Abtak Media Google News

બેંકના પૂર્વ કર્મચારી વિબોધ દોશીએ બ્યુગલ ફૂંકયું

રાજકોટ નાગરિક બેંકના 60 જેટલા લોન ખાતામાં કરોડોના કૌભાંડ છતાં બેંકના હોદે્દારોનું પેટનું પાણી પણ હલતું નથી : નાગરિક બેંક બચાઓ સંઘ

આરબીઆઈ દ્વારા ફ્રોડનો રિપોર્ટ રજુ રાખવા પીટીશન : બેંકના સીઈઓ સહિતનાઓએ ફ્રોડ કર્યાના આક્ષેપો સાથે નાગરિક બેંક બચાઓ સંઘ દ્વારા અબતક મીડિયા સમક્ષ જાહેર કરાયા પુરાવા

નાગરિક બેન્ક બચાઓ સંઘના મહામંત્રી વિબોધ દોશીએ જણાવ્યું છે કે તેઓ નાગરિક બેંકમાંથી ગેરકાયદેસર રીતે ટર્મીનેટ થઈ ગયા છે. સ્લીપેજ રીકવરીના મેનેજર તરીકે અગાઉ તેઓ કાર્યરત હતા. તેઓએ ગુજરાત હાઈકોર્ટમાં પીટીશન ફાઈલ કરેલ છે. રાજકોટ નાગરિક બેંકની મુંબઈમાં આવેલી કાલબાદેવી બ્રાંચના 25 ફ્રોડ લોન ખાતાઓ તેમજ જુનાગઢ બ્રાંચના 35 ફોડ લોન ખાતાઓ અંગે પોતાની નોકરીની ફરજના ભાગરૂપે અને માતૃ સંસ્થા પ્રત્યેની અડગ નિષ્ઠા દર્શાવીને તેઓ બેંકમાં અપાયેલી 60 ફ્રોડ લોન કે જે પબ્લીક મનીના કરોડો રૂપિયા ખોટા થઈ ગયા છે તેની સામે વ્હીસલ બ્લોઅર તરીકે સંઘર્ષ કરી રહયા છે.

વિબોધ દોશી જણાવે છે કે જુની અને જાણીતી વિશ્વસનીય એવી રાજકોટ નાગરિક સહકારી બેંકના સાત દાયકાના ઈતિહાસમાં અભુતપુર્વ ફ્રોડ લોન સ્કેમ બહાર લાવનાર દોશીને બીરદાવવાની બદલે આ કૌભાંડમાં સીઈઓ સહીતના મોટા માથાઓ સંડોવાયેલા હોવાથી તેઓને ગેરકાયદેસર રીતે 30 સપ્ટેમ્બર-2023 ના સીધા જ ટર્મીનેટ કરી દેવામાં આવેલ. જેની સામે મનાઈહુકમ મેળવવા દોશી ગુજરાત હાઈકોર્ટમાં ગયેલ અને સ્ટે મેળવેલ પરંતુ બાદમાં ડીવીઝન બેંચે સ્ટે કાઢી નાખેલ. આથી વિબોધ દોશી સુપ્રિમ કોર્ટમાં ગયેલ અને ત્યાંથી સ્ટે મેળવીને બેંકમાં ચાર મહીના નોકરી કરવામાં સફળ થયેલ. બેંક ધ્વારા અનેક નામાંકિત વકીલો બાદ છેલ્લે દેશના પ્રથમ ક્રમાંકિત એડવોકેટ હરીષ સાલ્વેને દોશી સામે રોકેલ, પબ્લીક મનીના લાખો રૂપિયાની ફી સ્વભાવિક રીતે બેંકે સાલ્વેને એટલા માટે ચુકવી કે આ લોનના ફ્રોડ જો સુપ્રિમમા બહાર આવે તો બેંક મેનેજમેન્ટ ની મોટી હસ્તીઓને પણ જેલની સજા ભોગવવાનો વારો આવી શકે. તા.22-4-2024 ના સુપ્રિમ કોર્ટે ટર્મીનેશન સામેનો સ્ટે કાઢી નાખેલ પરંતુ વિબોધ દોશી વ્હીસલ બ્લોઅર છે તે સ્વીકારીને ગુજરાત હાઈકોર્ટને ઓગસ્ટ અંત સુધીમાં આ અંગેનો હુકમ કરવા સ્પષ્ટ રીતે આગ્રહપુર્વક જણાવેલ છે. હાઈકોર્ટમાં આ મેટર ચાલી રહી છે તે દરમ્યાન દોશીએ વધુ એક પીટીશન દાખલ કરીને નાગરિક બેંકના ફ્રોડ લોન કૌભાંડ અંગે રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયા ઉંડી તપાસ કરીને સત્ય શોધક રીપોર્ટ હાઈકોર્ટ સમક્ષ રજુ કરે તેવી દાદ માંગેલ છે. લોનનો ફ્રોડ હોવાના સીલસીલાબંધ દસ્તાવેજી આધાર પુરાવાઓ પણ પીટીશન સાથે જોડવામાં આવેલ છે. આ 31 મી મેં એ વયમર્યાદાના કારણે દોશી બેંકમાંથી નિવૃત થઈ ગયા છે. પરંતુ તેમનો સત્ય માટેનો સંઘર્ષ ચાલે છે અને ચાલતો જ રહેશે.

