છાશવાલા બ્રાન્ડ મેંગો મઠ્ઠો અને ઉપહાર ખજૂરનો નમૂનો લેવાયો
કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા આજે હાથ ધરવામાં આવેલા ચેકીંગ દરમિયાન શહેરના રૈયા રોડ પર નોનવેજની બે દુકાનમાં વાસી અને અખાદ્ય એવા 9 કિલો સામગ્રીનો નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે છાશવાલા મેંગો મઠ્ઠો અને ઉપહાર સિલેક્ટેડ ખજૂરનો નમૂનો લેવામાં આવ્યો હતો. રૈયા રોડ પર સદ્ગુરૂ તીર્થધામ કોમ્પ્લેક્સમાં અરેબિયન સોરમામાં ચેકીંગ દરમિયાન વાસી સેઝવાન ચટ્ટણી અને ચીકન લોલીપોપ મળી કુલ ચાર કિલો ખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો હતો. હાઇજેનીંક ક્ધડીશન જાળવી રાખવા અને ફૂડ લાયસન્સ મેળવવા માટે નોટિસ આપવામાં આવી હતી.
આ ઉપરાંત મુંબઇ જાયકામાં ચેકીંગ અંતર્ગત વાસી ગ્રેવી, ચીકન લોલીપોપ અને સોસ મળી પાંચ કિલો અખાદ્ય ખોરાકનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો અને ફૂડ લાઇસન્સ મેળવી લેવા માટે નોટિસ ફટકારવામાં આવી હતી. અલીના પાન એન્ડ કોલ્ડ્રીંક્સને પણ નોટિસ આપવામાં આવી હતી. આજે ચેકીંગ દરમિયાન સાધુ વાસવાણી રોડ પર ઓસ્કાર પ્લાઝામાં આવેલી સહકાર એન્ટરપ્રાઇઝ (છાશવાલા)માંથી છાશવાલા બ્રાન્ડ મેંગો મઠ્ઠો અને શ્રીનાથજી પાર્કમાં ગોલ્ડન સુપર માર્કેટમાંથી ઉપહાર સિલેક્ટેડ ખજૂરનો નમૂનો લેવામાં આવ્યો હતો.
આજે વન વીક, વન રોડ ઝુંબેશ અંતર્ગત સાધુ વાસવાણી રોડ અને યુનિવર્સિટી રોડ પર ખાણીપીણીની 20 દુકાનોમાં ચેકીંગ હાથ ધરાયું હતું. જે અંતર્ગત 12 સેમ્પલની ચકાસણી કરવામાં આવી હતી. એપલો ફાર્મસી, ઝેપોલો બેકરી, ટી-પોસ્ટ, પટેલ કોલ્ડ્રીંક્સ અને ઉમિયાજી કોલ્ડ્રીંક્સને નોટિસ આપવામાં આવી હતી.