લાઈવ કાર્યક્રમમાં સંત-સતીજીઓ સાથે હજારો ભાવિકોએ પૂજ્ય ડુંગરજી ગુરૂદેવને ગુણાંજલી અર્પણ કરી
રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી લાઈવ પ્રસારણના માધ્યમે ગોંડલ સંપ્રદાયના આદ્ય સંસ્થાપક નિદ્રાવિજેતા એકાવતરી આચાર્ય ભગવંત ૧૦૦૮ પૂજ્યપાદ ડુંગરસિંહજી મહારાજ સાહેબની ૧૯૯મી પૂણ્યસ્મૃતિ ઉપલક્ષે, દેશનાં ખૂણે ખૂણે વિચરી રહેલા ગોંડલ ગચ્છના સંત સતીજીઓના સાંનિધ્યે “આચાર્ય ડુંગરસિંહજી ગુરુદેવ સ્વર્ગારોહણ દ્વિશતાબ્દી સંવરોત્સવ અવસર તેઓને ગુણાંજલી આપતાં અત્યંત શ્રધ્ધા અને ભક્તિભાવે ઉજવવામાં આવ્યો હતો. દાદા ગુરુદેવને ગુણાંજલી અર્પણ કરવાના આ અવસરે ચેન્નઈથી ગોંડલ ગચ્છ શિરોમણી પૂજ્ય જશરાજજી મહારાજ સાહેબ, મુંબઈથી સાહિત્યપ્રેમી પૂજ્ય દેવેન્દ્રમુનિ મહારાજ સાહેબ, શાસ્ત્ર દિવાકર પૂજ્ય મનોહરમુનિ મહારાજ સાહેબ, રાજકોટથી ગુજરાતરત્ન પૂજ્ય સુશાંતમુનિ મહારાજ સાહેબ, અમદાવાદથી રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિજી મહારાજ સાહેબ, મુંબઈથી ક્રાંતિકારી યુવાસંત પૂજ્ય પારસમુનિ મહારાજ સાહેબ, વલસાડથી સંપ્રદાય વરિષ્ઠા પૂજ્ય પ્રાણકુંવરબાઇ મહાસતીજી, બાપજી પૂજ્ય લલિતાબાઈ મહાસતીજીના સુશિષ્યા પૂજ્ય જસુબાઈ મહાસતીજી, શાસનચંદ્રિકા પૂજ્ય હીરાબાઈ મહાસતીજીના સુશિષ્યા પૂજ્ય સ્મિતાબાઈ મહાસતીજી, પૂજ્યવરા પૂજ્ય મુક્ત-લીલમ ગુરુણીના સુશિષ્યાપૂજ્ય સુમતીબાઇ મહાસતીજી, પૂજ્ય વીરમતીબાઇ મહાસતીજી પૂજ્ય ઉર્વશીબાઇ મહાસતીજી આદિ અનેક ક્ષેત્રોમા ઉપસ્થિત સંત સતીજીઓ સાથે હૈદરબાદ, ચેન્નાઈ, કોલકત્તા, ગુજરાત, સૌરાષ્ટ્ર, ઓસ્ટ્રેલિયા, દુબઈ, સુદાન આદિ અનેક અનેક ક્ષેત્રોના હજારો ભાવિકો જોડાઈને ધન્ય બન્યાં હતાં.
આ અવસરે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવે દાદા ગુરુદેવના જીવનમાં સર્જાએલાં મૃત્યુ રૂપી વૈરાગ્યના નિમિત્તોનું વર્ણન કર્યું હતું. પરમ ગુરુદેવે સમજાવ્યું હતું કે, નિયતિ જ્યારે નિમિત્તોનું સર્જન કરે છે ત્યારે મહાપુરુષોનું પ્રાગટ્ય થતું હોય છે. કોઈના મૃત્યુનું નિમિત્ત કોઈના માટે વૈરાગ્યનું પ્રબળ નિમિત્ત બની જતું હોય છે. જયાં આપણે એક રાત પણ નિંદ્રા ન થાય તો ન ચાલે ત્યાં સદા પાંચ વર્ષ સુધી સ્વયંની નિંદ્રા પર અનુશાસન કરનારા દાદા ગુરુદેવના ગુણગ્રામ કર્તા કહ્યુ કે, ભગવાને કહ્યુ છે, આચાર્યોનાં ગુણગ્રામ કરવાથી જઘન્ય રસ ઉપજે તો કર્મોની કરોડો ખપે અને ઉત્કૃષ્ટ રસ ઉપજે તો તીર્થંકર નામ કર્મનો બંધ થાય. ક્યારેય પણ લોકોના વખાણથી કોઈ મહાનતાનું સર્જન નથી થતુ, જેના અંતરમા ગુણોની ખાણ હોય છે તે જ મહાન બની શકે છે. મહાન તે જ બાની શકે જે સ્વયંનો ભોગ આપી અત્યંત પુરુષાર્થ કરે છે.
અંતમાં પરમ ગુરુદેવે ત્યાગ અને મંત્ર જાપ કરવાની પ્રેરણા આપી આ સ્વર્ગારોહણ દ્વિશતાબ્દી સંવરોત્સવ અવસરે પૂજ્ય દુંગરસિંહજી ગુરુદેવનું ભક્તિગાન દ્વારા અહોભાવ અભિવ્યક્ત કરતા આ કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ હતી.