આ દરમ્યાન આરએસએસ અને જનસંઘ-ભાજપના જુના જોગીઓ તેમજ બેંકના નિવૃત અધિકારી અગ્રણીઓએ પણ આ લડતમાં ઝંપલાવ્યુ છે. નાગરિક બેંક બચાવો સંઘની સ્થાપના ચંદુભા પરમાર, શરદભાઈ વોરા, બાલુભાઈ શેઠ વિગેરે અનેક નિ:સ્વાર્થી આગેવાનો મારફત થયેલ છે તેમાં મહામંત્રી તરીકેની મહત્વની જવાબદારી  દોશીને સોંપવામાં આવેલ છે. કાલબાદેવી બ્રાંચ મારફત મુંબઈ થી 110 કી.મી દૂર બ્રાંચના કાર્યક્ષેત્રની બહાર રાઈગઢ જિલ્લાના અલીબાગ તાલુકાના એક ગામડાના સર્વે નંબરમાં અધુરા બાંધકામ વાળી મીલ્કત સામે રૂપિયા એંસી લાખની ફોડ લોન સને-2020 માં અપાયેલી છે. માત્ર 80 ચો.મી. પર સાવ અધુરૂ બાંધકામ આજે પણ છે અને ત્યાં લાઈટ, પાણી, ડ્રેનેજ કે રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી. ત્યાં મકાન ખરીદીની લોન આપવામાં આવેલ છે.અતિ અગત્યની અને ચોંકાવનારી હકીકત એ છે કે આ લોન બેંકના સીઈઓ અને જનરલ મેનેજર  વિનોદ કુમાર શર્મા અને ડેપ્યુટી જીએમ  રજનીકાંત રાયચુરા દ્વારા મંજુર કરેલ છે. બેંકના આ લોન ખાતામાં બાકી લેણી રકમ આજે આશરે નેવુ લાખ જેટલી છે છતાં કોઈ કોઈપણ નીચી રકમના ટેન્ડર ભરવા સામે આવ્યુ નથી. બેંકે આપેલ લોનની રકમ કરતા પણ ખુબ નીચા ભાવે ઘણા મહીનાઓ પહેલા ટેન્ડર બહાર પાડયા છે પરંતુ મીલ્કતની માર્કેટ વેલ્યુ રૂપિયા વીસ લાખ આસપાસ પણ નથી અને આજુબાજુ દૂર દૂર પણ માનવ વસાહત નથી જેથી મીલ્કત ખરીદનારા મળતા જ નથી.લોન આપતા સમયે બેંકે જ વેલ્યુઅર પાસે ગેરકાયદેસર રીતે ઘણી મોટી કિંમતના વેલ્યુએશન રીપોર્ટ મેળવેલા, દસ્તાવેજ થયા વગર માત્ર સાટાખતના આધારે લોની પાસે મિલ્કત મોર્ગેજ કરાવી લીધેલ જે મોર્ગેજ લીગલ ટાઇટલ તરીકે ટકી શકે તેમ જ નથી. જેથી બેંકે નામ પુરતો મીલ્કતનો જે કબજો લીધેલ તે પણ હાલમાં વેચનાર બીલ્ડર્સે પાછો મેળવી લીધેલ છે. મીલ્કત ખરીદનાર એટલે કે લોની સંપુર્ણ બીનામી છે અને બેંકના આ રૂા.એંસી લાખની રકમ વેચનાર બીલ્ડર્સ અને અન્ય એક અનેક કૌભાંડો કરનાર મુખ્ય સુત્રધાર હજમ કરી ગયા છે.

