુ હતુ, જેના પગલે લોકોને ખુબ જ નુકશાન થયુ છે તેથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. તાઉ તે વાવાઝોડાના પગલે વરસાદ સાથે 140 કિલોમીટરથી વધુની ઝડપે પવન ફુંકાયો હતો, જેના પગલે અનેક મકાનો અને વૃક્ષો ધરાશાઈ થયા હતાં. કેટલાક લોકોના મૃત્યુ થયા હતા અને કેટલાક પશુના મૃત્યુ થતા અરેરાટી મચી જવા પામેલ છે. અનેક ગામોમાં વીજળીનો પુરવઠો ખોરવાય ગયો હતો અને વીજ થાંભલા પડી ગયા હતાં. કેરી સહિતના ઉનાળુ પાકને ખુબ જ નુકશાન થયુ હોવાનુ જાણવા મળેલ છે. ગઈકાલ સોમવારે રાત્રીના સમયે વાવાઝોડાની અસર શરૂ થઈ ગઈ હતી અને રાત્રીના સમયે ભાવનગર જિલ્લાના મહુવા સહિતના વિસ્તારમાં વાવાઝોડુ ત્રાટકયુ હતું. આજે આખો દિવસ જિલ્લામાં ખુબ જ વરસાદ પડયો હતો અને પુરઝડપે પવન ફુંકાયો હતો તેથી લોકોની સ્થિતી કફોડી થઈ હતી. વાવાઝોડાના પગલે સરકારી તંત્રની દોડધામ વધી ગઈ હતી.

વાવાઝોડા દરમ્યાન ભારે પવન ફુંકાતા જિલ્લામાં 6 લોકોના મૃત્યુ થયા છે.જ્યારે 09 પશુઓના મૃત્યુ નોંધાયા છે. વાવાઝોડા દરમ્યાન જિલ્લાના 733 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. જે પૈકી 54 ગામોમાં વીજ પુરવઠો પુન: શરૂ કરી દેવામાં આવ્યો છે.શિહોરમાં યુદ્ધના ધોરણે ઓકસીજન પ્લાન્ટમાં વીજ પુરવઠો શરૂ કરી દેવામાં આવ્યો હતો. વાવાઝોડાથી જિલ્લાના 147 માર્ગો બંધ થયા હતા. જે પૈકી 103 માર્ગોને પુન: શરૂ કરી દેવામાં આવ્યા છે. ભાવનગર જિલ્લામાં 8638 ઝૂંપડા,કાચા મકાન અને 725 પાકા મકાનોને નુકશાન થયું છે.જ્યારે ત્રણ સરકારી મકાનોને નુકશાન થયું છે. જિલ્લામાં વાવાઝોડાના કારણે 5220 વૃક્ષો ધરાશયી થયા હતા. જિલ્લાના મુખ્ય માર્ગો પરના વૃક્ષો દૂર કરવામાં આવ્યા છે.જિલ્લામાં 1950 વીજ થાંભલાઓને નુકશાન થયું છે. જિલ્લાની તમામ 61 કોવિડ હોસ્પિટલોમાં વીજ પુરવઠો યથાવત છે. ભાવનગર જિલ્લાના બાકી ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરવા માટે વીજ કંપનીના અધિકારો દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. ભાવનગર જિલ્લામાં ખેતી અને બાગાયતી પાકોને થયેલ નુકશાનની સર્વે કામગીરી શરૂ કરવામાં આવી છે.

Screenshot 2 16

ઉલ્લેખનીય છે કે ચક્રવાત તાઉ તેની ઘેરી અસર પરિવહન સેવાઓ પર પડી હતી. એસ.ટી. નિગમે સૌરાષ્ટ્રના સાગરકાંઠાના વિસ્તારોમાં દોડતી બસો સહિત કુલ 400 એસ.ટી. બસોના રૂટ સ્થગિત કરી દીધા હતા.રેલ-વેના રાજકોટ ડિવિઝનને સ્પર્શતી એકંદરે 34 ટ્રેનો રદ્ કરવામાં આવી હતી.જેમાં મુંબઈ સેન્ટ્રલ ઓખા, સોમનાથ – જબલપુર – સોમનાથ, રાજકોટ સિક્ધદ્રાબાદ – રાજકોટ, બિલાસપુર – હાપા વગેરે દોડી શકી ન્હોતી. આવતીકાલ – મંગળવારે સોમનાથ – જબલપુર ઓખા – મુંબઈ સેન્ટ્રલ, પોરબંદર – સિક્ધદ્રાબાદ, હાપા – માતા વૈષ્ણોદેવી, ભાવનગર – સુરેન્દ્રનગર, રાજકોટ – વેરાવળ ટ્રેનો નહીં. દોડાવાય. તા.19મીની ઓખા પુરી, જામનગર – વૈષ્ણો દેવી, સિક્ધદ્રાબાદ પોરબંદર અને ઓખા મુંબઈ સેન્ટ્રલ ટ્રેન રદ્ કરવામાં આવી હતી. આ સાથે રાજકોટ એરપોર્ટ પણ બંધ કરી દેવાયુ હતું.

