સીઆરપીસીની કલમ ૪૩૬-એમાં ફેરફાર કરવા વિચારણા: મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલયે રિપોર્ટ તૈયાર કર્યો
મહિલાઓ કેદીઓની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તેમને જામીન સરળતાથી મળે તેવો તખ્તો મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના માધ્યમથી તૈયાર થઈ રહ્યો છે. સીઆરપીસીની કલમો હળવી બનાવીને અંડર ટ્રાયલ મહિલાઓને જેલમાંથી બહાર કાઢવામાં આવશે. જે મહિલાઓ તેમની સજાનો ત્રીજો ભાગ જેલમાં કાપી ચુકી હોય તેમને આ રાહત મળશે.
જેલમાં એક તૃત્યાંશ સજા પુરી કર્યા બાદ મહિલાઓને ઝડપથી જામીનપર મુકત કરવામાં આવશે. આ માટે સીઆરપીસીની કલમ ૪૩૬માં ફેરફાર કરવામાં આવશે. સરકારે જેલમાં મહિલાઓની સ્થિતિ મામલે તૈયાર કરેલા રીપોર્ટમાં આ જોગવાઈ થઈ છે. મહિલા કેદીઓને મુકત કરવા માટે મહતમ સમયમર્યાદા નકકી કરવામાં આવે છે પરંતુ જામીન આપવામાં આવતા નથી. આવા કેસોમાં કાયદાની જોગવાઈ મુજબ સજાપાત્ર તપાસ બાદ જ જામીનગીરી મંજુર થાય છે. અલબત નબળા અને ગરીબ પરીવારોમાંથી આવતી મહિલાઓને વધુ તકલીફ પડે છે.
જેલમાં રહેલી મહિલાઓના બાળકો રઝળી પડે છે. જવાબદારી ધરાવતી મહિલાઓ જેલમાં લાંબો સમય ગાળે તો બાળકો હેરાન-પરેશાન થાય છે. પરીણામે મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલય આ મુદ્દે ચિંતિત બન્યું છે અને ત્રીજા ભાગની સજા કાપેલી ચુકેલી અંડર ટ્રાયલ મહિલાઓની સ્થિતિને ધ્યાનમાં રાખી તેમને જામીન આપવામાં આવે તેવો વિચાર થઈ રહ્યો છે.
અહીં ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૫ની સ્થિતિ અનુસાર ભારતની જેલમાં ૪,૧૯,૬૨૩ કેદીઓ છે જેમાંથી ૪.૩૩ ટકા એટલે કે ૧૭,૮૩૪ મહિલા કેદીઓ છે. જેમાંથી ૧૧,૯૧૬ એટલે કે ૬૬.૦૮ ટકા અંડર ટ્રાયલ મહિલાઓ છે. મોટાભાગની મહિલા કેદીઓ ૩૦ થી ૫૦ વર્ષની ઉંમરની છે. આવા કેદીઓની ટકાવારી ૫૦ ટકાની છે. જયારે ૧૮ થી ૩૦ વર્ષની મહિલાઓની ટકાવારી ૩૧.૩ ટકા છે.