કે.કે.વી ચોકમાં મલ્ટીલેવલ બ્રીજ બનાવવાના કામમાં નડતરરૂપ લીમડા, કરેણ સહિતના 12 વૃક્ષોને કોર્પોરેશને રાતો-રાત વાઢી નાખ્યા: પર્યાવરણપ્રેમીઓમાં ભભૂકતો રોષ
વિકાસના નામે જાણે મહાપાલિકા વિનાશ નોતરી રહી હોય તેવું લાગી રહ્યું છે. શહેરના ગૌરવપથ એવા કાલાવડ રોડ પર કે.કે.વી ચોકમાં ઓવરબ્રીજ ઉપર કરોડો રૂપિયાના ખર્ચે મલ્ટીલેવલ બ્રીજ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. બ્રીજના કામ માટે નડતરરૂપ 12 ઘેઘુર વૃક્ષોને રાતો રાત વાઢી નાખવામાં આવતા પર્યાવરણપ્રેમીઓમાં ભયંકર રોષ ફાટી નીકળ્યો છે. એક તરફ મહાપાલિકા રાજકોટવાસીઓને વૃક્ષારોપણ કરવાની સુફીયાણી સલાહ આપી રહી છે તો બીજી તરફ વિકાસના નામે આડેધડ વૃક્ષ છેદન કરવામાં આવી રહ્યું છે.
શહેરના કાલાવડ રોડ પર કે.કે.વી ચોકમાં હયાત બ્રીજ પર મહાપાલિકા દ્વારા આશરે 91 કરોડના ખર્ચે મલ્ટીલેવલ બ્રીજ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. બ્રીજના બન્ને સાઈટ સર્વિસ રોડ પણ બનાવવામાં આવનાર છે. જેમાં નડતરરૂપ લીંબડા અને કરેણ સહિત 12 વૃક્ષોનું રાતો-રાત નિકંદન કાઢી નાખવામાં આવ્યું છે. છેલ્લા અઢી કાયદાથી આ ઘેઘુર વૃક્ષો કાળઝાળ ઉનાળામાં શહેરીજનોને શિતળ છાયડો આપી રહ્યાં હતા.
વૃક્ષ છેદનની ઘટનાનો કોઈ વિરોધ ન કરે અને શાંતિથી કામ પૂર્ણ થાય તે માટે ગાર્ડન શાખા દ્વારા મધરાત્રે વૃક્ષ કાપની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને પરોઢીયે તો તમામ વૃક્ષોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. રાત્રીના સમયે જ્યાં લીલા વૃક્ષો પર્યાવરણની શોભા વધારી રહ્યાં હતા તે રોડ સવારે ભેકાર ભાશતા પર્યાવરણપ્રેમીઓ આશ્ર્ચર્યમાં પડી ગયા હતા. એવી શી જરૂરીયાત ઉભી થઈ કે રાતો રાત 12 જેટલા ઘેઘુર વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું. કોર્પોરેશનની ગાર્ડન શાખાના સુત્રો એવો દાવો કરી રહ્યાં છે કે બ્રીજના કામ માટે આ વૃક્ષો નડતરરૂપ થતાં હોવાના કારણે તેને વાઢી નાખવામાં આવ્યા છે. વાસ્તવમાં જો આ ઘેઘુર વૃક્ષોનું રી પ્લાન્ટેશન કરવામાં આવ્યું હોત તો વૃક્ષોનું નિકંદન કાઢવાની ફરજ ઉભી ન થાત અને બ્રીજ પ્રોજેકટ પણ આસાનીથી આગળ ધપી શકત પરંતુ મહાપાલિકા વિકાસના નામે વિનાશ નોતરી રહી છે.