ખેડૂતોને ત્રણ- ચાર પ્રકારનું નુકસાન થયું, તમામને સહાય ચૂકવાશે

રાજ્યમાં વાવાઝોડાથી ખેડૂતોને થયેલા નુકસાન અંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ખેડૂતોને ત્રણ-ચાર પ્રકારનું નુકસાન થયું છે. ઉનાળુ પાકને અસર થઈ છે. કેરી અને નાળિયેરના પાકને પણ અસર થઈ છે. કાચા મકાનો અને ઝુપડા ઉડી ગયા છે. જે પશુઓના મોત થયા તેના માલકને સહાયતા તથા ચોથુ કેશડોલ આપવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું કે, નુકસાનના સર્વેની કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવશે અને બધાને સહાય ચુકવવામાં આવશે. માછીમારોને થયેલા નુકસાનનો પણ સર્વે કરવામાં આવશે, તેમ પણ તેમણે જણાવ્યું હતું.

18 સિંહ ગુમ: વન વિભાગે શોધખોળ હાથ ધરી

વાવાઝોડાએ માત્ર મનુષ્યો પર જ નહીં પરંતુ વન્યપ્રાણી સૃષ્ટિને પણ નુકસાન પહોંચાડ્યું છે. અમરેલી, ગીર-સોમનાથ અને ભાવનગરના દરિયાકાંઠાના જિલ્લાઓમાંથી ઓછામાં ઓછા 18 સિંહ ગુમ થયા હોવાનું જાણવા મળ્યું છે, આ એ જિલ્લાઓ છે જ્યાં વાવાઝોડાની સૌથી વધારે અસર જોવા મળી હતી. વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે, અમરેલીના રાજુલા અને જાફરાબાદ તાલુકો, ગીર સોમનાથનો ઉના અને કોડિનાર તાલુકો તેમજ ભાવનગરના મહુવા તાલુકામાંથી 18 સિંહ ગુમ થયા છે. આ ત્રણ જિલ્લાઓ આશરે 40 જેટલા સિંહનું ઘર છે.જ્યાં એક તરફ ગુમ થયેલા પ્રાણીઓ અંગે આશંકા હતી, ત્યારે ઘણાએ આશા વ્યક્ત કરી હતી કે, અન્ય જંગલી પ્રાણીઓએ ઊંચાઈવાળા વિસ્તારોમાં આશરો લીધો હશે. હકીકતમાં, સૌરાષ્ટ્ર-જે દુનિયામાં એશિયાઈ સિંહો માટે એકમાત્ર નિવાસસ્થાન છે-તે વાવાઝોડાના કારણે ખરાબ રીતે પ્રભાવિત થયું હતું, વન વિભાગ તે તમામ 674 સિંહનો વિસ્તૃત સર્વે કરશે, જેમની ગણતરી છેલ્લે 2020માં પૂર્ણિમા અવલોકનમાં કરવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે, 674 સિંહમાંથી 340 જેટલા સિંહ ગીર અભ્યારણ્યની બહાર અને અમરેલી, ભાવનગર, પોરબંદર. ગીર સોમનાથ અને જુનાગઢ જેવા પાડોશી વિસ્તારોમાં રહે છે. નિષ્ણાતોનું કહેવું હતું કે, ભૂતકાળમાં પૂરથી બચવા માટે સિંહો પહાડ ચઢી ગયા હોય અથવા ઉંચી સુરક્ષિત જગ્યાએ ગયા હોય તેવું બન્યું હતું. ’2015માં અમરેલીમાં આવેલા પૂર દરમિયાન 20 સિંહ ગુમ થયા હતા. જેમાંથી 14 મૃત્યુ પામ્યા હતા જ્યારે બાકીના ટેકરીઓ પર બેઠેલા જોવા મળ્યા હતા’, તેમ વન વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.

રાજ્યમાં 40 હજાર વૃક્ષો ધરાશાયી: 16,500 કાચા મકાનો- ઝૂંપડાઓને નુકસાન

વાવાઝોડાના કારણે અંદાજે 40000 વૃક્ષો ધરાશાયી થયા છે. જ્યારે 16,500 જેટલા કાચા મકાનો-ઝૂંપડાને નુકસાન પહોંચ્યું છે. હજી પણ રાહત અને બચાવની કામગીરી ચાલુ છે. કુલ 19 જિલ્લાના 1127 સ્થળાંતર કરવા પાત્ર ગામોમાંથી 2,28,671 લોકોને 2500 આશ્રય સ્થળોમાં સ્થાળાંતરિત કરવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.