વિબોધ દોશી જણાવે છે કે રીઝર્વ બેંક હજુ તપાસ કરી રહી છે તે પહેલા બેંકના ચેરમેને રીઝર્વ બેંકે કલીનચીટ આપી દીધા હોવાનું જાહેર કર્યું છે. નાગરિક બેંક બચાવો સંઘ ધ્વારા કલીનચીટ આપ્યા અંગેના આધાર પુરાવાઓ જાહેર કરવાની ચેલેન્જ આપતા ચેરમેન અને મેનેજમેન્ટે ભેદી મૌન સેવી લીધુ છે. બેંક બચાવો સંઘના અગ્રણીઓને શર્માએ ચોર કોટવાલને દંડે એ કહેવત સાચી પાડીને બદનક્ષીની 25 દિવસ પહેલા નોટીસ આપેલ છે જેનો સણસણતો જવાબ પણ અપાઈ ગયો છે. પોતે આર્થિક અપરાધી હોવાથી બદનક્ષી અંગેની ફરીયાદ હજુ સુધી કોર્ટમાં દાખલ કરેલ નથી.

વિબોધ દોશી જણાવે છે કે  નાગરીક બેંકના બની બેઠેલા કાયમી સુપર ચેરમેન જયોતિન્દ્ર મહેતા (મામા) ખાનગી પેઢીની જેમ બેંકને ચલાવે છે. મહેતા (મામા) બેંકના ખર્ચે પોતાની રાષ્ટ્રીય સહકારી નેતાની ઈમેજ બનાવવા અનેક વર્ષોથી કાર્યરત છે તે જગજાહેર છે. તેઓના દુરાગ્રહથી બોર્ડ ઓફ ડિરેક્ટર્સ બેંકના કોંભાડયાઓ સામે કોઈ કાર્યવાહી કરતા નથી અને ઉલ્ટાનુ જવાબદારોને છાવરે છે. તે બેંકની શાખ, લાખો લોકોનો બેંક પ્રત્યેનો વિશ્વાસ તેમજ બેંકના આર્થિક ભવિષ્યને વિપરીત અસર કરનારી સાબિત થઈ રહી છે. બેંકના પૂર્વ ડિરેકટર અને હાલના રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયાના ડિરેક્ટર સતિષ મરાઠે (મુંબઈ)ની વગનો ઉપયોગ કરી જ્યોતિન્દ્ર મહેતા રીઝર્વ બેંકમા પોતાની મનમાની કરાવી રહ્યાની આધારભૂત માહિતી નાગરીક બેંક બચાવો સંઘને મળી છે. સંઘના મહામંત્રી વિબોધ દોશીએ અંતમા જણાવ્યુ છે કે, લોન ફોડ અંગેના તમામ દસ્તાવેજી આધાર પુરાવાઓ સંઘ પાસે ઉપલબ્ધ છે.

સંઘના અગ્રણીઓએ બેંક મેનેજમેન્ટને આ તમામ ફોડ અંગે જાહેર ચર્ચા કરવા કે સંયુક્ત પત્રકાર પરીષદ કરવા સ્પષ્ટ ચેલેન્જ-પડકાર – પણ ફેંકયો છે.

