ટેક્સ રિક્વરીની કામગીરીમાં ભેદી ઢીલ: માત્ર નવ મિલકતો સીલ અને ચારને ટાંચ જપ્તીની નોટિસ અપાઇ
ચાલુ નાણાકીય વર્ષમાં ટેક્સની આવક 500 કરોડથી પણ વધુ થાય તેવા હેતુ સાથે નવનિયુક્ત મ્યુનિ.કમિશનર આનંદ પટેલે ટેક્સ બ્રાન્ચને વર્ષના આરંભથી દોડતી કરી છે. જો કે, રિઢા બાકીદારો પર ટેક્સ બ્રાન્ચ રહેમ રાખી રહી હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. એક તરફ વેરામાં વળતર યોજના ચાલી રહી છે. જ્યારે મિલકત સીલીંગની કામગીરીને વેગવાન બનાવવા બદલે અધિકારીઓ અને કર્મચારીઓ માત્ર કહેવા પૂરતી કામગીરી નિભાવી રહ્યા છે. રોજ હાજરી પૂરાઇ તેટલી કામગીરી કરે છે.
ટેક્સ બ્રાન્ચે એપ્રીલ માસના શરૂઆતના દિવસોમાં બાકીદારો પર આકરી ધોંસ ઉતાર્યા બાદ છેલ્લા એકાદ સપ્તાહથી કામગીરીને બ્રેક મારી દીધી હોય તેવું લાગી રહ્યું છે. વર્ષો જુનું લેણું વસૂલવા માટે હપ્તા સિસ્ટમ મૂકવામાં આવી છે. જેને સફળ બનાવી હોય તો બાકી વેરાની આકરી વસૂલાત કરવી પડે પરંતુ ટેક્સ બ્રાન્ચના અધિકારીઓમાં જાણે દયાભાવ વસી ગયો હોય તેવું લાગી રહ્યું છે. આજે શહેરના અલગ-અલગ વોર્ડમાં બપોર સુધીમાં માત્ર નવ બાકીદારોની મિલકતો સીલ કરવામાં આવી હતી. જ્યારે ચાર મિલકતોને ટાંચ જપ્તીની નોટિસ આપવામાં આવી છે. ટેક્સ બ્રાન્ચ હવે માત્ર હાજરી પૂરાવવા પૂરતી જ કામગીરી કરતી હોય તેવું લાગી રહ્યું છે. માનવ કલાકોનો વેડફાટ થઇ રહ્યો છે. સામે જોઇએ તેટલું પરિણામ મળતું નથી.
જો આજ રીતે કામગીરી કરવામાં આવશે તો 500 કરોડની વસૂલાતની વાત દૂર રહી ટેક્સ બ્રાન્ચને બજેટમાં જે રૂપિયા 440 કરોડનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે તે પણ પૂરો થાય તેવું હાલ દેખાતું નથી.