રાજકોટ કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા ચેકીંગ દરમિયાન શહેરના બોલબાલા માર્ગ પર હસનવાડી-4માં આવેલી શ્રી તિરૂપતિ ડેરી ફાર્મમાંથી 500 કિલો મીઠો માવો અને 50 કિલો વાસી મિઠાઇનો જથ્થો મળી આવતા તેનો ટીપરવાનમાં નાશ કરી મીઠા માવા, પીસ્તા રોલ, સાદો શ્રીખંડ અને શુદ્વ ઘીના નમૂના લેવામાં આવ્યા હતા.
પીસ્તા રોલ, સાદો શ્રીખંડ, શુદ્વ ઘી અને મીઠા માવાના નમૂના લઇ પરિક્ષણ અર્થે મોકલાયા
આ અંગે વધુ માહિતી આપતા આરોગ્ય અધિકારી ડો.જયેશ વંકાણીએ જણાવ્યું હતું કે શહેરના બોલબાલા માર્ગ પર હસનવાડી-4માં ગુજરાત હાઉસીંગ બોર્ડ ક્વાર્ટર સામે આવેલી વિરેન્દ્રભાઇ રમેશચંદ્ર ઉનડકટની માલિકીની પેઢી શ્રી તિરૂપતિ ડેરી ફાર્મમાં ચેકીંગ હાથ ધરવામાં આવતા કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરેલો વાસી અને પડત્તર મીઠા માવાનો 500 કિલોનો જથ્થો મળી આવ્યો હતો. જેના પર એક્સપાયરી ડેઇટ કે યુઝ બાય ડેઇટ અંગે કોઇ જ વિગત છાપવામાં આવી ન હતી. આ ઉપરાંત 50 કિલો વાસી મિઠાઇનો પણ જથ્થો મળી આવ્યો હતો. જેનો સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીપરવાનમાં નાશ કરવામાં આવ્યો હતો. પેઢીમાંથી મીઠો માવો, પીસ્તા રોલ, સાદો શ્રીખંડ અને શુદ્વ ઘીના નમૂના લેવામાં આવ્યા છે. હાઇજેનીંક ક્ધડીશન અંગે નોટિસ પણ ફટકારવામાં આવી છે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે કુવાડવા રોડ ડી-માર્ટમાંથી આડો નંદનવન રોડ સહિતના વિસ્તારોમાં ખાણીપીણીની 32 દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત અતુલ આઇસ્ક્રીમ, રામ ડેરી ફાર્મ અને શિવમ ફ્રૂટ્સને નોટિસ આપવામાં આવી હતી.