શર્મા મેનેજમેન્ટને બ્લેકમેઈલ કરતા હોવાનું સ્પષ્ટ રીતે જણાય આવે છે

વિબોધ દોશી જણાવે છે કે  નાગરિક બેંકનો બીઝનેશ હાલમાં રૂા. દસ હજાર કરોડથી વધુ છે ત્યારે તેના સુપ્રિમો અને સુકાની એવા સીઈઓ જ જયારે ફોડ લોન આપે તેમજ અપાયેલી અન્ય ફોડ લોનને સંપૂર્ણપણે નકારી કાઢે ત્યારે બેંકના દસ લાખથી વધુ થાપણદારો, સભાસદો, ગ્રાહકો વિગેરેની પરસેવાની કમાણીનું ભવિષ્ય શું ?? એની ગંભીર ચિંતા સાથે ચંદુભા પરમાર,  વિબોધ દોશી, શ્રી શરદ વોરા, બાલુભાઈ શેઠ સહીતના અગ્રણીઓ મેદાને પડયા છે. બેંકના વર્તમાન ડીરેકટરો અને ચેરમેન કોઈ અગમ્ય અને ભેદી કારણોસર શર્માના તાબામાં છે અને શર્મા મેનેજમેન્ટને બ્લેકમેઈલ કરતા હોવાનું સ્પષ્ટ રીતે જણાય આવે છે.

કાલબાદેવીમાં અંદાજે 25-25 લાખની 23 ફ્રોડ લોન થઈ

વિબોધ દોશી જણાવે છે કે તદુપરાંત કાલબાદેવીની 23 ફ્રોડ લોનો પણ કે જે દરેક લોન સરેરાશ રૂા.25,00,000/- ની હશે તેમાં પણ બેંકને કરોડો રૂપિયાનું બુચ લાગી ગયેલ છે. મેલીમુરાદથી જ લોન અપાયેલ એટલે બેંકને મોટો ચુનો લાગી ગયો છે તે સ્વભાવિક છે. કાલબાદેવીની આ 25 ફ્રોડ લોનને સમર્થન આપતો ઇન્વેસ્ટીગેશન રીપોર્ટ બેંકના ઉચ્ચ અધિકારી હેમાંગ ઢેબર તેમજ તુષાર મહેતા દ્વારા બેંકને અપાઈ ગયેલ છે તેમ છતા નાગરીક બેંકના બોર્ડ ઓફ ડિરેકટર્સ દ્વારા અગમ્ય કારણોસર તેને દબાવી દિધો છે, જે રીપોર્ટ દોશી પાસે છે અને તે હાઇકોર્ટમાં પણ રજુ કરી દીધેલ છે.

જૂનાગઢમાં બેન્ક પાસેથી એક પરિવારે 5 કરોડની રકમ મેળવી લીધી

વિબોધ દોશી જણાવે છે કે જુનાગઢ બ્રાન્ચમાં પણ જુદા જુદા બીનામી લોકોના આધાર કાર્ડ, પાનકાર્ડ ભેગા કરીને તેમને સહીઓ કરવા માટે એકાદ લાખ જેવી સરેરાશ રકમ લાલચના હેતુથી વિપુલ ગચ્ચર પરિવાર ધ્વારા આપેલી હતી. બેંકના આશરે રૂા. પાંચ કરોડ જેવી રકમ આ એક જ પરિવારે નાણાકીય હેરફેર કરીને મેળવી લીધાનું બેંકની કોમ્પ્યુટર સીસ્ટમના ડેટા જ સ્પષ્ટપણે આજે પણ દર્શાવે છે. આ લોનોમાં બેન્કીંગ નિયમો સાથે માત્ર બાંધછોડ નથી કરી પરંતુ નિયમોને બીલકુલ કોરાણે મુકી દીધેલ છે. આ અંગેનો જુનાગઢ બ્રાન્ચ મેનેજરનો 35 લોન ખાતાનુ બ્લેક લીસ્ટ તેમજ અન્ય પુરાવાઓ પણ  દોશી પાસે ઉપલબ્ધ છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.